ટ્રમ્પના નિવેદન બાદ સ્ટોક માર્કેટ કડડભૂસ, સેન્સેક્સમાં 1,677 પોઇન્ટનો જંગી કડાકો
રોકાણકારોએ 10 લાખ કરોડની સંપત્તિ ગુમાવી, ક્રૂડ ભડકે બળ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની યુદ્ધવિરામ સમજૂતી હવે “સમાપ્ત” થઈ ગયું હોવાનું નિવેદન આપતા બુધવારે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં કડડભૂસ થઈ ગયા હતા. વૈશ્વિક રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. તેના પગલે કાચા તેલના ભાવમાં તેજી આવી અને જોખમી રોકાણમાંથી નાણાં બહાર નીકળતાં ભારતીય શેરબજારમાં ભારે કડાકો નોંધાયો.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ.1677 પોઇન્ટ તૂટીને બંધ રહ્યો, નિફ્ટીમાં પણ 581 પોઇન્ટનો ઘટાડો નોંધાયો. દિવસભર લગભગ તમામ ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ રહ્યું. ટ્રમ્પના નિવેદન બાદ મધ્યપૂર્વમાં ફરી તણાવ વધવાની આશંકા સર્જાતા બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 3 ટકાનો ઉછાળો આવતાં ભારત જેવા કાચા તેલની આયાત પર નિર્ભર દેશોની અર્થવ્યવસ્થા અંગે ચિંતા વધી છે.
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ મુખ્ય આંચકો ટ્રમ્પના નિવેદન અને તે પછી ઊભી થયેલી ભૂરાજકીય અનિશ્ચિતતાથી આવ્યો છે. તેની સાથે અમેરિકાના ટેક શેરોમાં નબળાઈ અને વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતોએ પણ વેચવાલીને વેગ આપ્યો હતો.
ટ્રમ્પના નિવેદન પછી વિશ્વના અન્ય બજારોમાં પણ ભારે દબાણ જોવા મળ્યું હતું. યુરોપનો સ્ટોક્સ-600 સૂચકાંક લગભગ 1.8 ટકા તૂટ્યો હતો. જર્મનીનો DAX 2 ટકાથી વધુ અને ફ્રાન્સનો CAC-40 પણ 2 ટકાથી વધુ ઘટતા બજારમાં અફડાતફડી મચી ગઈ હતી. એશિયામાં જાપાન, દક્ષિણ કોરિયા સહિતના બજારોમાં પણ નબળાઈ જોવા મળી હતી.અમેરિકી ફ્યુચર્સ પણ ઘટાડા સાથે ટ્રેડ થયા હતા.
ભારતમાં આજે સેન્સેક્સમાં થયેલા ઘટાડાને કારણે આગલા અઠવાડિયામાં થયેલો ફાયદો એક જ દિવસમાં તણાઈ જતા રોકાણકારોએ 10 લાખ કરોડ ગુમાવ્યા હોવાનો અંદાજ છે.
આ ત્રણ પરિબળો પર બજારનું ભાવિ નિર્ભર
અમેરિકા-ઈરાન તણાવ: સંઘર્ષ વધુ ભડકશે કે રાજદ્વારી ઉકેલ આવશે?
ક્રૂડ ઓઈલના ભાવ: તેલમાં વધુ તેજી કે સ્થિરતા ભારત માટે નિર્ણાયક રહેશે.
જૂન ક્વાર્ટરના પરિણામો: કંપનીઓના નફાના આંકડા બજારને નવી દિશા આપશે.
