ભાગવતની રેલીનો વિરોધી છું, પણ કેન્સલ કરવાની સત્તા નથી: મામદાની
ન્યૂયોર્કના મેયરે RSSની વિચારધારાને ‘બહિષ્કારવાદી’ ગણાવી
ન્યૂયોર્કમાં આ સપ્તાહે યોજાનારી RSS પ્રમુખ મોહન ભાગવતની રેલીને લઈને અમેરિકામાં રાજકારણ ગરમાયું છે. ન્યૂયોર્કના મેયર ઝોહરાન મામદાનીએ રેલી અને RSSની વિચારધારાનો ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ આ વિચારધારાના “ગાઢ વિરોધી” છે, પરંતુ ખાનગી કાર્યક્રમને રદ કરવાની સત્તા શહેર સરકાર પાસે નથી.
મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મામદાનીએ જણાવ્યું હતું કે તેઓ શહેરના પ્રથમ ભારતીય મૂળના મેયર છે અને તેમના પરિવારજનો આજે પણ ભારતમાં રહે છે. તેમના પરિવારે તેમને જે ભારતની ઓળખ આપી હતી તે વિવિધતા, ધર્મનિરપેક્ષતા અને સૌના સમાન અધિકારોમાં વિશ્વાસ ધરાવતું ભારત હતું. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના એક એવા રાજકીય-સામાજિક પ્રવાહનો ઉદય થયો છે જે બહિષ્કારવાદી દૃષ્ટિકોણ પર આધારિત છે અને તે બાબત તેમને અત્યંત ચિંતાજનક લાગે છે.
મામદાનીએ વધુમાં કહ્યું કે ન્યૂયોર્ક દરેક રંગ, ધર્મ અને સમુદાયના લોકોનું શહેર છે અને તેઓ કોઈપણ પ્રકારની બહિષ્કારવાદી વિચારધારાના વિરોધમાં ઊભા રહેશે. તેમ છતાં, તેમણે સ્પષ્ટ કર્યું કે મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં યોજાનારા આ ખાનગી કાર્યક્રમને રદ કરવાનો કાનૂની અધિકાર મેયર કચેરી પાસે નથી.
નોંધનીય છે કે RSSના શતાબ્દી વર્ષના કાર્યક્રમોના ભાગરૂપે મોહન ભાગવત મંગળવારે અમેરિકા પહોંચ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ અમેરિકા ઉપરાંત કેનેડા અને બ્રિટનની પણ મુલાકાત લેશે.
આ પણ વાંચો: ભારતમાં માનવ અધિકારનો ભંગ, દલિતો, પછાતો અને રોહિંગીયા સાથે ભારે પક્ષપાત
રેલી વિરોધી લાગણી તેજ, રદ કરવાની માંગણી
મોહન ભાગવતની ન્યૂયોર્ક રેલીને રદ કરવાની માંગણી પણ ઉગ્ર બની રહી છે. કેટલાક પ્રગતિશીલ કાર્યકરો અને ડાબેરી રાજકીય નેતાઓએ મેયર ઝોહરાન મામદાની પર દબાણ વધાર્યું છે કે તેઓ પોતાના પદનો ઉપયોગ કરીને કાર્યક્રમ અટકાવે. અમેરિકી પ્રતિનિધિસભાની ચૂંટણી લડી રહેલી અને પૂર્વ સિયાટલ સિટી કાઉન્સિલ સભ્ય ક્ષમા સાવંતે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ભાગવત અને RSS વિરુદ્ધ સ્પષ્ટ વલણ ન લઈને મામદાની ભારતના મુસ્લિમો તથા અન્ય પીડિત સમુદાયોની સાથે ઊભા રહેવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે મોદી સરકાર પર પણ સત્તાવાદી વલણ અપનાવવાનો આરોપ મૂકતાં સમાજવાદી નેતાઓએ તેનો વિરોધ કરવો જોઈએ એવી દલીલ કરી હતી.
