‘ગેટેડ કોમ્યુનિટી’ ના કલ્ચરે આપણી ‘શેરી-સંસ્કૃતિ’ અને ‘પાડોશ’ ને કેવી રીતે ખતમ કરી નાખ્યા?
ઊંચી દીવાલો, 24×7 સિક્યુરિટી ગાર્ડ્સ અને બૂમ-બેરિયર વાળા પોશ ફ્લેટ્સમાં રહેવા જઈને આપણે એક એવો ભ્રમ પાળી લીધો છે કે આપણે ‘સુરક્ષિત’ છીએ. પણ વાસ્તવમાં, આર્કિટેક્ચરના આ પશ્ચિમી મોડેલે ભારતીય સમાજની સૌથી મોટી તાકાત—’પાડોશ’—ને ખતમ કરી નાખી છે.
જરા યાદ કરો આજથી વીસ કે પચીસ વર્ષ પહેલાનો એ સમય, જ્યારે મકાનોને આગળ *’ઓટલા’ હતા. એ ઓટલો માત્ર બેસવાની જગ્યા નહોતી, પણ આખા મહોલ્લાની સામાજિક સંસદ હતી. સવારે છાપું વાંચવાથી લઈને સાંજે શાક સમારવા સુધીની તમામ પ્રવૃત્તિઓ ખુલ્લામાં થતી. રસ્તા પરથી પસાર થતો પાડોશી અચૂક ઊભો રહીને પૂછતો કે, *”કેમ ભાઈ, આજે મોડું થયું ઓફિસેથી?” બાળકો શેરીમાં ક્રિકેટ રમતા અને કોઈના ઘરનો કાચ તૂટે તો આખા ફળિયાને ખબર પડી જતી.
પણ છેલ્લા એક દાયકામાં આપણા અર્બન આર્કિટેક્ચર (શહેરી બાંધકામ) માં એક બહુ મોટો અને સાયલન્ટ ભૂકંપ આવ્યો છે. આપણે *’વિકાસ’ અને ‘લક્ઝરી’ ના નામે ફળિયા અને મહોલ્લા છોડીને *’ગેટેડ કોમ્યુનિટી’ *(Gated Communities) માં રહેવા ગયા છીએ. ૮૦ લાખ કે ૧ કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદીને આપણે એક *૩-BHK ની જગ્યા તો ખરીદી લીધી, પણ તેની કિંમત આપણે આપણી સામાજિક મૂડી ગુમાવીને ચૂકવી છે.
આપણે સિમેન્ટના એવા ‘આઇસોલેટેડ ટાપુઓ’ બનાવી દીધા છે, જ્યાં માણસ આર્થિક રીતે તો બહુ સદ્ધર છે, પણ સામાજિક અને માનસિક રીતે સાવ એકલો પડી ગયો છે!
આ પણ વાંચો: ભારતમાં લગ્નજીવનના કલેશ વચ્ચે પુરુષોમાં આત્મહત્યાના બનાવોમાં તોતિંગ વધારો
૧. આર્કિટેક્ચર ઓફ એક્સક્લુઝન: કોને બહાર રાખવા માટે છે આ દીવાલો?
*’ગેટેડ કોમ્યુનિટી’ નો મૂળ કોન્સેપ્ટ અમેરિકામાંથી આવ્યો છે, જ્યાં અમીર લોકોએ ક્રાઈમ અને ગોળીબારથી બચવા માટે પોતાના વસવાટ ફરતે ઊંચી દીવાલો ચણી લીધી હતી. આપણે ભારતમાં આ મોડેલની આંધળી નકલ કરી લીધી. તમે કોઈપણ મોર્ડન સોસાયટી જુઓ. ૧૫ ફૂટ ઊંચી કમ્પાઉન્ડ વોલ, ઉપર ઇલેક્ટ્રિક વાયરિંગ, મેઈન ગેટ પર ત્રણ-ત્રણ સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી કેમેરા અને એપ-બેઝ્ડ એન્ટ્રી સિસ્ટમ. આપણે એવો દાવો કરીએ છીએ કે આ બધું ચોર-લૂંટારાઓથી બચવા માટે છે. પણ શું ખરેખર એવું છે?
સાયકોલોજી અને સોશિયોલોજીના નિષ્ણાતો માને છે કે આ *’Architecture of Exclusion’ (બહિષ્કારનું બાંધકામ) છે. વાસ્તવમાં આ દીવાલો ગુનેગારોને બહાર રાખવા માટે નહીં, પણ આપણાથી આર્થિક રીતે નીચા વર્ગના લોકો (ગરીબ કે મધ્યમવર્ગ) ને આપણાથી દૂર રાખવા માટે ચણવામાં આવી છે! આપણે એક એવી સિસ્ટમ બનાવી દીધી છે જ્યાં આપણી સોસાયટીમાં માત્ર એ જ લોકો રહેતા હોય, જેમનું બેન્ક બેલેન્સ અને સ્ટેટસ આપણા જેટલું જ હોય. જૂના મહોલ્લાઓમાં જે *’વિવિધતા’ હતી—જ્યાં એક જ શેરીમાં એક શિક્ષક, એક નાનો વેપારી અને એક બેંક મેનેજર સાથે રહેતા—તે હવે ખતમ થઈ ગઈ છે.
