ઈરાની પ્રતિનિધિઓ મુલાકાત પડતી મૂકી ચાલતા થયા, વેન્સ અને શરીફ અવાચક
ટ્રમ્પની ધમકી પછી તંગદિલી, જો કે અંતે વાર્તાલાપ શરૂ
સ્વિત્ઝરલેન્ડના બર્ગેનસ્ટોક રિસોર્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય શાંતિ મંત્રણાની પ્રથમ બેઠક દરમિયાન અચાનક નાટ્યાત્મક દૃશ્યો સર્જાયા હતા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને લેબનોનમાં સક્રિય હિઝબુલ્લાહને લઈને આપેલી નવી ધમકી બાદ ઈરાની પ્રતિનિધિમંડળે વિરોધ નોંધાવતા બેઠક સ્થળેથી થોડા સમય માટે વોકઆઉટ કરતાં સન્નાટો વ્યાપી ગયો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ સાથે ટૂંકી વાતચીત કર્યા બાદ અચાનક રૂમમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. તેમની સાથે અન્ય ઈરાની પ્રતિનિધિઓ પણ ચાલતા થયા હતા. આ ઘટનાથી શરીફ અને પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ આસિમ મુનીર આશ્ચર્યચકિત દેખાયા હતા, જ્યારે નજીકમાં ઉભેલા અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સ મૂંઝાયેલી હાલતમાં સમગ્ર ઘટનાક્રમ નિહાળી રહ્યા હતા.
માહિતી મુજબ, બેઠક શરૂ થાય તે પહેલાં જ ઈરાને અમેરિકી પ્રતિનિધિમંડળ સાથેના સંયુક્ત ફોટો સેશનમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ચેતવણી આપી હતી કે જો તે લેબનોનમાં હિઝબુલ્લાહને કાબૂમાં નહીં રાખે તો અમેરિકા વધુ કડક લશ્કરી કાર્યવાહી કરશે. આ નિવેદનથી ઈરાનમાં ભારે નારાજગી ફેલાઈ હતી.
આ પણ વાંચો: ભારતમાં નથી રસ્તા સલામત કે નથી ફૂટપાથ સલામત
જોકે તેમ છતાં મંત્રણાઓ ભંગ થઈ નહોતી. થોડા સમય બાદ ઈરાની પ્રતિનિધિમંડળ ફરીથી ચર્ચા ટેબલ પર પરત ફર્યું હતું અને બંધ બારણે વાતચીત આગળ વધી હતી.
ટ્રમ્પને “મર્યાદામાં રહેવાની” ઈરાનની ચેતવણી
વોકઆઉટ બાદ ઈરાને અમેરિકાને કડક સંદેશ આપતાં જણાવ્યું કે ધમકીઓ અને દબાણની રાજનીતિ વચ્ચે અર્થપૂર્ણ વાર્તાલાપ શક્ય નથી. ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, તેહરાને અમેરિકી પ્રતિનિધિઓ સમક્ષ સત્તાવાર રીતે વાંધો નોંધાવ્યો હતો અને ટ્રમ્પના નિવેદનોને ઉશ્કેરણીજનક ગણાવ્યા હતા. ઈરાને સ્પષ્ટ કર્યું કે જો અમેરિકા ખરેખર શાંતિપૂર્ણ ઉકેલ ઇચ્છતું હોય તો ટ્રમ્પે જાહેર ધમકીઓ આપવાને બદલે રાજદ્વારી મર્યાદાનું પાલન કરવું જોઈએ. ઈરાનના વલણ મુજબ પરસ્પર સન્માન અને સમાનતાના આધારે જ કોઈ પણ કરાર અથવા સમજૂતી શક્ય બનશે.
