પર પુરુષ સાથે સંબંધ બાંધનારી વિવાહિતા રેપની ફરિયાદ ના કરી શકે: ઝારખંડ હાઇકોર્ટ
ઝારખંડ હાઈકોર્ટે એક પરિણીત મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલા બળાત્કારના કેસને રદ કરતા કહ્યું હતું કે, તે અન્ય પુરુષ સાથે સેક્સ માણવાના પરિણામોથી વાકેફ હતી અને તેથી તે રેપની ફરીયાદ દાખલ ન કરી શકે.
આરોપીએ મહિલાને ગેરમાર્ગે દોરી હતી અને તેની સાથે સંમત થયો હતો તેવી મહિલાની દલીલ માનવાનો કોર્ટે ઈન્કાર કર્યો હતો. જસ્ટીસ સુભાષ ચંદે બળાત્કારના કેસને ફગાવી દીધો હતો જેમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે લગ્નના ખોટા વચનો પર તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો.
જસ્ટિસ ચંદે કહ્યું કે, “પીડિતાએ 2018માં લગ્ન કર્યા હતા. કોર્ટ દ્વારા તેનો અંત આણ્યા વિના જ તેણે આરોપી અભિષેકકુમાર પાલ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. પીડિતા મોટી અને પરિણીત હતી. બીજા પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવાનાં પરિણામો તે જાણતી હતી. કોર્ટે કહ્યું કે ફરિયાદી એમ ન કહી શકે કે ખોટા વચનો પર તેનું જાતીય શોષણ કરાયું.
શું હતો કેસ
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ તેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બાંધ્યા હતા અને ત્યારબાદ લગ્નના વચન પર તેની સાથે સંબંધ બાંધ્યો હતો. તેણે કથિત રૂપે મહિલા પર દબાણ કર્યું હતું કે તે તેના પરિવારને તેના વિશે ન કહે. આ પછી આરોપી ભણવા માટે શહેર જતો રહ્યો અને ત્યાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા. બીજી સ્ત્રી સાથે લગ્ન બાદ પણ આરોપી પીડિતાના સંપર્કમા રહ્યો હતો. ફરિયાદી મહિલાએ 2019માં પોતાના પતિને છૂટાછેડા આપી દીધા હતા. બંને 2020માં લગ્ન કરવાના હતા. પરંતુ કોવિડ લોકડાઉનના કારણે તેઓ આમ ન કરી શક્યા. મહિલાનો આરોપ છે કે આ દરમિયાન પણ આરોપી તેની સાથે સંબંધ બનાવતો રહ્યો. બાદમાં જ્યારે મહિલાએ તેના પરિવારને આ સંબંધ વિશે જણાવ્યું તો આરોપીના પરિવારે છોકરાને સંબંધ તોડવા માટે કહ્યું.