ફોનના અપગ્રેડ કરતાં બદલાવ માટે આગળ આવો… iPhone 18 Proની ખરીદીની પડાપડી વચ્ચે સોનુ સુદની પોસ્ટ વાયરલ
Apple ની નવી iPhone 18 Pro સિરીઝનું વેચાણ આજથી ભારતમાં શરૂ થઈ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવો iPhone ખરીદવા માટે લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ જેવા મોટા શહેરોમાં Apple સ્ટોરની બહાર સવારથી જ લોકોની લાંબી લાંબી લાઈનો લાગી છે.લોકો નવા ફીચર્સ અને નવી ડિઝાઇનવાળો iPhone 18 Pro પહેલા ખરીદવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા તૈયાર છે.
આ દરમિયાન બોલિવૂડ એક્ટર સોનુ સુદનો એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેણે ટેક્નોલોજીની આ દોડ વચ્ચે સમાજને એક અલગ વિચાર આપ્યો છે.સોનુ સુદે પોતાના X (ટ્વિટર) એકાઉન્ટ પર લખ્યું હતું કે,”નવો ફોન, નવી EMI… પણ જૂના બિલ એવા ને એવા જ! કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે ફક્ત ફોન અપગ્રેડ કરવાને બદલે કંઈક બદલાવ લાવવા માટે આગળ આવીએ. સાચું અપગ્રેડ તો એક સારો સમાજ છે.
તેનું કહેવું એવું છે કે આપણે ફોન તો અપગ્રેડ કરી લઈએ છીએ, પણ આપણી વિચારસરણી અને સમાજને અપગ્રેડ કરવાનું ભૂલી જઈએ છીએ. દર વર્ષે નવો iPhone આવે ત્યારે લોકો જૂનો ફોન છોડીને નવો ફોન લેવા દોડે છે. તેણે કહ્યું કે જો જિંદગીમાં ખરેખર કંઈક સારું કરવું હોય તો ફક્ત ગેજેટ બદલવાથી નહીં થાય. આપણે એકબીજાને મદદ કરવી પડશે અને આપણી આસપાસના સમાજને સારો બનાવવો પડશે.
ઉલ્લેખનીય છે કે સોનુ સુદ હંમેશા સમાજ સેવા અને લોકોની મદદ માટે આગળ રહ્યો છે. કોરોના કાળથી લઈને અત્યાર સુધી તે અનેક લોકોની મદદ કરી ચૂક્યો છે. એટલે તેની આ પોસ્ટને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.હાલ iPhone 18 Pro ના નવા ફીચર્સને લઈને ટેક માર્કેટમાં ચર્ચા ગરમ છે, ત્યારે સોનુ સુદની આ પોસ્ટે આ ચર્ચાને એક નવી અને પોઝિટિવ દિશા આપી છે.
