ઝારખંડમાં Gen-Alphaનું આંદોલન હિંસક બન્યું, કાંડી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો
આજના ડિજિટલ યુગમાં ટેક્નોલોજીથી માહિતગાર ‘જેન-આલ્ફા’ (Gen Alpha) પેઢી માત્ર ઓનલાઇન જ નહીં, પરંતુ પોતાના હક અને લાગણીઓ માટે મેદાને ઉતરવામાં પણ પીછેહઠ કરતી નથી તેનું જીવંત ઉદાહરણ ઝારખંડમાંથી સામે આવ્યું છે. ઝારખંડના ગઢવા જિલ્લામાં લોકપ્રિય શિક્ષકની બદલીએ આખી શાળાને રસ્તા પર ઉતારી દીધી. કાંડી પ્લસ ટુ હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ છેલ્લા 3 દિવસથી પોતાના પ્રિય શિક્ષકની બદલી રોકવા માટે આંદોલન કરી રહ્યા હતા. ગુરુવારે મામલો એટલો બિચક્યો કે વિદ્યાર્થીઓએ રસ્તો રોક્યો, બ્લોક પ્રમુખની ગાડીમાં તોડફોડ કરી અને કાંડી પોલીસ સ્ટેશન પર જ પથ્થરમારો કરી દીધો. આ હુમલામાં 1 પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.
શું છે સમગ્ર બદલીનો વિવાદ?
ઝારખંડના ગઢવા જિલ્લાના કાંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્લસ ટુ હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓમાં પોતાના માનીતા ગુરુજી મલય સિંહની અન્યત્ર થયેલી બદલીને લઈને ભારે નારાજગી હતી. શિક્ષકની બદલી રદ કરાવવા માટે વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ દિવસથી સતત રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. આ વિરોધ શાળાથી લઈને બ્લોક કચેરી સુધી ફેલાઈ ગયો હતો.
પ્રમુખની એક લાપરવાહીથી ભડક્યો મામલો
ગુરુવારે જ્યારે વિદ્યાર્થીઓ રસ્તો રોકીને પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે કાંડી પ્રખંડના પ્રમુખ પિંકુ પાંડે તેમને સમજાવવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ચર્ચા દરમિયાન વાતચીત વણસી હતી અને પ્રમુખે ગુસ્સામાં આવીને એક વિદ્યાર્થીને જાહેરમાં થપ્પડ ઝીંકી દીધી હતી. આ અપમાનજનક વર્તનને કારણે આજના આક્રમક ‘જેન-આલ્ફા’ વિદ્યાર્થીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
પોલીસ સ્ટેશન પર પથ્થરમારો અને તણાવપૂર્ણ સ્થિતિ
વિદ્યાર્થીઓનો ઉગ્ર આક્રોશ જોઈને પ્રમુખે પોતાની ગાડીમાં ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ આક્ષેપિત વિદ્યાર્થીઓએ તેમની ગાડી પર હુમલો કરી તોડફોડ કરી દીધી. પોતાનો જીવ બચાવવા માટે પ્રમુખ સીધા કાંડી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા, પરંતુ વિફરેલા વિદ્યાર્થીઓએ સ્ટેશનનો ઘેરાવ કરીને ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો. આ અચાનક થયેલા હુમલામાં ડ્યુટી પર હાજર એક પોલીસ જવાનનું માથું ફાટી ગયું અને તે ઘાયલ થયો.
હાલ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને સ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાના પોલીસ બળની તૈનાતી કરવામાં આવી છે. બીજી તરફ, વિદ્યાર્થીઓ પોતાના પ્રિય શિક્ષકની બદલી રદ કરવા અને વિદ્યાર્થી પર હાથ ઉપાડનાર પ્રમુખ સામે કડક કાર્યવાહી કરવાની જીદ પર અડગ છે.
