મોરબીના રંગપર ગામ નજીક ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં બંધ ફેક્ટરીમાં યુરીયા ખાતરનો સંગ્રહ કરી કાળાબજાર કરવામાં આવતા હોવાની માહિતીના આધારે ગાંધીનગર સી.આઇ.ડી. ક્રાઇમની ટીમે સ્થાનિક પોલીસની મદદથી છાપો મારતા બંધ ફેક્ટરીમાંથી લાખો રૂપિયાની કિંમતનો યુરીયા ખાતરનો જથ્થો મળી આવતા માલ જપ્ત કરી તેના નમુના મેળવી જૂનાગઢ કૃષી યુનિવર્સિટીમાં પૃથ્થકરણ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આ ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડ્યા બાદ ખેડુતો વાવણીના કામમાં લાગી ગયા છે. ત્યારે ખેતી માટે સૌથી જરૂરી ખાતરનો જથ્થો મેળવવા માટે ખેડુતો આકાશ પાતાળ એક કરી રહ્યા છે ત્યારે અમુક લેભાગુ તત્વો કમાણી કરી લેવા માટે યુરીયા ખાતરનો સંગ્રહ કરી કાળાબજાર કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.
આ પણ વાંચો: વિકસિત ગુજરાત સમિટ-2026: FDI માં ટોપ પર રહેલું ગુજરાત બન્યું દેશનું ‘ગ્રોથ એન્જિન’
મોરીના રંગપર ગામ નજીક ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં બંધ ફેકટરીમાં ખાતરનો મોટો જથ્થો પડ્યો હોવાની ગાંધીનગર સી.આઇ.ડી. ક્રાઇમને માહિતી મળતા સ્થાનિક પોલીસ અને ખેતીવાડી નિયામકની ટીમને સાથે રાખી બંધ ફેક્ટરીમાં છાપો માર્યો હતો.
પોલીસના દરોડામાં ફેક્ટરીમાંથી જુદી-જુદી કંપનીના આધાર પુરાવા વગરની યુરીયા ખાતરની લાખો રૂપિયાની કિંમતની ૮૦૪ બેગ મળી આવતા ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ખેતીવાડી ખાતાના સ્ટાફે યુરીયા ખાતરના ૬ સેમ્પલ મેળવી તેની તપાસ માટે જૂનાગઢ કૃષી યુનિવર્સિટીને મોકલી આપ્યા છે.
આ ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો તે મુદ્દે તપાસ ચાલી રહી છે. જ્યારે ખાતરના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
