શાસ્ત્રી મેદાનમાં હીરાજડિત ગણપતિના કરો દર્શન
મધુવન ક્લબ દ્વારા ‘રાજકોટ કા રાજા’નુ ભવ્ય આયોજન: શિવ તાંડવ, શ્રી નાથજીની ઝાંખી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
રાજકોટમાં મંગળવારે શહેરીજનોએ વાજતે-ગાજતે વિઘ્ન હર્તા ગણેશજીનું સ્થાપન કર્યું હતું. વિશાળ પંડાલો ઉપરાંત અનેક લોકોએ ઘરે અને ઓફિસોમાં પણ ગણપતીજીની સ્થાપન કરી છે. 1 દિવસથી લઈને 9 દિવસ સુધી શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજકોટમાં મધુવન કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાસ્ત્રી મેદાન ખાતે ‘રાજકોટ કા રાજા’ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં ‘રાજકોટ કા રાજા’ ગણપતિ મહોત્સવ ખૂબ જ લોકપ્રિય છે અને ગણેશ મહોસત્વ દરમિયાન અહી હજારોની સંખ્યામાં ભક્તો દર્શનનો લ્હાવો લે છે.
મધુવન ક્લબ દ્વારા છેલ્લા 12 વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવનું આસ્થાભેર આયોજન કરવામાં આવે છે. આ અંગે મધુવન કલબના આશીષભાઈ વાગડિયાએ “વોઇસ ઓફ ડે” સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મધુવન ક્લબ દ્વારા શાસ્ત્રી મેદાનમાં આસ્થા અને હર્ષોઉલ્લાસ સાથે છેલ્લા 12 વર્ષથી ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને આ દરમિયાન જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે 240 બાય 240ના વિશાળ ગ્રાઉન્ડમાં 50 બાય 80નો ભવ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 10 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યારે સિનિયર સિટીઝનો માટે 1500 જેટલી ખુરશી પણ રાખવામાં આવી છે.
‘રાજકોટ કા રાજા’ સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. રોજ સાંજે 7:30 વાગ્યે ભવ્ય મહાઆરતી કરવામાં આવશે. જ્યારે 9 વાગ્યે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. અહીંયા મુખ્ય આકર્ષણ કહી શકાય તો તે એ છે કે, રાજકોટ અને ગુજરાતમાં પ્રથમ એવો મહોત્સવ છે કે જ્યાં બાબા અમરનાથના દર્શન શહેરીજનો કરી શકે છે. આ માટે 300 બરફની લાદી દ્વારા બર્ફીલા અમરનાથ તૈયાર કરવામાં આવે છે. જ્યારે અમરનાથ ગુફા પણ બનાવવામાં આવે છે. જેમાં ખાસ જંગલ જેવુ વાતાવરણ ઊભું કરવામાં આવે છે અને લોકો જાણે અમરનાથમાં હોય તેવો અનુભવ કરે છે. દર વર્ષે અંદાજે 30 થી 40 હજાર લોકો બાબા અમરનાથના દર્શન કરે છે. આ અમરનાથ દર્શન ગણેશ મહોત્સવના બીજા દિવસે સાંજે 7 વાગ્યે ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવે છે. મધુવન ક્લબ આયોજિત ગણેશ મહોત્સવમાં રોજે રોજ 108 આરતી કરવામાં આવે છે એટલે કે, આ આરતીમાં દર્શનાર્થી ભાઈ-બહેનો પણ આરતી કરી શકે છે. શાસ્ત્રી મેદાનમાં આયોજિત આ સાર્વજનિક ગણપતિ મહોત્સવનો લાભ લેવા આયોજકો આશિષભાઈ વાગડિયા, રાજુભાઇ કીકાણી, રાજભા ઝાલા સહિતના સભ્યો દ્વારા અપીલ કરવામાં આવી છે.
કલબના રાજુભાઇ કીકાણીએ કહ્યું હતું કે, ગણેશ મહોત્સવ દરમિયાન શ્રી નાથજીની ઝાંખી, શિવ તાંડવ, લોક ડાયરો, હસાયરો, કરાઓકે, ડાન્સ કોમ્પિટિશન, લાડુ સ્પર્ધા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું દરરોજ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે શક્ય હશે તો ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં કરવામાં આવતી ભસ્મ આરતી જેવી આરતીનું પણ આયોજન કરવાની કલબના સભ્યો દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. જો શક્ય બનશે તો રાજકોટના લોકોને ભસ્મ આરતીનો પણ લ્હાવો મળશે. પ્રથમ દિવસે દિવ્યાંગ બહેનો, વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલો તેમજ અનાથાશ્રમના બાળકો દ્વારા મહા આરતી કરાવવામાં આવે છે અને તેમને પ્રસાદ (ભોજન) પણ આપવામાં આવે છે.
હીરાજડિત મૂર્તિનું સ્થાપન
શાસ્ત્રી મેદાનમાં વિશાળ પંડાલમાં ઉજવાતા ગણેશ મહોત્સવમાં આ વર્ષે મધુવન ક્લબ દ્વારા ગણેશજીની હીરાજડિત મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશજીની મૂર્તિમાં 1 હજાર હીરા જડવામાં આવ્યા છે.
કલબના 100થી વધુ સભ્યો દ્વારા કરાઇ મહેનત
ગણપતિ મહોત્સવની તૈયારીઓ છેલ્લા 15 દિવસથી કરવામાં આવી રહી છે. વિશાળ ડોમ, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન સહિતની કામગીરી માટે મધુવન કલબના 100થી વધુ સભ્ય દિવસ-રાત જહેમત ઉઠાવી રહ્યા છે.