RTE હેઠળ 78,000 બાળકોને સહાય, પણ હજુ 7,100 વંચિત!
જ્યારે શિક્ષણ મેળવતા નાનાં બાળકો માટે સરકારી સહાય સમયસર મળી જાય, ત્યારે વાલીઓના ચહેરા પર રાહતની રેખાઓ ઉપસી આવે છે. અમદાવાદમાં RTE અંતર્ગત અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ માટે આજના સમાચાર ખૂબ જ રાહતજનક સાબિત થયા છે, જ્યાં ઓનલાઈન પોર્ટલના માધ્યમથી એક જ દિવસમાં કરોડો રૂપિયાની રકમ સીધી ખાતામાં જમા કરવામાં આવી છે.
RTE હેઠળ અમદાવાદના 78,000થી વધુ બાળકોને આર્થિક સહાય
અમદાવાદ શહેરમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. શૈક્ષણિક સત્ર દરમિયાન સહાય મળવામાં વિલંબ થતાં વાલીઓમાં અસંતોષ પ્રર્વતતો હતો, જેને ધ્યાને લઈને શિક્ષણ વિભાગે તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ મંજૂર કરી છે. અમદાવાદ શહેરના કુલ 78,666 બાળકોને યુનિફોર્મ, બુટ-મોજાં, સ્ટેશનરી અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ પેટે પ્રતિ બાળક રૂ. 3,000 લેખે કુલ રૂ. 23,59,98,000ની માતબર રકમ એક જ દિવસમાં ઓનલાઈન પોર્ટલ દ્વારા ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત, સરકાર દ્વારા ખાનગી શાળાઓને પણ વિદ્યાર્થી દીઠ ફી પેટે રૂ. 13,500 ચૂકવવામાં આવે છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયા પરથી મુસાફરોનો વિશ્વાસ ઘટ્યો!
ઓનલાઈન પોર્ટલથી પેમેન્ટ પ્રક્રિયા બની પારદર્શક
શહેર ડીઈઓ (DEO) કચેરી દ્વારા કાર્યરત કરવામાં આવેલા વિશેષ ઓનલાઈન પોર્ટલના કારણે હવે ‘વન ક્લિક’થી તમામ પેમેન્ટ સીધા જ થઈ જાય છે. અગાઉના સમયમાં ફિઝિકલ ચેક બનાવવા પડતા હતા અને ગ્રાન્ટ મેળવવામાં લાંબી પ્રક્રિયા તેમજ વિલંબ થતો હતો. પરંતુ હવે ઓનલાઈન સિસ્ટમ આવવાથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક બની છે અને સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલા અમદાવાદમાં રેકોર્ડબ્રેક એક જ દિવસમાં આટલી મોટી રકમની સહાય ચૂકવવામાં આવી છે.
80%થી ઓછી હાજરી ધરાવતા 7,176 બાળકો સહાયથી વંચિત
એક તરફ જ્યાં હજારો બાળકોને આર્થિક રાહત મળી છે, તો બીજી તરફ નિયમોના કારણે કેટલાક બાળકો આ લાભથી વંચિત પણ રહ્યા છે. RTE ના નિયમ મુજબ જે વિદ્યાર્થીઓની શાળામાં હાજરી 80 ટકા કે તેથી વધુ હોય તેમને જ આ સહાયનો લાભ મળે છે. શાળાઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા મુજબ, અમદાવાદમાં 7,176 બાળકો એવા છે જેમની હાજરી 80 ટકાથી ઓછી નોંધાઈ છે, જેના કારણે આ વિદ્યાર્થીઓ રૂ. 3,000ની આર્થિક સહાય મેળવવાથી વંચિત રહી ગયા છે.
આમ, સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી RTE ના વિદ્યાર્થીઓને ઝડપી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે, જે એક સરાહનીય પગલું છે. જો કે, સહાય મેળવવા માટે શાળાઓમાં વિદ્યાર્થીઓની નિયમિત હાજરી (80% કે તેથી વધુ) હોવી કેટલી અનિવાર્ય છે, તે આ કિસ્સાથી સ્પષ્ટ સાબિત થાય છે.
