6000 કરોડના ડ્રગ્સ કેસના માસ્ટર માઈન્ડ વિરેન્દ્રને દુબઈથી ડિપોર્ટ કરાયો
રૂપિયા 6 હજાર કરોડના નેટવર્ક સાથે અને પાક સંબંધિત ગેંગ સાથે જોડાયેલો છે
એનસીબીને ડ્રગ્સ સામેની ઝુંબેશમાં મોટી સફળતા મળી છે અને કુખ્યાત ડ્રગ્સ માફિયા વીરેન્દ્ર સિંહ હાથમાં આવી ગયો છે. દુબઈથી ભારત લાવવામાં આવેલો વિરેન્દ્રસિંહ બસોયા ડ્રગ્સની તસ્કરી કરતા એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો કથિત મુખ્ય સૂત્રધાર છે. તેની ધરપકડ ભારત માટે એક ખૂબ મોટી સફળતા માનવામાં આવે છે, કારણ કે તેના તાર આશરે રૂપિયા 6000 કરોડના ડ્રગ્સ કૌભાંડ સાથે જોડાયેલા છે. એનસીબીના જણાવ્યા અનુસાર, બસોયા પર મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો વિદેશ મોકલવાનો આરોપ છે. તેની સામે પહેલાથી જ રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હતી અને ભારત સરકારના પ્રયાસો બાદ તેને દુબઈથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યો છે.
તપાસ એજન્સીઓ મુજબ, આ ગેરકાયદેસર ડ્રગ્સ તસ્કરી કેસમાં પૂણે પોલીસે 21 ફેબ્રુઆરી, 2024ના રોજ દિલ્હીમાં કાર્યવાહી કરીને દિવેશ ભૂતાની અને સદીપકુમાર બસોયાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી આશરે 970 કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. આ કરોડો રૂપિયાનો જથ્થો ‘ડેલ્ટા લોજિસ્ટિક્સ’ કંપની દ્વારા લંડન મોકલવાની તૈયારી ચાલી રહી હતી. આરોપીઓ વિરેન્દ્રસિંહ બૈસોયાના ઇશારે જ આ સમગ્ર નેટવર્ક ઓપરેટ કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 2047 ના પોસ્ટ-ડેટેડ ચેકના નશામાં આપણે ૨૦૨૬ નું વર્તમાન ગીરવે મૂકી રહ્યા છીએ?
આ મામલે ડેલ્ટા લોજિસ્ટિક્સના માલિક સંદીપ યાદવ અને મેનેજર દેવેન્દ્ર યાદવની પણ ધરપકડ કરવામાં આવી છે. આ નેટવર્ક ભારતમાંથી વિદેશમાં મેફેડ્રોનનો મોટો જથ્થો સપ્લાય કરવા માટે કન્સાઇનમેન્ટ વ્યવસ્થાનો ઉપયોગ કરતું હતું. NCBની રેડ કોર્નર નોટિસ બાદ બૈસોયાની દુબઈમાં અટકાયત કરાઈ હતી અને હવે ભારત લવાયા બાદ તપાસ એજન્સીઓ આ આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન અંગે તેની કડક પૂછપરછ કરશે.
વિરેન્દ્ર બસોયાનું નામ દિલ્હી પોલીસના આશરે રૂપિયા 13,000 કરોડના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી સંદીપ ધુનિયા સાથે પણ જોડાયેલું છે. બસોયા તેનો અત્યંત નજીકનો સાથી માનવામાં આવે છે. સંદીપ ધુનિયા દુબઈથી પાકિસ્તાન ભાગી જવામાં સફળ રહ્યો હતો.
