દિલ્હી-NCRમાં કાળા વાદળોની ધમાલ: દિવસે રાતનો માહોલ, IMDએ રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRમાં શુક્રવારે હવામાને અચાનક પલટો માર્યો. ધોળા દિવસે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જ વાહનચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી. નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદમાં ઝરમર વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. હવામાન વિભાગે રોહતકથી દિલ્હી તરફ આવતા તીવ્ર વાદળ સમૂહને જોઈને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી કલાકો દિલ્હી-NCR માટે પડકારજનક રહી શકે છે.
દિલ્હી-NCRના અનેક વિસ્તારોમાં બપોર બાદ હવામાન અચાનક બદલાયું. આકાશ વાદળછાયું થતાં જ ધૂળભરી આંધી સાથે ઝરમર વરસાદ શરૂ થયો. કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો. આ અચાનક પલટાને કારણે તાપમાનમાં થોડી રાહત મળી, પરંતુ પવન અને વીજળીના કારણે મુશ્કેલી પણ વધી.
આ પણ વાંચો: અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર, 14 આકરી શરતો પર બની સહમતિ!
IMDનું એલર્ટ અને વાદળની હિલચાલ
ભારતીય હવામાન વિભાગ IMDના જણાવ્યા મુજબ, રોહતક પર એક તાજો અને તીવ્ર સંવર્ધક વાદળ સમૂહ દક્ષિણ-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યો છે. આ સિસ્ટમ દિલ્હી-NCRના મોટાભાગના ભાગોમાં વરસાદ અને ઝરમર વરસાદ લાવશે. આગામી થોડા કલાકોમાં ભારે પવન, વીજળીના કડાકા અને હળવો વરસાદ થવાની સંભાવના છે. IMDએ સાવચેતીના ભાગરૂપે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
અસરગ્રસ્ત વિસ્તારોની યાદી
IMDના બુલેટિન મુજબ, આગામી કેટલાક કલાકોમાં નીચેના વિસ્તારોમાં તોફાન અને વરસાદની શક્યતા છે:
દિલ્હી: બાવાના, રાજૌરી ગાર્ડન, પટેલ નગર, સફદરજંગ, લોધી રોડ, બુદ્ધ જયંતિ પાર્ક, રાષ્ટ્રપતિ ભવન, રાજીવ ચોક, ITO, કાલકાજી, તુગલકાબાદ.
હરિયાણા: રોહતક, ખારખોડા, પલવલ અને આસપાસના વિસ્તારો.
વહીવટી તંત્રે નાગરિકોને વિનંતી કરી છે કે વીજળીના સમયે ખુલ્લામાં ન રહે, જૂના-નબળા વૃક્ષો અને હોર્ડિંગ્સથી દૂર રહે અને બિનજરૂરી મુસાફરી ટાળે. વાદળની ગતિને જોતાં સાંજ સુધી હવામાન આવું જ રહેવાની શક્યતા છે.
