બેંગલુરુમાં ખાણમાં ભેખડ ધસી પડતાં 9 મજૂરનાં મોત ;અનેક ઘાયલ
40 ફૂટની ઊંચાઈએથી પડી ભેખડ, બચવાની તક જ ન મળી
કર્ણાટકની રાજધાની બેંગલુરુના દક્ષિણ તાલુકાના મડાપટના વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી હતી. અહીં ગુરુવારે સવારે એક પથ્થરની ખાણમાં કામ કરી રહેલા શ્રમિકો પર અચાનક એક વિશાળ ભેખડ ધસી પડી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 9 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક શ્રમિકો બિહાર અને અસમના રહેવાસી હતા અને અહીં રોજમદાર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તમામ શ્રમિકો ખાણમાં પથ્થર તોડવાનું કામ કરી રહ્યા હતા. તે જ સમયે એક વિશાળ પથ્થર તેમની ઉપર આવી પડ્યો અને તેઓ મલબા નીચે દબાઈ ગયા હતા. એક પ્રત્યક્ષદર્શી શ્રમિકના જણાવ્યા મુજબ, ઘટના સમયે ત્યાં આશરે 18 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. આ પથ્થર અંદાજે 40 ફૂટની ઊંચાઈએથી નીચે પડ્યો હતો. ભેખડ એટલી ઊંચાઈ પરથી પડી કે શ્રમિકોને ત્યાંથી ભાગવાની કે બચવાની કોઈ તક જ ન મળી.
આ પણ વાંચો: પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈન્દિરા નૂયીએ કરેલી કોમેન્ટથી ભારે ચર્ચા
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રમિકોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, ઘાયલોની ચોક્કસ સંખ્યા અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ અનેક મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. આખા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો જેથી જેસીબી અને અન્ય મશીનો દ્વારા કાટમાળ હટાવવાનું કામ ઝડપથી થઈ શકે.
