છૂટકમાં 240 રૂપિયા કિલો!: ખાંડ-ડુંગળી બાદ હવે લીંબુ પણ મોંધા થયા
રોજિંદા રસોડામાં દાળ-શાકના વઘારથી લઈને અનેક ચીજવસ્તુઓમાં ઉપયોગમાં લેવાતા લીંબુના ભાવે આ વખતે ચોમાસાની સિઝનમાં ભારે આશ્ચર્ય સર્જ્યું છે. સામાન્ય રીતે ઉનાળામાં વધતા લીંબુના ભાવ આ વખતે બજારમાં અણધાર્યા વધી જતા સામાન્ય ગૃહિણીઓનું બજેટ ગરબડાઈ ગયું છે, જેના કારણે લોકો હવે કિલોના બદલે નંગના હિસાબે લીંબુ ખરીદવા મજબૂર બન્યા છે.
છૂટક બજારમાં લીંબુના ભાવ સીધા ₹240 થી ₹260 પ્રતિ કિલોએ પહોંચ્યા
અમદાવાદ શહેરમાં ખાંડ, ડુંગળી અને ખાદ્યતેલ બાદ હવે લીંબુના ભાવમાં પણ મોટો ભડકો જોવા મળ્યો છે. માત્ર એક પખવાડિયા પહેલાં જ જે લીંબુ છૂટક બજારમાં આશરે રૂ. ૧૨૦ પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા, તે આજે વધીને સીધા રૂ. ૨૪૦ થી ૨૬૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. જથ્થાબંધ બજાર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ગત ૨૨ ઓગસ્ટે જે લીંબુનો જથ્થાબંધ ભાવ માત્ર રૂ. ૧૦ થી ૫૫ હતો, તે વધીને હવે રૂ. ૮૦ થી ૧૬૦ પ્રતિ કિલો થઈ ગયો છે.
બજારમાં આવકમાં ભારે ઘટાડો અને રાજસ્થાન પર નિર્ભરતા
અમદાવાદ યાર્ડમાં આ સમયગાળા દરમિયાન લીંબુની આવક માત્ર ૬,૭૧૦ ક્વિંટલ નોંધાઈ છે, જ્યારે ગત વર્ષ ૨૦૨૫માં આ જ સમયગાળામાં આવક ૧૦,૬૦૮ ક્વિંટલ હતી. આમ, યાર્ડની આવકમાં ૩,૮૯૮ ક્વિંટલનો મોટો ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારત તેમજ મહેસાણા, ભાવનગર અને પાલિતાણા જેવા વિસ્તારોમાંથી લીંબુની આવક થતી હોય છે, પરંતુ હાલમાં આ બધા જ સ્થળોએથી આવક બંધ થઈ ગઈ છે અને માત્ર રાજસ્થાનમાંથી જ લીંબુ આવી રહ્યા છે.
આ પણ વાંચો: ખાદ્ય પદાર્થોના પેકિંગ પર લેબલ ફરજિયાત: નિયમ નહીં પાળો તો દંડ!
ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ: આબોહવા અને વધી ગયેલી માંગ
કૃષિ નિષ્ણાતો અને બજાર તજજ્ઞોના મતે, લીંબુના ઉત્પાદક વિસ્તારોમાં માત્ર સ્થાનિક જરૂરિયાત પૂરતો જ પાક થયો છે જે ત્યાં જ ખપી જાય છે. આ ઉપરાંત, સતત ગરમી પડવાને કારણે લીંબુ પીળા પડીને ઝાડ પરથી ખરી પડ્યા છે, જેનાથી આવક ઘટી છે. બીજી તરફ, વરસાદ ખેંચાવાના કારણે ઉનાળા જેવું વાતાવરણ સર્જાતા લીંબુનો વપરાશ અને માંગ બજારમાં અચાનક વધી ગઈ છે. માંગ અને પુરવઠા વચ્ચેના આ અસંતુલનને કારણે જ ભાવ રોકેટ ગતિએ ઉપર ચડ્યા છે.
નવરાત્રિ પહેલા ભાવ ઘટવાની કોઈ શક્યતા નહીંવત્
ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર એ છે કે આ વધેલા ભાવ નવરાત્રિ પહેલા નીચે આવે તેવી કોઈ જ શક્યતા દેખાતી નથી. ગુજરાતનો નવો પાક સામાન્ય રીતે ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં બજારમાં આવતો હોય છે, જ્યારે દક્ષિણ ભારતમાંથી દશેરાની આસપાસ નવી આવક શરૂ થતી હોય છે. આ નવી આવક બજારમાં પ્રવેશે તે પછી જ લીંબુના ભાવ કાબૂમાં આવે તેવી સંભાવના છે.
રસોડાની અનિવાર્ય વસ્તુ ગણાતા લીંબુના ભાવમાં થયેલા આ બેફામ વધારાથી સામાન્ય પરિવારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જ્યાં સુધી દેશના અન્ય ભાગોમાંથી લીંબુની આવક પૂરતા પ્રમાણમાં ફરી શરૂ નહીં થાય, ત્યાં સુધી ગ્રાહકોએ મોંઘા ભાવે જ લીંબુ ખરીદવાની ફરજ પડશે.
