દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મોડીરાતે મેઘરાજાની પધરામણી
છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ નવસારી સાડા ત્રણ ઇંચ, સાવરકુંડલામાં સવા ત્રણ ઇંચ વરસાદ: સુરતમાં અઢી ઇંચ વરસાદથી રાજમાર્ગો પર ગોઠણડૂબ પાણી ભરાયા
નૈઋત્ય ચોમાસાએ ફરી વેગ પકડ્યો છે. મહારાષ્ટ્રમાં ચોમાસુ સ્થિર થઈ જતાં ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું પરંતુ રહી રહીને સારા વરસાદની આશા જાગી છે જેમાં ગુજરાત પર એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે સોમવાર મોડીરાતથી જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં જોરદાર બેટિંગ કરીને તંત્રની પ્રિ-મોનસૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. સુરતમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા જ શહેરના અનેક વિસ્તારોના રાજમાર્ગો પર ગોઠણડૂબ પાણી ભરાયા છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં મોસમનો પહેલો સારો વરસાદ પડ્યો છે. એક જ દિવસમાં સવા ત્રણ ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
નૈઋત્ય ચોમાસુ અલનીનોની અસરના કારણે ગાયબ થઈ જતાં જગતાતના જીવ પડીકે બંધાયા હતા અને આખો જૂન મહિનો કોરોધાકોડ રહ્યો હતો જેના કારણે પીવાના પાણીની સમસ્યા પણ વધવા લાગી હતી.
મુંબઈ મહારાષ્ટ્રમાં સ્થિર થઈ ગયેલા ચોમાસાએ ફરી વેગ પકડ્યો છે. બીજી બાજુ ગુજરાત પર એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય બની છે અને હવામાન વિભાગે ૨ જુલાઈથી એક સપ્તાહ સુધી સારા વરસાદની આગાહી કરી છે. ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે તોફાની વરસાદ પડવાની આગાહી કરી છે.
આ પણ વાંચો: GST: હવે 31 જુલાઇ સુધી અપીલ દાખલ કરી શકાશે
જો કે હવામાન વિભાગની આગાહી પહેલાં જ મેઘરાજાએ સોમાવારે મોડીરાતથી જોરદાર બેટિંગ શરૂ કરી દીધું છે. ગઈકાલે હવામાનમાં એકાએક પલટો આવ્યા બાદ સુરત, નવસારી, અમરેલી, આણંદ, વલસાડ, ડાંગ, ગીર-સોમનાથ, તાપી, ભાવનગર જિલ્લામાં મેઘસવારી આવી પહોંચી છે.
મોડીરાતે વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી જેના કારણે તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલ્લી ગઈ હતી. સુરતમાં એક જ રાતમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા રાજમાર્ગો પર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. જ્યારે ભારે વરસાદના કારણે ૪૦૦ મીટરનો રોડ બેસી ગયો હતો.
દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ મેઘસવારી આવી પહોંચી હતી જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સવા ત્રણ ઇંચ, ગીર-સોમનાથના ઉનામાં દોઢ ઇંચ, ભાવનગરના ગારિયાધારમાં પોણો ઇંચ વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે.
આ ઉપરાંત અમરેલીના જાફરાબાદ, રાજુલા, ખાંભા, ભાવનગરના વલ્લભીપુર, જૂનાગઢના ભેંસાણ, બોટાદ, રાજકોટ જિલ્લાના જસદણમાં હળવા ઝાપટા જોવા મળ્યા હતા.
છેલ્લા ચોવીસ કલાકમાં નવસારી, સાવરકુંડલામાં ૩ ઇંચ, સુરત સહિત પાંચ તાલુકામાં ૨થી અઢી ઇંચ અને ૧૬ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
| તાલુકો | વરસાદ (મી.મી.) |
| નવસારી | 94 |
| સાવરકુંડલા | 79 |
| પેટલાદ | 74 |
| સુરત | 61 |
| કામરેજ | 60 |
| ધરમપુર | 53 |
| જલાલપોર | 52 |
| પલસાણા | 45 |
| વઘઈ | 41 |
| મહુવા | 41 |
| બારડોલી | 39 |
એક સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ
લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ અંતે ચોમાસુ સક્રિય થયું છે અને દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટટ્રમાં મેઘસવારી આવી પહોંચી છે ત્યારે હવામાન વિભાગે એક સપ્તાહ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ ભાગમાંથી ચોમાસુ ધીરે ધીરે આગળ વધશે અને એક સપ્તાહમાં આખા ગુજરાતમાં શ્રીકાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
