UPI પેમેન્ટને લઈ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) નો ખુલાસો!!!
“ચાની ટપરીથી લઈને મોંઘા મોલ સુધી… ભારતીય ગ્રાહકોની આંગળીના ટેરવે આજે એક જ નામ છે – UPI!”
જ્યારથી ભારતમાં ડિજિટલ ક્રાંતિ આવી છે, ત્યારથી છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક અફવાએ જોર પકડ્યું હતું કે હવે UPI પેમેન્ટ કરવા પર પણ ચાર્જ ચૂકવવો પડશે! આ અફવાએ સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓની ચિંતા વધારી દીધી હતી. શું ખરેખર UPI હવે ફ્રી નથી રહ્યું? આ સવાલના જવાબમાં પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) દ્વારા એક સત્તાવાર અને રાહતરૂપ સ્પષ્ટતા સામે આવી છે, જેણે તમામ ભ્રમને હંમેશા માટે દૂર કરી દીધા છે.
સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPI રહેશે સંપૂર્ણપણે મફત
પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સ્પષ્ટ કર્યું છે કે વર્ષ ૨૦૧૬ માં UPI ની શરૂઆત થઈ ત્યારથી સરકાર કે પેમેન્ટ સેક્ટરે ક્યારેય ગ્રાહકો પાસેથી ટ્રાન્ઝેક્શન ફી નથી લીધી, અને ભવિષ્યમાં પણ ગ્રાહકો કોઈપણ વધારાના ચાર્જ વગર UPI નો ઉપયોગ કરી શકશે.
આ સાથે જ, નાના દુકાનદારો, શાકભાજી વિક્રેતાઓ અને કરિયાણાના વેપારીઓ પાસેથી પણ UPI પેમેન્ટ સ્વીકારવા બદલ કોઈ મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવામાં આવશે નહીં. નાના વ્યાપારીઓ સુધી ડિજિટલ પેમેન્ટ સરળતાથી પહોંચે તે સરકારની પ્રાથમિકતા રહી છે અને તે યથાવત રહેશે.
આ પણ વાંચો: NEET-UG પેપર લીક કાંડ: NTAનાં જ ત્રણ મોટા માથાં વિલન, સીબીઆઈનો મોટો ધડાકો
સિસ્ટમને સુરક્ષિત અને ટકાઉ બનાવવા પર મંથન
આજે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બની ચૂકી છે. દર મહિને અરબો રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ થતા હોવાથી આ સિસ્ટમને હેકિંગ અને સાયબર જોખમો સામે સુરક્ષિત, મજબૂત અને લાંબા સમય સુધી ટકાઉ બનાવી રાખવી અનિવાર્ય છે.
હાલમાં ટેક્નોલોજી, સાયબર સુરક્ષા, કસ્ટમર સપોર્ટ અને નિયમોના પાલન પાછળ થતો કરોડોનો ખર્ચ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. આ માળખાને વધુ મજબૂત કરવા માટે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ તેનો બોજ ક્યારેય સામાન્ય જનતા પર નાખવામાં આવશે નહીં.
મોટા વેપારીઓ પર લાગી શકે છે પ્રાઈવેટ ચાર્જ
PCI ના જણાવ્યા મુજબ, જો ભવિષ્યમાં મોટા કોર્પોરેટ કે મોટા વેપારીઓ પર મર્ચેન્ટ સર્વિસ ચાર્જ લાગુ કરવામાં આવે, તો પણ તેનો અર્થ એ નથી કે સામાન્ય ગ્રાહકોએ UPI વાપરવા માટે પૈસા ચૂકવવા પડશે. આ પ્રકારનો ચાર્જ માત્ર વેપારી અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર વચ્ચેનો એક વ્યાવસાયિક કરાર (Business Agreement) હશે. વિશ્વના અ અનેક વિકસિત દેશોમાં પણ આ જ પદ્ધતિ અમલમાં છે, જ્યાં વેપારીઓ માટે વ્યવસાયિક શુલ્ક હોય છે પરંતુ ગ્રાહકો માટે ડિજિટલ સેવાઓ સંપૂર્ણપણે મફત હોય છે.
છેલ્લા ૧૦ વર્ષથી અવિરત સેવા
છેલ્લા એક દાયકાથી બેંકો, ફિનટેક કંપનીઓ, NPCI અને RBI દ્વારા ટેક્નોલોજી અને ફ્રોડ રોકવા માટે સતત રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે આજે UPI અઠવાડિયાના સાતેય દિવસ અને ૨૪ કલાક અવિરત અને સુરક્ષિત રીતે સેવા આપી રહી છે. વધતા જતા ટ્રાન્ઝેક્શન વોલ્યુમને ધ્યાનમાં રાખીને આ સુરક્ષા કવચને વધુ અદ્યતન બનાવવું સમયની માંગ છે.
