રાજકોટના ટ્રાફિકની ચિંતા કરનારા બુદ્ધિજીવીઓને શત શત નમન!
ધન્ય છે ટ્રાફિકના ‘પરમ જ્ઞાની’ એન્જિનિયરો અને તંત્રને, જેમણે કોટેચા ચોક પર કાર ચાલકોના ‘સ્વાસ્થ્ય’ અને ‘ઈંધણ’ના બગાડ માટે એક અદ્ભુત માસ્ટરપ્લાન બનાવ્યો છે!
૧. કાર ચાલકો માટે “મહિલા કોલેજ દર્શન યાત્રા” યોજના:
જો તમારી પાસે ૪ વ્હીલર છે, તો તમે ગુનેગાર છો! કોટેચા ચોકથી કાલવાડ રોડ જવા માટે સીધા જવું એ તો પાપ કહેવાય. એટલે તંત્રે નક્કી કર્યું છે કે કાર ચાલકો પહેલાં આખેઆખી મહિલા કોલેજ અંડરબ્રિજની પરિક્રમા કરે, પેટ્રોલ-ડીઝલના ધુમાડા કરે, ટ્રાફિકમાં ૧૫-૨૦ મિનિટનું “ધ્યાન ધરે” અને પછી જ કાલવાડ રોડ પર પધારે! ૨ અને ૩ વ્હીલર વાળા તો પૂર્વજન્મના પુણ્યશાળી છે એટલે એમને સીધા જવા દેવાશે. કાર વાળા ભલે આખો રૂટ ફરીને “મહિલા કોલેજ દર્શન”નો મફત આનંદ માણે! વાહ સાહેબ, ટ્રાફિક હળવો કરવાની કેવી દિવ્ય બુદ્ધિ!
આ પણ વાંચો: કાલે ઓખા અને ગાંધીનગર વચ્ચે દોડાશે NEET પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો
૨. રોડ પરના “સૌજન્યમૂર્તિ” ટોઇંગ અને વ્હીલ-લોક કલાકારો:
બીજી તરફ, નો-પાર્કિંગમાંથી વાહન ઉપાડવા અને વ્હીલ લોક કરવા માટે તંત્રએ ખાસ ‘શાહી સૈન્ય’ તૈનાત કર્યું છે. આ ક્રેન/ટ્રકની વિશેષતા જુઓ:
એક બિચારા પોલીસમેન અને સાથે ૪-૫ એવા “સંસ્કારી અને ભદ્ર” ગુંડા જેવા માણસો, જેમની વાણી સાંભળીને કાનમાંથી પવિત્ર ગંગા વહેવા માંડે!
આ ટુકડીનો મુખ્ય હેતુ ટ્રાફિક હટાવવાનો નથી, પણ પોતાનો આખો ટ્રક વચોવચ પાર્ક કરીને રોડ પર એક કિલોમીટર લાંબો જામ કરવાનો છે, જેથી લોકો શાંતિથી ટ્રાફિકનો અનુભવ કરી શકે!
એમની નમ્રતા એટલી અદ્ભુત હોય છે કે જો તમે ભૂલથી પણ પૂછો કે “ભાઈ, કેમ વ્હીલ લોક કર્યું?”, તો તમને મફતમાં લંડન-અમેરિકાની ભાષામાં (ગાળો સાથે) સંવાદ સાંભળવા મળે!
રાજકોટમાં રહેવું હોય તો કાં તો ગાડી વેચીને ચાલીને જવાની ટેવ પાડો, અને કાં તો આ “મહાજ્ઞાની તંત્ર” અને એમના “લાડકા ગુંડાઓ” ના ત્રાસને ભગવાનનો પ્રસાદ સમજીને સ્વીકારી લો!
