‘સૂફિયાણી વાતો બંધ કરી પરિણામ આપો’: ડિજિટલ અરેસ્ટ અને સાયબર ઠગાઈના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પોલીસ તંત્રની આકરી ઝાટકણી કાઢી
રાજ્યમાં સિનિયર સિટીઝનોને નિશાન બનાવી ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે આચરવામાં આવતી કરોડો રૂપિયાની છેતરપિંડી સામે ગુજરાત હાઇકોર્ટે લાલઆંખ કરી છે. સાયબર ક્રાઇમની તપાસના નામે માત્ર પોકળ દાવા કરતા પોલીસ તંત્રની કાર્યપદ્ધતિ પર અદાલતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. કડક વલણ અખત્યાર કરતાં હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે પોલીસ ઉપદેશાત્મક ભાષણો બંધ કરે અને પીડિત વડીલોના પરસેવાની કમાણી પાછી અપાવવા નક્કર અને પરિણામલક્ષી પગલાં ભરે.
‘સૂફિયાણી વાતો છોડો, સિનિયર સિટીઝનોના પૈસા પાછા અપાવો’: જસ્ટિસ કેરીયલ
ડિજિટલ અરેસ્ટ સંબંધિત કેસમાં આરોપીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે પોલીસની ઢીલી કામગીરીની આકરી ટીકા કરી હતી. અદાલતે માર્મિક ટિપ્પણી કરતાં જણાવ્યું કે, વહીવટી તંત્રે માત્ર વાતો કરવાને બદલે એવી ફૂલપ્રૂફ વ્યવસ્થા નિર્માણ કરવી જોઈએ જેથી નિર્દોષ વડીલો આવા ગઠિયાઓની જાળમાં ફસાય જ નહીં. માત્ર સામાન્ય સલાહો આપવાથી ગુના અટકવાના નથી, ગુનેગારો નાણાં ઓળવી જાય તે પહેલાં સિસ્ટમ મજબૂત કરવી અનિવાર્ય છે.
સાયબર પોલીસની સજ્જતા સામે કોર્ટના વેધક સવાલો
હાઇકોર્ટે સાયબર ક્રાઇમ વિભાગના તપાસ અધિકારીઓની યોગ્યતા અને સમજણ સામે ગંભીર સવાલો ખડા કર્યા હતા. અદાલતે પ્રશ્ન કર્યો હતો કે પોલીસ વારંવાર એવી દલીલ કરે છે કે વૃદ્ધ નાગરિકોમાં ટેકનોલોજીની ઓછી સમજ હોવાથી તેઓ છેતરાય છે, પરંતુ વાસ્તવમાં સાયબર પોલીસને આ આધુનિક ગુનાઓનું કેટલું ઊંડાણપૂર્વક જ્ઞાન છે? અત્યાર સુધીમાં કેટલા પીડિતોને તેમના નાણાં પરત મળ્યા છે? પોલીસ માત્ર ભાડે અપાયેલા મ્યુલ એકાઉન્ટના નાના-મોટા પ્યાદાઓને પકડીને કેસ ઉકેલાઈ ગયાનો સંતોષ માની લે છે, જ્યારે માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવામાં સતત નિષ્ફળ રહે છે.
૬૦ લાખની ઠગાઈ છતાં નાણાં પરત ન મળતાં અદાલતની નારાજગી
સુનાવણી હેઠળના ચોક્કસ કેસમાં એક વરિષ્ઠ નાગરિકે ડિજિટલ અરેસ્ટના ડર હેઠળ ૬૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ગુમાવી દીધી હતી. હાઇકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે પકડાયેલા એક આરોપીના ખાતામાંથી ૧૦ લાખ રૂપિયા જપ્ત કરાયા છે અને તે ફરિયાદીને રકમ પરત આપવા સંમત છે, તેમ છતાં પોલીસ દ્વારા પીડિતને તે નાણાં સોંપવામાં કેમ ઢીલ કરવામાં આવી રહી છે? આ ઉપરાંત, મુખ્ય આરોપી મોહંમદ દાનિશ અન્ય સહ-આરોપીઓના મ્યુલ એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર કરતો હોવાના સ્પષ્ટ પુરાવા હોવા છતાં પોલીસ હજુ સુધી તેના સુધી કેમ પહોંચી શકી નથી, તે અંગે કોર્ટે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
બેંક મેનેજરો અને અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરવા તાકીદ
અદાલતે સાયબર ક્રાઇમમાં બેંકિંગ તંત્રની શંકાસ્પદ ભૂમિકા અંગે પણ લાલબત્તી ધરી છે. કોર્ટે અવલોકન કર્યું કે મ્યુલ એકાઉન્ટ્સની ચાલી રહેલી તપાસ માત્ર ઔપચારિકતા જેવી લાગે છે. સામાન્ય અને પ્રામાણિક નાગરિકો માટે KYC વગર ખાતું ખોલવું અશક્ય છે, ત્યારે ઠગાઈ માટે આવા બેનામી ખાતાઓ કેવી રીતે ધમધમી રહ્યા છે? જો જે-તે બેંકના મેનેજરો અને જવાબદાર અધિકારીઓની સીધી જવાબદારી નક્કી કરવામાં આવે, તો આ પ્રકારના સાયબર ફ્રોડ પર તાત્કાલિક બ્રેક લાગી શકે છે. કથિત મિલીભગતના કારણે જ નિર્દોષ લોકો પોતાની જીવનભરની મૂડી ગુમાવી બેસે છે.
ગુજરાત હાઇકોર્ટની આ આકરી ટિપ્પણી ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાના નામે ચાલતી સરકારી ઢીલાશ પર મોટો પ્રહાર છે. સિનિયર સિટીઝનોને નિશાન બનાવતા સાયબર માફિયાઓ સામે હવે પરંપરાગત તપાસ પદ્ધતિઓ કારગત નીવડે તેમ નથી. અદાલતે સ્પષ્ટ કરી દીધું છે કે માત્ર નાના આરોપીઓને જેલભેગા કરવાથી ન્યાય નહીં મળે; જ્યાં સુધી પીડિતોને તેમના ગુમાવેલા નાણાં પાછા નહીં મળે અને બેંકિંગ સિસ્ટમમાં રહેલા છીંડા પૂરીને મુખ્ય સૂત્રધારોને જેલના સળિયા પાછળ નહીં ધકેલાય, ત્યાં સુધી સાયબર પોલીસની કામગીરી શંકાના દાયરામાં જ રહેશે.
