ઇરાનના નેતાઓ ગાલિબાફ, અરાઘચીની હત્યા કરી દેવાનો ઇઝરાયલનો પ્લાન હતો, અમેરિકાએ બચાવી લીધા
એપ્રિલમાં યુધ્ધવિરામ અંગેની મંત્રણા વખતે જ હુમલો થવાનો હતો; ટ્રમ્પે મિડલ ઈસ્ટના નેતાઓને જાણ કરી ઈરાનને મેસેજ આપી દીધો હતો; અમેરિકી મીડિયાએ કર્યો મોટો ધડાકો
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલમાં એક સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં શરૂ થયેલી શાંતિ મંત્રણા ખોરવાઈ ન જાય તે માટે અમેરિકાએ મિડલ ઈસ્ટના અન્ય દેશોનો સંપર્ક કરીને ઈરાનને એક મોટી ચેતવણી મોકલી હતી. અમેરિકાને ડર હતો કે ઈઝરાયલ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી અને સંસદના સ્પીકર ગાલિબાફની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. જેનાથી ચાલી રહેલી વાટાઘાટો અને યુદ્ધવિરામ સંપૂર્ણપણે નાશ પામી શકે છે. આ નવા ધડકાથી ભારે ચર્ચા જાગી છે.
28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયલી હુમલામાં ઈરાનના તત્કાલીન સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખામેનેઈના મોત બાદ આ યુદ્ધ શરૂ થયું હતું. યુદ્ધના શરૂઆતના તબક્કામાં અમેરિકા અને ઈઝરાયલ સાથે હતા, પરંતુ એપ્રિલમાં જ્યારે અમેરિકાએ શાંતિ કરાર માટે દબાણ શરૂ કર્યું ત્યારે ઈઝરાયલે તેનો વિરોધ કર્યો હતો. ઈઝરાયલ ઈરાનમાં સત્તા પરિવર્તન અને તેની સૈન્ય શક્તિને સંપૂર્ણપણે નષ્ટ કરવા માંગતું હતું.
આ પણ વાંચો: મહેસુલ કામગીરી અને પડતર પ્રશ્નનાં વિરોધમાં રાજ્યમાં તલાટી મંત્રીની હડતાળ
જોકે, અમેરિકી અધિકારીઓના મતે, જો અરાગચી અને ગાલિબાફ જેવા મહત્વના નેતાઓ પર હુમલો થયો હોત, તો મંત્રણા બંધ થઈ જાત અને યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ લઇ શકત. આ બંને નેતાઓ માર્ચ મહિનાથી જ ઈઝરાયલની હિટલિસ્ટમાં હતા, પરંતુ અમેરિકાના દબાણ બાદ તેમના નામ હટાવવામાં આવ્યા હતા.
સ્પીકર ગાલિબાફ અત્યાર સુધીમાં બે વાર કાટમાળ નીચેથી જીવતા બહાર આવ્યા છે. તાજેતરમાં જ્યારે તેઓ અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ સાથેની મુલાકાત બાદ તેહરાન પરત ફરી રહ્યા હતા, ત્યારે ઈરાની ઈન્ટેલિજન્સે એક મોટો ખતરો પકડી પાડ્યો હતો. એ સમયે પણ ટ્રમ્પે ભારે ઠપકો આપીને આવી હરકતો નહિ કરવાની ચેતવણી આપી હતી.
ઈઝરાયલ તેમના વિમાનને હવામાં જ તોડી પાડવાની યોજના બનાવી રહ્યું હતું અને તેના બે ફાઈટર જેટ્સ ઈરાની એરસ્પેસમાં પણ ઘૂસી ગયા હતા. જોકે, સમયસૂચકતા વાપરીને વિમાનનું પાકિસ્તાની સરહદ નજીક આવેલા મશહાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને ગાલિબાફ ત્યાંથી રોડ માર્ગે તેહરાન પહોંચ્યા હતા.
અમેરિકા ઈરાનની સમજૂતીનો ઇઝરાયલે વિરોધ કરી નવી આફત ગણાવી હતી
અહેવાલમાં જણાવ્યા મુજબ જોખમો છતાં ઈરાની નેતાઓએ મુસાફરી ચાલુ રાખી અને મે મહિનામાં તેઓ સ્વિટ્ઝર્લેન્ડ અને કતાર પણ ગયા હતા. જૂન મહિનામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલવા અને પરમાણુ મુદ્દે પ્રાથમિક સમજૂતી સધાઈ હતી. જેને ઈઝરાયલે આફત ગણાવી હતી કારણ કે આ કરારથી ઈરાનને અબજો ડોલર મળવાના છે. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર અને સ્ટીવ વિટકોફની આગેવાની હેઠળનું ડેલિગેશન સતત ઈરાન સાથે ચર્ચામાં છે અને ટ્રમ્પ ઈચ્છે છે કે આ શાંતિ મંત્રણા કોઈ પણ ભોગે સફળ થાય.
