ચીન ફરી ભારત વિરુધ્ધ શું પરાક્રમ કરી રહ્યું છે, શું થયું ? વાંચો
ચીનનો ચંચુપાત; અરુણાચલ પાસે વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવે છે
કાર્ય ઝડપી બનાવ્યું; ભારતે વાંધો લીધેલો છે છતાં નકારાત્મક પ્રવૃત્તિ; આસામ અને અરુણાચલ પ્રદેશને બરબાદ કરી દેવાની ચાલ
અમેરિકા ભારત સાથે આડું ચાલી રહ્યું છે અને ચીન પણ પાકની પીઠ પર હાથ ફેરવીને ભારત વિરોધી પ્રવૃત્તિમાં આગળ વધી રહ્યું છે. ચીન પોતાની નાપાક ચાલબાજીઓથી અટકવાનું નામ નથી લઈ રહ્યું. તેણે સત્તાવાર રીતે તિબેટમાં યારલુંગ ત્સાંગપો નદીના નીચલા પ્રવાહ પર વિશ્વના સૌથી મોટા ડેમનું નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ નિર્માણ સ્થળ ભારતીય સરહદથી માત્ર 50 કિલોમીટરની દૂરી પર આવેલું છે.
આ વિશાળ પ્રોજેક્ટના કારણે બ્રહ્મપુત્રા નદીના નીચલા પ્રવાહવાળા વિસ્તારો, ખાસ કરીને અરૂણાચલ પ્રદેશ અને આસામના માથે ગંભીર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. ગુપ્તચર સૂત્રો અને સેટેલાઇટ તસવીરોથી ખુલાસો થયો છે કે ભારતની સતત આપત્તિઓ છતાં ચીન આ પરિયોજનાને ખૂબ જ ઝડપથી આગળ ધપાવી રહ્યું છે.
યારલુંગ ત્સાંગપો નદી તિબેટમાંથી વહીને ભારતમાં ‘સિયાંગ’ નામે પ્રવેશે છે અને આગળ જતાં તે આસામમાં વિશાળ બ્રહ્મપુત્રા નદી બને છે. ભારતીય અધિકારીઓએ આ મેગા-ડેમને લઈને ગંભીર ચેતવણી જાહેર કરી છે. આશંકા સેવાઈ રહી છે કે આ બંધના કારણે નદીના પાણીનો કુદરતી પ્રવાહ સંપૂર્ણપણે પ્રભાવિત થઈ શકે છે, જેનાથી સ્થાનિક પર્યાવરણને ભારે નુકસાન પહોંચશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર; 6 સાંસદોએ ઉધ્ધવ ઠાકરેનો સાથ છોડ્યો
એટલું જ નહીં, નીચલા વિસ્તારોમાં ખેતીવાડી વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગશે અને અરૂણાચલ પ્રદેશ તથા આસમમાં પૂરની અણધારી તેમજ જોખમી સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, ચીન એવો દાવો કરી રહ્યું છે કે આ પ્રોજેક્ટનો હેતુ માત્ર મોટા પાયે જળવિદ્યુત પેદા કરવાનો છે, પરંતુ ભારત જેવા નીચલા પ્રવાહ ધરાવતા દેશો માટે તેના પરિણામો અત્યંત સંવેદનશીલ અને અસ્થિર કરનારા સાબિત થઈ શકે છે.
ભારત એલર્ટ; રિયલ ટાઈમ ડેટા મેળવવાનું શરૂ કર્યું
ચીનના આ સંભવિત ખતરાનો સામનો કરવા માટે ભારત સરકાર બે સ્તરે કામ કરી રહી છે. પ્રથમ સ્તરે, ભારતે ચીની સત્તાધીશો સમક્ષ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે અને ચીનને સરહદ પારની નદી પરિયોજનાઓ અંગે સંપૂર્ણ પારદર્શિતા રાખવા, રીઅલ-ટાઇમ ડેટા શેર કરવા તેમજ કોઈ પણ નવું બાંધકામ કરતા પહેલા પૂર્વ પરામર્શ કરવા માટે દ્રઢતાપૂર્વક જણાવ્યું છે.
