નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવ્ય ‘ડમરુ યાત્રા’ અને હેરિટેજ ઓટો રિક્ષા સેવાનો કરાવ્યો પ્રારંભ
૧૦૮ કલાકારોના ડમરુના નાદથી ગુંજી ઊઠી ઐતિહાસિક નગરી
ભક્તિ અને વિરાસતનો મંગલ સંગમ: શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી રેલાયો શિવ ભક્તિનો અનોખો નાદ
સાંસ્કૃતિક વારસાના સંવર્ધન સાથે પ્રવાસનને પ્રોત્સાહન: નાયબ મુખ્યમંત્રીએ હેરિટેજ ઓટોમાં કરી સવારી
ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આજે વહેલી સવારે ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’નો આજે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના કિનારેથી મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરી વડનગરની ધરતીને સાંસ્કૃતિક ચેતનાથી તરબતર કરી હતી. આ અવસરે તેમણે મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ‘ડમરુ યાત્રા’નું પોતે ડમરુ વગાડીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણમાં એક દિવ્ય ઉર્જાનો સંચાર થયો હતો.
વડનગરની ગરિમા અને શિવભક્તિની પરંપરાને અનુરૂપ આ ડમરુ યાત્રામાં કુલ ૧૦૮ નિષ્ણાત કલાકારો દ્વારા એકસાથે ડમરુ વાદન કરવામાં આવ્યું હતું. ૧૦૮ કલાકારોના એકસાથે થતા ડમરુના ગુંજારવ અને ગહન નાદથી સમગ્ર વડનગર નગરી શિવમય બની ગઈ હતી. આ અનોખા વાદનથી ઉપસ્થિત જનમેદની અને નગરજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ આ સાંસ્કૃતિક વારસાને બિરદાવતા જણાવ્યું હતું કે વડનગરના આંગણે આ શ્રાવણોત્સવ; ભક્તિ અને કલાના સંગમ દ્વારા વૈશ્વિક ફલક પર એક નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યો છે.
આ પણ વાંચો: ગ્રીમકોના પ્રયાસોથી સરકારી કચેરીઓ બની રહી છે વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રીત
આ ભવ્ય ડમરુ યાત્રાએ વડનગરના વિવિધ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને શ્રદ્ધાના સૂત્રે સાંકળી લીધા હતા. શર્મિષ્ઠા તળાવથી પ્રારંભ થયેલી આ યાત્રા અર્જુન બારી, ભગતના ગલ્લા અને જુના ચાચરેથી પસાર થઈ હતી. ત્યારબાદ આ યાત્રા સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈને અંતે સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવના મંદિરે સંપન્ન થઈ હતી. યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન નગરજનોએ ડમરુના નાદ સાથે આ ઉત્સવને હર્ષોલ્લાસથી વધાવી લીધો હતો, જે વડનગરની ભવ્ય વિરાસત અને અતૂટ શ્રદ્ધાના દર્શન કરાવે છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર યાત્રામાં સ્વયં સહભાગી થઈ નગરજનોનો ઉત્સાહ વધાર્યો હતો. યાત્રાના અંતમાં તેમણે વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા શિવ કીટનું વિતરણ કર્યું હતું.
ધાર્મિક કાર્યક્રમો બાદ નાયબ મુખ્યમંત્રીએ વડનગરના પ્રવાસનને વેગ આપવા માટે ‘વડનગર હેરિટેજ ઑટો રિક્ષા’ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પોતે હેરિટેજ ઓટોરિક્ષામાં સવારી કરી હતી. ત્યારબાદ તેમણે વડનગરના વિવિધ વિકાસાત્મક કામો અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
આ ગરિમામય કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, અગ્રણી ગીરીશ રાજગોર, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી તેમજ વડનગર નગરપાલિકાના પ્રમુખ મતી મિતિકાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણી સર્વે શુભમ શાહ, કમલ, વરિષ્ઠ અધિકારી રાજકુમાર બેનિવાલ, કુલદીપ આર્ય, જિલ્લા કલેકટર શાલિની દુહાન સહિતના ઉચ્ચ અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
