ચુનારવાડ ચોકના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના કર્મચારી પર બે શખ્સોનો હુમલો
સેકન્ડમાં નોઝલ મૂકી દેતાં મામલો બિચકયો, ‘પંપ કેમ ચાલુ રાખો છો તે જોઈ લેશું’ તેવી ધમકી આપી કહી આરોપીઓ ફરાર
શહેરના ચુનારવાડ ચોક ખાતે આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર મોડી રાત્રે નજીવી બાબતે બે શખ્સોએ આતંક મચાવ્યો હતો. પેટ્રોલ પૂરવાની નોઝલ માત્ર ૭ સેકન્ડ માટે હાથમાં રખાતી હોવાના નિયમને કારણે કર્મચારીએ નોઝલ પાછી મૂકી દેતાં ઉશ્કેરાયેલા બે શખ્સોએ પંપના કર્મચારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, ઓફિસમાં ઘૂસી જઈને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ ઘટના અંગે પંપના માલિકે થોરાળા પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
વિગતો મુજબ,૮૦ ફૂટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતા અને ચુનારવાડ ચોકમાં ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ધરાવતા રતનસિંહ મેઘજીભાઈ પરમારે (ઉ.વ.૫૬) આરોપી તરીકે આરીફ અને મોઇન નામના બે શખ્સોનું નામ આપતાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૪ જૂનના રોજ રાત્રે સવા અગિયારેક વાગ્યાની આસપાસ આરીફ અને મોઇન નંબર પ્લેટ વગરના એક્સેસ પર પેટ્રોલ પુરાવવા આવ્યા હતા.આરીફે ૨૦૦નું પેટ્રોલ પૂરવા કહેતા કર્મચારી કાર્તિક અશોકભાઈ સાગઠીયાએ તેને ટાંકીનું ઢાંકણ ખોલવા કહ્યું હતું. મશીનના નિયમ મુજબ નોઝલ માત્ર ૭ સેકન્ડ પૂરતી જ હાથમાં રાખી શકાતી હોવાથી અને સમય પૂરો થતાં કાર્તિકે નોઝલ ફરીથી સ્ટેન્ડમાં મૂકી દીધી હતી
આ પણ વાંચો: જિંદગી વન્સ મોર : મનોરંજન અને પારિવારિક કોમેડીનો ઓવરડોઝ
આ બાબતે આરીફ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો.આ દરમિયાન સ્કૂટર પાછળ બેઠેલા મોઇને કર્મચારી કાર્તિકના જમણા હાથ પર ‘જય ભીમ’ લખેલું જોઈ લીધું હતું. આથી તેણે કાર્તિકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અપશબ્દો કહ્યા હતા અને માથાકૂટ કરવા લાગ્યો હતો. મેનેજર વનરાજભાઈએ બહાર આવીને યુવકોને સમજાવવાનો પ્રયાસ કરે તે પહેલા જ મોઇન હાથમાં નાની ધારદાર વસ્તુ લઈને પંપની ઓફિસની અંદર ઘૂસી ગયો હતો. અંદર રહેલા કાર્તિકને તેણે જમણી આંખની નીચે અને ડાબા કાનની નીચે છરકા કરી ઈજા પહોંચાડી હતી અને મોઢા તેમજ શરીરના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હતો.જતા-જતા બંને આરોપીઓએ ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે, “તમે હવે પછી પંપ કેમ ચાલુ રાખો છો એ અમે જોઈ લેશું.” થોરાળા પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
