સંસદમાં રાજકીય ગરમાવો: NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે અમિત શાહ અને રાહુલ ગાંધી સામસામે
સંસદમાં ફરી રાજકીય તડાકા! NEET પેપર લીક અને જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે સીધી તકરાર થઈ. એક તરફ શાહે ચર્ચા માટે ખુલ્લી ચેલેન્જ આપી તો બીજી તરફ રાહુલે સીધું રાજીનામાની માંગ કરીને સરકારને ઘેરી. આ મુદ્દે ગૃહમાં 20 દિવસથી ચાલી રહેલા હંગામા બાદ હવે સંસદનું તાપમાન વધુ વધી ગયું છે.
અમિત શાહની ચેલેન્જ: “આજે 3 વાગ્યાથી ચર્ચા કરવા તૈયાર”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં સરકારનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું, “સરકાર પાસે છુપાવવા માટે કંઈ નથી અને હું આજે જ આ મુદ્દે ચર્ચા કરવા તથા દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છું.”
તેમણે વિપક્ષને અપીલ કરી કે બપોરે 2 વાગ્યા સુધીમાં સ્પીકરને ચર્ચા માટે પત્ર સોંપવામાં આવે. “સરકાર આજે બપોરે 3 વાગ્યાથી લઈને મોડી રાત સુધી અને આવતીકાલે પણ ચર્ચા કરવા તૈયાર છે. હું પોતે આ ચર્ચામાં હાજર રહીશ અને વિપક્ષના દરેક સવાલનો જવાબ આપીશ.”
શાહે કહ્યું કે જો જરૂર પડે તો પ્રશ્નકાળ સ્થગિત કરીને પણ NEET મુદ્દે નિયમો અનુસાર ચર્ચા થઈ શકે છે. પરંતુ તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ ચર્ચાને બદલે માત્ર હંગામો કરીને ભાગી રહ્યો છે.
રાહુલ ગાંધીનો પલટવાર: “લેક્ચર નહીં, રાજીનામું આપો”
ગૃહમંત્રીના નિવેદન બાદ રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, “અમારે ગૃહમંત્રીનું કોઈ લેક્ચર નથી સાંભળવું. દેશના ભવિષ્ય એવા નિર્દોષ વિદ્યાર્થીઓ પર જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે તેનો જવાબ સરકારે આપવો પડશે.”
રાહુલે સૌથી ગંભીર આરોપ લગાવતા કહ્યું, “જો જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા માસૂમ બાળકો પર પેલેટ ગન અને લાઠીચાર્જ કરવાનો આદેશ અમિત શાહે આપ્યો હોય, તો તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.”
તેમણે વધુમાં કહ્યું, “એક વિદ્યાર્થીને આંધળો કરી દેવાયો, બીજાને ગોળી મારી. ખિલ્લીવાળા દંડા વડે વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા હતા. આદેશ આપ્યા કોણે અમને તો એ કહો? યુવા પેઢી અમિત શાહ તરફથી કોઈ સ્પષ્ટતા કે તર્ક જાણવા નથી માગતી. બસ એટલું કહે કે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાનો આદેશ આખરે આપ્યો કોણે? જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી કોઈ ચર્ચા સ્વીકારવામાં નહીં આવે.”
સંસદમાં 20 દિવસથી ગરમાવો
સંસદનું સત્ર શરૂ થયું ત્યારથી જ NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો મુદ્દો સૌથી ઉપર છે. વિપક્ષ સત સરકારને ઘેરી રહ્યો છે અને ગૃહમાં ભારે હંગામો મચાવી રહ્યો છે.
હવે અમિત શાહની ચર્ચાની ઓફર અને રાહુલ ગાંધીની રાજીનામાની માંગ બાદ જોવાનું એ રહે છે કે આ મુદ્દે સંસદમાં ચર્ચા થાય છે કે હંગામો યથાવત રહે છે.
