‘ગુજરાતમાં જ કેમ?’: નેશનલ ફિલ્મ અવોર્ડ્સનું સ્થળ દિલ્હીથી કેવડિયા ખસતા ડાયરેક્ટર ભડક્યા
દેશના સર્વોચ્ચ સિનેમા સન્માન ગણાતા નેશનલ ફિલ્મ અવોર્ડ્સ સાથે જોડાયેલી વર્ષો જૂની પરંપરામાં આ વર્ષે એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. દિલ્હીની બહાર પ્રથમવાર આ પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે, જેને લઈને સિનેમા જગતમાં ઉત્સાહની સાથે-સાથે વિવાદો અને સવાલોનો દોર પણ શરૂ થઈ ગયો છે.
દિલ્હીની વર્ષો જૂની પરંપરા તૂટી અને કેવડિયા પસંદગી પર સવાલ
આગામી 22 સપ્ટેમ્બરના રોજ યોજાનારા 72મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સનું આયોજન દિલ્હીની બહાર પ્રથમવાર ગુજરાતના કેવડિયા (એકતા નગર) ખાતે કરવામાં આવી રહ્યું છે. આ ઇતિહાસિક ફેરફારને કારણે ફિલ્મમેકર રાહુલ ધોળકિયા મેદાને આવ્યા છે અને તેમણે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે જ્યારે પરંપરા બદલવામાં જ આવી રહી હતી, ત્યારે ભારતીય સિનેમામાં દાયકાઓથી સમૃદ્ધ યોગદાન આપનાર અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ કે તેલંગાણા (હૈદરાબાદ) ને છોડીને માત્ર ગુજરાત જ કેમ પસંદ કરવામાં આવ્યું?
આ પણ વાંચો: PMOનું નકલી આઈડી અને ગનમેન સાથે પકડાયા બે શંકાસ્પદ: સુરક્ષા એજન્સીઓ એલર્ટ
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સિનેમા જગતની પ્રતિક્રિયા
ખુદ ‘પાર્ઝાનિયા’ અને ‘રઈસ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂકેલા રાહુલ ધોળકિયાએ નોંધ્યું છે કે ગુજરાતનું મુખ્ય ફિલ્મ હબ અમદાવાદ છે, જ્યારે આ ભવ્ય રાષ્ટ્રીય સમારોહ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જાણીતા કેવડિયા ખાતે યોજાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2018માં ઉદ્ઘાટિત આ ભવ્ય સ્મારક પરિસરમાં હવે આ રાષ્ટ્રીય મહોત્સાવ સાક્ષી બનશે, જેનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા અને ચિંતનનો નવો દોર શરૂ થયો છે.
72મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સના પ્રમુખ વિજેતાઓ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અપાનારા આ એવોર્ડ્સમાં મોટા નામ છે:
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ: આદિત્ય સુહાસ જાંભલેની ‘આર્ટિકલ 370’
શ્રેષ્ઠ અભિનેત્રી: યામી ગૌતમ
શ્રેષ્ઠ અભિનેતા: મમ્મુટી અને કાર્તિક આર્યન (સંયુક્ત)
શ્રેષ્ઠ ડેબ્યુ ડાયરેક્ટર: રણદીપ હુડા
શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ: ‘કલ્કી 2898 AD’
નેશનલ ફિલ્મ અવોર્ડ્સના આયોજન સ્થળમાં કરવામાં આવેલા આ ભૌગોલિક બદલાવે માત્ર એક નવી શરૂઆત કરી છે, પરંતુ સાથે જ સાંસ્કૃતિક અને પ્રાદેશિક પ્રાથમિકતાઓને લઈને રાજકીય અને કલા જગતમાં ચર્ચાઓ જગાવી છે. એક તરફ કેવડિયા જેવા વૈશ્વિક પ્રવાસન સ્થળ પર આ સમારોહ યોજાવાથી દેશ-વિદેશમાં સકારાત્મક સંદેશ જશે, તો બીજી તરફ સિનેમાના પરંપરાગત કેન્દ્રોના પ્રશ્નો પણ એટલા જ ગંભીર છે.
