16 વર્ષની છાત્રા નિટની તૈયારી કરતી હતી
ચાલુ વર્ષે આપઘાતની 25મી ઘટના
ભારતમાં ડોક્ટર અને એન્જિનિયર બનવાના સ્વપ્ન નિહાળતા વિદ્યાર્થીઓના કોચિંગ હેડ ક્વાર્ટર તરીકે ઓળખાતા રાજસ્થાનના કોટામાં આત્મહત્યાનો વધુ એક બનાવ બનતા વાલીઓ અને શિક્ષણ જગત સ્તબ્ધ થઈ ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ નિટની તૈયારી કરતી રાંચીની 16 વર્ષની વિદ્યાર્થીને તે જ્યાં રહેતી હતી તે બ્લેઝ હોટલમાં જ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
કોટામાં વિદ્યાર્થીઓના વધતા જતા આપઘાતના બનાવોને કારણે ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે.થોડા દિવસો પહેલાં 28મી ઓગસ્ટે પણ માત્ર ચાર કલાકના ગાળામાં જ બે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા હતા. આઘાતજનક વાત એ છે કે આ વર્ષે અત્યાર સુધીમાં જ કોટામાં 25 વિદ્યાર્થીઓ આપઘાત કરી ચૂક્યા છે 2022 માં પણ આવી 15 ઘટનાઓ બની હતી. ડિસેમ્બરમાં તો એક જ મહિનામાં ત્રણ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા હતા.
છાત્રો અપેક્ષાઓના બોજ તળે દબાયેલા રહે છે
કોટા મેડિકલ કોલેજના મનોવિજ્ઞાન ભવનના વડા ડોક્ટર શેખાવતના જણાવ્યા મુજબ કોચિંગ ઇન્સ્ટિટયૂટ્સમાં 15 – 16 વર્ષના અપરિપક્વ બાળકોને પ્રવેશ આપી દેવામાં આવે છે. આ ઉમરના અનેક વિદ્યાર્થીઓ પરિવારની હૂંફ અને ઉષ્માને મિસ કરતા હોય છે. બાળકો ઉપર ભણતરનો ભાર એટલો બધો વધે છે કે અન્ય પ્રવૃત્તિઓ માટે સમય નથી રહેતો. ગળાકાપ હરીફાઈ વચ્ચે ગમે તેમ કરીને સફળતા મેળવવાનો માનસિક તનાવ અને માતા પિતાની અપેક્ષાઓ સંતોષવાના દબાણ ને કારણે અનેક વિદ્યાર્થીઓ ડિપ્રેશન અને ચિંતા નો ભોગ બને છે. કોચિંગ સંસ્થાઓમાં પ્રવેશ માટે ન્યૂનતમ વય નક્કી કરવાનું તજજ્ઞોનું સૂચન એક પણ સરકારે સાંભળ્યું નથી એવો અફસોસ તેમણે વ્યક્ત કર્યો હતો