શિવરાજ ચૌહાણે હિન્દુઓને ‘ ચેતવ્યા ‘
ચૂંટણી પ્રચારમાં ‘સનાતન ધર્મ ‘ કેન્દ્રસ્થાને
વિધાનસભાની ચૂંટણી પૂર્વે મધ્યપ્રદેશમાં રાજકીય ગરમી જોર પકડી રહી છે. ભાજપ દ્વારા આયોજિત જન આશીર્વાદ યાત્રામાં બોલતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ કોંગ્રેસને સનાતન ધર્મ વિરોધી ગણાવી આકરી ટીકા કરી હતી. એક સભાને સંબોધતા તેમણે કહ્યું કે મારી બહેનોએ એ યાદ રાખવું પડશે કે કોંગ્રેસ સત્તામાં આવશે તો બિંદી બંગડી પહેરવાનું પણ મુશ્કેલ બનાવી દેશે. તેમણે વિશેષમાં ઉમેર્યું કે કોંગ્રેસનું શાસન આવશે તો ભજન,રામાયણ પાઠ, ગીતા અને ગણેશોત્સવ ઉપર પણ રોક લાગી જશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસે ગઠબંધન બનાવ્યું છે અને તેને ઇન્ડિયાના નામ આપ્યું છે. આ ગઠબંધનના એક પક્ષે સનાતન ધર્મ ની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી તેને ખતમ કરી દેવાનું આહવાન કર્યું છે. આ લોકો આપણા ધર્મ ઉપર હુમલો કરી રહ્યા છે. તેમણે આ બાબતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જવાબ આપે તેવી માગણી કરી હતી.
નોંધનીય છે કે તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલીનના પુત્ર ઉદયનિધિએ સનાતન ધર્મ વિશે કરેલ બકવાસ બાદ ચૂંટણી પ્રચારમાં એ મુદ્દો કેન્દ્રસ્થાને આવી ગયો છે. મધ્યપ્રદેશમાં આ વખતે ભાજપ માટે કપરાં ચઢાણ છે ત્યારે આ સંવેદનશીલ મુદ્દો અવિરત ગાજતો રહેશે તેવા નિર્દેશો સ્પષ્ટ બન્યા છે.