ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહકો પાસેથી વિવિધ ચાર્જ વસૂલવાનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે. આ કડીમાં હવે પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ‘ઝોમેટો’ (Zomato) એ પોતાની ફીમાં વધુ એક વધારો ઝીંકી દીધો છે. જો તમે પણ ડિલિવરી વખતે રોકડા રૂપિયા (Cash on Delivery) ચૂકવવાનો વિકલ્પ પસંદ કરતા હોવ, તો હવેથી તમારે ખિસ્સામાંથી વધુ રકમ ચૂકવવી પડી શકે છે.
કૅશ ઑન ડિલિવરી ઓર્ડર પર વધારાનો ચાર્જ
ઝોમેટોની પેરેન્ટ કંપની ‘ઇટર્નલ’ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, જે ગ્રાહકો ફૂડ ઓર્ડર કરીને ઘરે પાર્સલ આવ્યા બાદ રોકડા રૂપિયા આપે છે, તેમને હવેથી પ્રતિ ઓર્ડર વધારાની ફી ચૂકવવી પડશે. કંપનીએ કેશ ઓન ડિલિવરી (COD) ઓર્ડર કરવા પર સીધા 5 રૂપિયા સુધીનો વધારો કર્યો છે, કારણ કે કંપની પહેલેથી જ પ્લેટફોર્મ પર વિવિધ ડિલિવરી ચાર્જ વસૂલી રહી છે.
આ પણ વાંચો: શું ગુજરાત પાકિસ્તાનમાં છે?: નેશનલ એવોર્ડ્સના વિરોધ પર પરેશ રાવલનો પલટવાર!
બિલમાં સ્પષ્ટ દેખાશે “પે ઑન ડિલિવરી ફી”
ગ્રાહકો જ્યારે એપમાં ઓર્ડર ફાઇનલ કરશે ત્યારે બિલમાં આ વધારાની રકમ “પે ઑન ડિલિવરી ફી” નામે અલગથી દર્શાવવામાં આવશે. આ ખાસ ચાર્જ ફક્ત એવા જ ગ્રાહકોને લાગુ પડશે જેઓ ઓનલાઈન પેમેન્ટ કરવાનું ટાળીને ડિલિવરી સમયે રોકડા રૂપિયા આપવાનો વિકલ્પ પસંદ કરે છે. જોકે, આ ફી તમામ ઓર્ડર માટે એકસરખી નથી અને અલગ-અલગ યુઝર્સ તથા ઓર્ડરની રકમના આધારે તેમાં ફેરફાર જોવા મળી શકે છે, જોકે કંપનીએ હજુ સુધી આ ફી નક્કી કરવા અંગેની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા જાહેર કરી નથી.
અન્ય ચાર્જીસ અને સ્વિગી સાથેની સ્પર્ધા
ઝોમેટો દ્વારા અગાઉથી જ ખાવા-પીવાના ઓર્ડર પર પ્લેટફોર્મ ચાર્જ, ડિલિવરી કે સપ્લાય ચાર્જ, રેસ્ટોરન્ટનું પેકેજિંગ ચાર્જ અને જીએસટી (GST) વસૂલવામાં આવે છે, અને હવે તેમાં કેશ ઓન ડિલિવરી ફીનો વધુ એક બોજો ઉમેરાયો છે. ફૂડ ડિલિવરીના માર્કેટમાં હરીફાઈ ભારે છે, અને હાલમાં ઝોમેટોની મુખ્ય હરીફ કંપની ‘સ્વિગી’ દ્વારા કૅશ ઑન ડિલિવરી પર અલગથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, ત્યારે આ નવા પગલાથી ગ્રાહકોનું વલણ કેવું રહેશે તે જોવું રહ્યું.
ઝોમેટો દ્વારા લેવામાં આવેલા આ પગલાથી રોજિંદા ઓર્ડર કરતા ગ્રાહકો પર નાનો પરંતુ વધારાનો આર્થિક ભાર ચોક્કસપણે આવશે. જો ગ્રાહકો વધારાના ચાર્જથી બચવા માંગતા હોય, તો તેમણે કેશ ઓન ડિલિવરીને બદલે ડિજિટલ કે ઓનલાઇન પેમેન્ટના વિકલ્પો અપનાવવા પડશે, જે આ વધારાની ‘પે ઑન ડિલિવરી ફી’થી રાહત અપાવી શકે છે.
