આશરે 40 વર્ષના લાંબા અંતરાલ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડ મુલાકાત બંને દેશો માટે ગેમચેન્જર સાબિત થઈ છે. PM નરેન્દ્ર મોદીની ઓકલેન્ડ મુલાકાત દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડે પોતાના સંબંધોને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ના સ્તરે અપગ્રેડ કર્યા છે. આ સાથે 10 MoU અને 8 મોટી જાહેરાતો સહિત કુલ 18 ઐતિહાસિક કરારો પર સહમતી સધાઈ છે. હવે સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, વેપાર, કૃષિ અને શિક્ષણથી લઈને આતંકવાદ વિરોધ સુધી દરેક ક્ષેત્રમાં બંને દેશો ખભેખભા મિલાવીને ચાલશે. નિષ્ણાતો આને ઇન્ડો-પેસિફિકમાં ચીનના વધતા પ્રભાવ સામેનું મોટું પગલું ગણી રહ્યા છે.
‘રોડમેપ 2030’ને મંજૂરી, સંબંધોને નવી ઊંચાઈ
PM મોદી અને ન્યૂઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સન વચ્ચે ઓકલેન્ડમાં ઉચ્ચ સ્તરીય શિખર બેઠક યોજાઈ. બેઠક બાદ બંને દેશોએ ‘ભારત-ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી: રોડમેપ 2030’ને ઔપચારિક મંજૂરી આપી. આ રોડમેપ હેઠળ હવે બંને દેશોના વડાપ્રધાનો, વિદેશ પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે નિયમિત બેઠકો અને ઉચ્ચ સ્તરીય સંવાદ થશે. સાથે જ બંને દેશોની સંસદ વચ્ચે પણ સહયોગ વધારવામાં આવશે.
આ પણ વાંચો: સિંહે યુવાનને ફાડી ખાધો તેમાં વાંક જંગલના રાજાનો છે કે બેશરમ મનુષ્યની ગેરશિસ્તનો?
સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા પર સૌથી મોટો ફોકસ
આ મુલાકાતની સૌથી મહત્ત્વની સિદ્ધિ સંરક્ષણ ક્ષેત્રની છે:
1. સંયુક્ત સૈન્ય અભ્યાસ: બંને દેશોની સેનાઓ સંયુક્ત કવાયત અને ગુપ્ત માહિતી શેર કરશે.
2. લોજિસ્ટિક સપોર્ટ: જરૂર પડે તો બંને દેશોની નૌસેના એકબીજાને લોજિસ્ટિક સપોર્ટ આપી શકશે.
3. હાઇડ્રોગ્રાફી ડેટા શેરિંગ: દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવા માટે સમુદ્રના નકશા અને ડેટા એકબીજા સાથે શેર કરાશે.
4. MCA અને વાર્ષિક સંવાદ: દરિયાઈ સહકાર વ્યવસ્થા મજબૂત કરવા સાથે વાર્ષિક દરિયાઈ સુરક્ષા સંવાદ શરૂ કરવાનો નિર્ણય લેવાયો.
ન્યૂઝીલેન્ડ ભારતના ‘ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિએટિવ – IPOI’માં પણ સામેલ થયું છે.
આતંકવાદ સામે સંયુક્ત મોરચો
બંને દેશોએ આતંકવાદની સખત નિંદા કરી અને સંયુક્ત આતંકવાદ વિરોધી વર્કિંગ ગ્રુપ બનાવવાનું નક્કી કર્યું. આ ગ્રુપ આતંકવાદી ગતિવિધિઓ, ફંડિંગ અને ઓનલાઈન નેટવર્ક અંગે માહિતી શેર કરશે. સંયુક્ત નિવેદનમાં પહેલગામ અને લાલ કિલ્લા નજીકના હુમલાઓની પણ નિંદા કરવામાં આવી. ન્યૂઝીલેન્ડે UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું છે.
વેપારનું લક્ષ્ય 7 અબજ ડોલર, FTA તરફ કદમ
આર્થિક મોરચે મોટી જાહેરાત થઈ છે. બંને દેશોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 7 અબજ ન્યૂઝીલેન્ડ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. આને ભવિષ્યના મુક્ત વ્યાપાર કરાર – FTA તરફનું મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. સાથે જ રોકાણ અને વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિઓ પર કામ થશે.
કૃષિ, શિક્ષણ અને સંસ્કૃતિમાં નવા દરવાજા
1. કીવીફ્રૂટ એક્શન પ્લાન: કૃષિ સહયોગ હેઠળ ભારતના નાગાલેન્ડ અને ઉત્તરાખંડમાં કીવીના 2 ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ બનાવાશે. ખેડૂતોને નવી ટેક્નોલોજી અને તાલીમ મળશે.
2. આપત્તિ વ્યવસ્થાપન: ભારતની NDMA અને ન્યૂઝીલેન્ડની NEMA વચ્ચે કરાર થયા. ભૂકંપ, સુનામી માટે ટેક્નોલોજીની આપ-લે થશે.
3. શિક્ષણ અને સંશોધન: ગોવાની સંસ્થા અને કેન્ટરબરી યુનિવર્સિટી વચ્ચે અન્ટાર્કટિકા સંશોધન માટે તથા NIFTEM અને મેસી યુનિવર્સિટી વચ્ચે ફૂડ ટેકનોલોજી માટે MoU થયા.
4. સંસ્કૃતિ: ગુજરાતના લોથલમાં બની રહેલા ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ના વિકાસમાં ન્યૂઝીલેન્ડ સહયોગ આપશે. ન્યૂઝીલેન્ડ ભારતના ‘ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ’માં પણ જોડાશે.
ઇન્ડો-પેસિફિકમાં નવું સમીકરણ
વૈશ્વિક નિષ્ણાતોના મતે આ વ્યૂહાત્મક ભાગીદારી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી દાદાગીરીને સંતુલિત કરવાનો મજબૂત પ્રયાસ છે. સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા અને વેપારના કરારોથી પ્રાદેશિક સ્થિરતાને નવું બળ મળશે.
ટૂંકમાં, 40 વર્ષ બાદની આ મુલાકાતે ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધોને માત્ર વેપાર સુધી સીમિત ન રાખતા સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારીના નવા યુગમાં પ્રવેશ અપાવ્યો છે.
