બંગાળની ખાડીમાં સર્જાયું હવાનું હળવું દબાણ : મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાને પણ પાણી-પાણી કરશે
વોઇસ ઓફ ડે । અમદાવાદ
વરસાદની ખાધ ભોગવતા સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અનેક વિસ્તારો માટે રાહતરૂપ સમાચાર છે. ચોમાસાની વિદાય પહેલાં ગુજરાતમાં વરસાદનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય વિસ્તારમાં દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક સર્જાયેલા હવાના હળવા દબાણના વિસ્તારને કારણે આગામી દિવસોમાં ગુજરાત સહિત પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના અનુમાન મુજબ ૧૨થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વ્યાપક વરસાદ નોંધાઈ શકે છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ૧૪ સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે. ચોમાસાના અંતિમ તબક્કામાં બંગાળની ખાડીમાં સર્જાતી આવી સિસ્ટમો જમીન તરફ આગળ વધતાં મધ્ય અને પશ્ચિમ ભારત સુધી ભેજ પહોંચાડે છે, જેના કારણે વરસાદની તીવ્રતા વધે છે.
ગુજરાતની સાથે પડોશી મહારાષ્ટ્રમાં પણ વરસાદી પ્રવૃત્તિ તેજ બનશે. કોંકણ-ગોવા વિસ્તાર તેમજ મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ દરમિયાન બંને રાજ્યોમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. ચોમાસાની વિદાય પૂર્વેનો આ વરસાદ ખેતી અને જળસંગ્રહ માટે લાભદાયી સાબિત થઈ શકે છે.જોકે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને સ્થાનિક સ્તરે મુશ્કેલીઓ સર્જાવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
ફાસ્ટ મૂવિંગ સિસ્ટમ
આ વખતે સક્રિય બનેલી હવાના હળવા દબાણની સિસ્ટમ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ધીમી ગતિએ આગળ વધતી સિસ્ટમ કોઈ એક વિસ્તારમાં લાંબા સમય સુધી ટકી રહેતા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જે છે. પરંતુ ઝડપથી આગળ વધતી સિસ્ટમને કારણે કોઈ એક સ્થળે વરસાદનું પ્રમાણ મર્યાદિત રહેવાની શક્યતા રહે છે. તેમ છતાં આવી સિસ્ટમને ટૂંકા સમયગાળામાં ભારે વરસાદી ઝાપટાં વરસાવી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં આવી જ તીવ્ર પરંતુ ટૂંકા ગાળાની વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે.
