આ તો જોઈએ જ…રાજકોટીયન્સની સવાર દાળ-પકવાન વગર અધૂરી…!!
જમવાનું ગણો તો જમવાનું, નાસ્તો ગણો તો નાસ્તો…
અનેક વેપારીઓ દાળ-પકવાન વેચી-વેચીને બની ગયા અમીર':
રાજકોટમાં ૩૦ રૂપિયાથી લઈ ૬૦ રૂપિયા સુધીની પ્લેટ ઝાપટવા દરરોજ ૧૦,૦૦૦થી વધુ લોકો ૮૦૦થી વધુ રેંકડીએ જમાવે છે
અડ્ડો’: કેટલાયને તો સવારમાં આ વાનગી ન મળે તો સૂનું સૂનું લાગતું હોવાનો તાલ !
રાજકોટમાં આમ તો અનેક એવી વાનગીઓ બને છે અને વેચાય છે જેની ગુજરાત જ નહીં બલ્કે અન્ય રાજ્ય તેમજ દેશમાં વખાણ થયા વગર રહેતા નથી. જો કે બીજા રાજ્યની વાનગીનું પણ અહીં જ એટલું ચલણ રહેલું છે જેને આરોગવા માટે લોકો હંમેશા તલપાપડ રહેતા હોય છે. આમ તો દાળ-પકવાન એ આપણા ગુજરાતની દેન' છે પરંતુ રાજકોટમાં તેનું ચલણ એટલું બધું છે કે રાજકોટીયન્સની સવાર તેના વગર અધૂરી ગણાશે. આ વાનગીને તમે જમવાનું ગણો તો જમવાનું અને નાસ્તો ગણો તો નાસ્તો પરંતુ તેનું વેચાણ એટલું બંબાટ છે કે તે વેચી વેચીને અનેક વેપારીઓ
અમીર’ બની ગયાના દાખલા પણ છે…
છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટમાં દાળ-પકવાનનું વેચાણ કરતા `મા અંબે’ દાળ-પકવાનના માલિક પિયુષભાઈ સોનીએ જણાવ્યું કે રાજકોટમાં અત્યારે દાળ-પકવાનનું વેચાણ કરતી ૮૦૦થી વધુ રેંકડીઓ-દુકાનો આવેલી છે જ્યાં માણસોની ભીડ ન હોય તો જ નવાઈ પામવા જેવું ગણાશે ! એક અંદાજ પ્રમાણે શહેરમાં દરરોજ સવારે ૮થી ૧૨ દરમિયાન દાળ-પકવાનની ૧૦,૦૦૦થી વધુ પ્લેટનું વેચાણ અલગ-અલગ રેંકડીઓ અને દુકાનો પરથી થઈ રહ્યું છે. મારા એકલાની વાત કરું તો હું માત્ર ચાર કલાકમાં જ ૫૦૦ જેટલી પ્લેટ વેચી રહ્યો છું. શહેરમાં અત્યારે સૌથી સસ્તું દાળ-પકવાન ૩૦ રૂપિયાનું અને સૌથી મોંઘું ૬૦ રૂપિયાનું મળે છે. જો કે ખાવાના શોખીનો કિંમતની ક્યારેય પરવા કરતા હોતા નથી અને તેમને તો માત્રને માત્ર ટેસ્ટમાં જ રસ રહેતો હોય છે. હું સવારે ૪ વાગ્યે એકલો જાગીને દાળ બનાવવાનું શરૂ કરું છું જે બનતા એક કલાક લાગે છે. આ પછી અન્ય સામગ્રીઓ ભેગી કરીને સવારે ૭ વાગ્યે વેપાર શરૂ કરી દઉં છું જે માત્ર ચારથી પાંચ કલાક જ ચાલે છે અને એટલામાં બધું જ વેચાઈ જાય છે. દાળ-પકવાન ઉપરાંત સમોસા-પકવાન, તીખા બટેટા સહિતની ખાનગી વાનગીઓ પણ લોકો મન ભરીને ખાઈ રહ્યા છે.
આશ્ચર્યમ્…પત્ની કાસ્ટીંગ ડાયરેક્ટર-પુત્ર ચાઈલ્ડ આર્ટિસ્ટ’ને પતિ વેચે છે દાળ-પકવાન
દાળ-પકવાનનું વેચાણ કરતાં પિયુષભાઈ સોનીએ જણાવ્યું કે તેમના પત્ની વંદનાબેન વર્ષોથી કાસ્ટીંગ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે જ્યારે પુત્ર દિવ્ય ચાઈલ્ડ આર્ટિસ્ટ (બાળ કલાકાર) તરીકે કારકીર્દિ બનાવી રહ્યો છે. જો કે મને ઘણા વર્ષોથી ખાણીપીણીનું વેચાણ કરવાનો શોખ હોય જેને મેં પૂર્ણ કર્યો છે અને અત્યારે હું વ્યવસાય સાથે સંકળાઈને અત્યંત ખુશ છું. જો કે આ વેપાર મારો હોવાથી હું ઘરના સભ્યોને તેમાં સામેલ થવા દેતો નથી.