એરપોર્ટમાં અસુવિધાઓનો વિવાદ: સાંસદ દોડ્યા
ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયું’ને પાણી ખૂટી પડતા જય વસાવડાનો વીડિયો વાયરલ થતાંની સાથે જ બચાવ'ની ભૂમિકામાં ભરત બોઘરા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપરાંત ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવ પણ આવ્યા
જો કે સાંસદ રામભાઈ મોકરિયાનેચેન’ ન પડતાં તાત્કાલિક મારતી મોટરે એરપોર્ટ પહોંચી ડાયરેક્ટર સહિતના સાથે કરેલી બેઠક
મુસાફરોની એક જ વાત, ખામી-ખૂબી ગણાવવા કરતા સુવિધા મળે તે જરૂરી
રાજકોટથી ૩૧ કિલોમીટર દૂર હિરાસરમાં નિર્માણ પામેલા ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થતાંની સાથે જ વિવાદો શરૂ થઈ જતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તાજેતરમાં જ પત્રકાર જય વસાવડાએ એક વીડિયો શેયર કરીને એરપોર્ટમાં મળી રહેલી સુવિધાની પોલ' ખોલી નાખી હતી. આ વીડિયો વાયરલ થતાંની સાથે જ એરપોર્ટનાબચાવ’માં ભાજપના દિગ્ગજ નેતા ભરત બોઘરા ઉપરાંત ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ સહિતના આવી ગયા હતા. આ બધાની વચ્ચે સાંસદ રામભાઈ મોકરિયાએ પણ ઝંપલાવ્યું હતું અને લોકોને પડી રહેલી અગવડથી તેમને `ચેન’ ન પડતાં તાત્કાલિક મારતી મોટરે તેમણે એરપોર્ટ પહોંચીને ડાયરેક્ટર સહિતના સાથે બેઠક યોજી હતી. જ્યારે મુસાફરોએ તો એક જ વાત કહી હતી કે એરપોર્ટમાં ખામી-ખૂબી શોધવા કરતા મુળભુત સુવિધા મળે તે અમારા માટે જરૂરી છે.
થોડી મુશ્કેલી વેઠી લો, ટૂંક સમયમાં આપણું એરપોર્ટ ટૉપ-૧૦માં સામેલ હશે: બોઘરા
ભાજપના દિગ્ગજ નેતા ભરત બોઘરાએ એરપોર્ટ પરથી એક વીડિયો શેયર કરીને જણાવ્યું હતું કે અત્યારે હંગામી ટર્મિનલ હોવાને કારણે લોકોને થોડી મુશ્કેલી પડી રહી છે. જો કે થોડા મહિનાની અંદર જ કાયમી ટર્મિનલ શરૂ થઈ જશે એટલા માટે લોકોને પડતી તકલીફનો અંત આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એ દિવસો દૂર નથી કે જ્યારે રાજકોટનું એરપોર્ટ દેશના ટૉપ-૧૦ એરપોર્ટમાં સામેલ થશે. રહી વાત પાણીની તો અહીં લાઈન તૂટી હોવાને કારણે થોડી મુશ્કેલી સર્જાઈ હતી જેને દૂર કરવામાં આવશે.
એરપોર્ટના નામે રાજકારણ રમવાનું શરૂ થઈ ગયું: જય વસાવડા
પત્રકાર જય વસાવડાએ ફરી વીડિયો શેયર કરીને જણાવ્યું કે મેં મુસાફરોને પડતી તકલીફ અને એરપોર્ટની ખામીઓ અંગે વીડિયો શેયર કર્યા બાદ હવે એરપોર્ટના નામે રાજકારણ રમવાનું શરૂ થઈ ગયું હોય તેવું મને લાગી રહ્યું છે એટલા માટે હું ફરી સ્પષ્ટતા કરું છું કે એરપોર્ટની અવ્યવસ્થા મને ખૂંચી છે એટલા માટે જ મેં વીડિયો શેયર કરી તંત્રને ઢંઢોળ્યું હતું. હું હજુ પણ કહું છું કે એરપોર્ટ શરૂ કરવામાં ઉતાવળ કરવામાં આવી છે.
એરપોર્ટ ડાયરેક્ટરને તાત્કાલિક સમસ્યાનો અંત આણવા સાંસદનો આદેશ
સાંસદ રામભાઈ મોકરિયાએ એરપોર્ટ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે નાની-મોટી કચાશ રહી ગઈ છે જેને દૂર કરવા પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે તેમણે તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી જઈને ડાયરેક્ટર દિગંત બોરાહ સાથે બેઠક કરી હતી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા આદેશ આપ્યો હતો. એકંદરે સાંસદ અચાનક જ એરપોર્ટ પહોંચી જતાં તંત્રમાં પણ દોડધામ થઈ પડી હતી.
એરપોર્ટ શરૂ કરવામાં ઉતાવળ કરાઈ, મુસાફરોને તકલીફ પડે તે ન ચાલે: વી.પી.વૈષ્ણવ
ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે એ વાતનો સ્વીકાર કર્યો કે એરપોર્ટ શરૂ કરવામાં બહુ જ ઉતાવળ કરી દેવામાં આવી છે કેમ કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ છેક એપ્રિલ મહિનાથી થવાની છે અને અત્યારે ડોમેસ્ટિક ફ્લાઈટ જ ચાલી રહી છે ત્યારે ઓથોરિટીએ સૌથી પહેલાં તમામ મુળભુત સુવિધા આપ્યા બાદ જ એરપોર્ટ શરૂ કરવાની જરૂર હતી. આ ઉપરાંત રોડ-રસ્તાનું પણ હજુ ઘણું બધું કામ બાકી હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
