અમદાવાદ શહેરમાં બેફામ દોડતા ભારે વાહનો અને ઓવરસ્પિડિંગના કારણે નિર્દોષ નાગરિકોના ભોગ લેવાવડાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. કાયદાના ડર વગર રસ્તા પર બેફામ દોડતા વાહનચાલકો ક્યારે કોનો જીવ લઈ લે તે કહી શકાતું નથી. આવો જ એક હૃદયદ્રાવક અને કમકમાટીભર્યો કિસ્સો અમદાવાદના ગોતા વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં ભવિષ્યના સપના જોતી એક આશાસ્પદ યુવતી કાળમુખી ક્રેનની અડફેટે આવી ગઈ હતી.
સિલ્વર ઓક કોલેજ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
અમદાવાદના વ્યસ્ત ગોતા વિસ્તારમાં આવેલી જાણીતી સિલ્વર ઓક કોલેજની આસપાસના માર્ગ પર આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ૧૯ વર્ષીય પ્રેરણા નિનામા નામની યુવતી આ કોલેજમાં બી.એસસી. (B.Sc.) પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને તે કોલેજ પરિસરમાંથી ચાલતી-ચાલતી બહાર નીકળી રહી હતી, ત્યારે જ કાળ બનીને આવેલી એક પૂરપાટ ઝડપી ક્રેને તેને અડફેટે લીધી હતી.
આ પણ વાંચો: મોબાઈલ ગ્રાહકો માટે મોટી રાહત; TRAI નો નિર્ણય, ફરજિયાત આપવા પડશે સસ્તા પ્લાન
મહાકાય ક્રેન યુવતી પર ફરી વળતા સ્થળ પર જ પ્રાણપંખેરુ ઉડી ગયા
કોલેજથી માંડ ૨૦૦ મીટરના અંતરે બનેલી આ ઘટના એટલી ભયાનક હતી કે ક્રેનની જોરદાર ટક્કર વાગવાથી પ્રેરણા રસ્તા પર નીચે પટકાઈ ગઈ હતી. યુવતી નીચે પડતા જ આ મહાકાય ક્રેન તેના પરથી ફરી વળી હતી. જેના કારણે તેને શરીરે ગંભીર અને મરણસૂચક ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં યુવતીનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર કોલેજ કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ચાલક ફરાર, ટ્રાફિક પોલીસે હાથ ધરી કાયદેસરની તપાસ
આ ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ ક્રેનનો ચાલક પોતાની વહીકલ મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. અકસ્માતના પગલે રસ્તા પર રાહદારીઓ અને વિદ્યાર્થીઓના ભારે ટોળા એકઠા થઈ ગયા હતા અને સમગ્ર માની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે તેમજ નાસી છૂટેલા ક્રેન ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ગોતા વિસ્તારની આ ઘટનાએ ફરી એકવાર શૈક્ષણિક સંકુલોની આસપાસ રહેતી ટ્રાફિક સુરક્ષા અને ભારે વાહનોની અનિયંત્રિત અવરજવર સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. એક યુવાન દીકરીએ અકાળે પોતાનો જીવ ગુમાવવો પડ્યો તે અત્યંત વેદનાજનક છે. જો સમયસર આવા ભારે વાહનોની ગતિ પર લગામ કસવામાં નહીં આવે, તો નિર્દોષ વિદ્યાર્થીઓ અને નાગરિકોના ભોગ લેવાતા રહેશે.
