CBSE ધો. 6 માં આ વર્ષે ત્રીજી ભાષા નહીં: સુપ્રીમ કોર્ટની વિદ્યાર્થીઓને રાહત
CBSEની ત્રિ-ભાષા નીતિ મામલે સુપ્રીમ કોર્ટે હાલ ધોરણ-6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત આપતાં આ શૈક્ષણિક વર્ષ દરમિયાન તેમના પર ત્રીજી ભાષાનો અમલ નહીં કરવા અને ધોરણ-7ના વિદ્યાર્થીઓને અપાયેલી છૂટ સમાન રાહત આપવા નિર્દેશ કર્યો છે. કોર્ટે આ બેચ માટે ત્રિ – ભાષા નીતિનો અમલ 1 એપ્રિલ, 2027થી કરવા આદેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે લગભગ 99 ટકા CBSE શાળાઓએ ત્રીજી ભાષા નીતિ અપનાવી લીધી છે અને જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. માત્ર 1.2 ટકા શાળાઓ જ અસરગ્રસ્ત હોવાનું કેન્દ્રએ જણાવ્યું હતું. તેમ છતાં કોર્ટે કહ્યું કે જે રાહત ધોરણ-7ના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે તે જ “કમ્ફર્ટ” ધોરણ-6ના વિદ્યાર્થીઓને પણ મળવી જોઈએ.
અદાલતે નોંધ્યું કે વિદ્યાર્થીઓ વર્ષોથી જે ભાષાનો અભ્યાસ કરી રહ્યા છે તેમાં અચાનક ફેરફાર કરવાથી તેમના અભ્યાસ પર અસર પડી શકે છે. જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને નવી મુશ્કેલીમાં ધકેલવા કરતાં તેમને આરામદાયક સ્થિતિ આપવી વધુ જરૂરી છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ત્રીજી ભાષા નીતિ સંબંધિત વ્યાપક બંધારણીય મુદ્દાઓની સુનાવણી હજુ બાકી છે.
પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી : વાલીઓની દલીલ
વાલી પક્ષે દલીલ કરી હતી કે અનેક વિદ્યાર્થીઓ વર્ષોથી સ્પેનિશ જેવી ભાષાઓ ભણી રહ્યા હતા અને હવે તેમને સંસ્કૃત જેવી બીજી ભાષામાં ખસેડવામાં આવી રહ્યા છે. સાથે જ પાઠ્યપુસ્તકોની ઉપલબ્ધતા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા સમય આપ્યો છે અને આગામી છ અઠવાડિયા પછી વધુ સુનાવણી હાથ ધરશે.