૨. *’સર્વિસ લિફ્ટ’ નું અપમાન અને આર્થિક અસ્પૃશ્યતા
આ ગેટેડ કોમ્યુનિટી કલ્ચરે આપણને અજાણતા જ કેટલા સંવેદનહીન બનાવી દીધા છે તેનું સૌથી મોટું ઉદાહરણ છે—*’સર્વિસ લિફ્ટ’. આપણા ઘરમાં કચરા-પોતું કરવા આવતા કામવાળા બહેન, આપણને ગરમાગરમ પિઝા પહોંચાડતો ફૂડ-ડિલિવરી બોય કે આપણું ફર્નિચર બનાવતો સુથાર—આ બધા માટે મોટા બિલ્ડિંગ્સમાં હવે અલગ *’સર્વિસ લિફ્ટ’ હોય છે. કથિત ‘હાઈ-ક્લાસ’ રહીશોને આ મજૂર વર્ગ સાથે એક જ લિફ્ટમાં શ્વાસ લેવામાં પણ સંકોચ થાય છે. આ આધુનિક યુગની નવી *’આર્થિક અસ્પૃશ્યતા’ છે, જેને આપણે *’પ્રોટોકોલ’ અને *’સિક્યુરિટી’ નું રૂપકડું નામ આપી દીધું છે.
૩. સીસીટીવી *(CCTV) ની નજરમાં રમાતું *’પ્લાસ્ટિક’ બાળપણ
ગેટેડ કોમ્યુનિટીનો સૌથી મોટો ભોગ આપણા બાળકો બન્યા છે. બિલ્ડરો જાહેરાતમાં ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ અને કિડ્સ-પ્લે એરિયા બતાવીને ફ્લેટ વેચે છે.
પણ ધ્યાનથી જુઓ, આ બાળકોનું બાળપણ કેટલું યાંત્રિક થઈ ગયું છે! તેઓ ધૂળ કે માટીમાં નથી રમતા, તેઓ સિન્થેટીક રબરના ગ્રાઉન્ડ પર રમે છે. તેઓ શેરીના કૂતરા કે ગાય સાથે મોટા નથી થતા. તેમની દરેક હિલચાલ પર કેમેરાની નજર હોય છે અને મમ્મી-પપ્પા બાલ્કનીમાંથી તેમના પર વોચ રાખે છે. જૂની પોળ કે શેરીમાં રમીને મોટા થયેલા બાળકોમાં જે *’સ્ટ્રીટ સ્માર્ટનેસ’, રફ-એન્ડ-ટફ સ્વભાવ અને સમાજના દરેક વર્ગ સાથે ડીલ કરવાની જે આવડત હતી, તે આજના પ્લે-એરિયામાં રમતા બાળકોમાં સાવ શૂન્ય છે. આપણે તેમને સુરક્ષિત રાખવાના ચક્કરમાં એક *’કાચની પેટી’ માં પૂરી દીધા છે.
૪. વોટ્સએપ ગ્રુપની પંચાયત અને બનાવટી પાડોશી-ધર્મ
એક જ માળ પર ૪ ફ્લેટ હોય છે, પણ વર્ષો સુધી બાજુના ફ્લેટમાં કોણ રહે છે અને શું કામ કરે છે તેની આપણને ખબર નથી હોતી. આપણો પાડોશી-ધર્મ હવે માત્ર લિફ્ટમાં મળીએ ત્યારે અપાતી એક *’ફેક સ્માઈલ’ પૂરતો સીમિત રહી ગયો છે.
તમામ પ્રકારનું સામાજિક જીવન હવે સોસાયટીના *’વોટ્સએપ ગ્રુપ’ માં શિફ્ટ થઈ ગયું છે. આ ગ્રુપોમાં માણસાઈ ઓછી અને નિયમોની લડાઈઓ વધુ ચાલે છે. *”કોણે મારી પાર્કિંગ સ્પેસમાં ગાડી મૂકી?”, *”કોનો કૂતરો લોબીમાં ભસતો હતો?”, *”મેન્ટેનન્સ કેમ નથી ભર્યું?”—આ જ પ્રકારના વિવાદો ચાલ્યા કરે છે. જો સોસાયટીમાં કોઈના ઘરમાં મરણ થઈ જાય, તો આપણે રૂબરૂ જઈને માત્ર બે મિનિટની ફોર્મલિટી નિભાવીને નીકળી જઈએ છીએ. મોટા ભાગના લોકો તો માત્ર વોટ્સએપ ગ્રુપમાં બે હાથ જોડેલું ઈમોજી અને *”RIP” (Rest in Peace) લખીને પોતાની સામાજિક ફરજ પૂરી કરવાનો સંતોષ મેળવી લે છે.
૫. વૃદ્ધોની ગૂંગળામણ: આકાશમાં લટકતી જેલ
શહેરોમાં ઘણાં વર્ટિકલ સલ્મ્સ ઉભા થઇ ગયા છે જેમાં સૌથી ખરાબ હાલત આપણા સિનિયર સિટીઝન્સ – વડીલોની છે.
જ્યારે તેઓ નીચે મકાનમાં રહેતા, ત્યારે પસાર થતા પાંચ લોકોને રામ-રામ કહેતા, મંદિર સુધી ચાલીને જતા અને ઓટલે બેસીને દુનિયા જોતા. આજે તેમને ૧૨મા કે ૧૫મા માળે એક રૂમમાં પૂરી દેવામાં આવ્યા છે. સિક્યુરિટીના ડરથી તેઓ નીચે ગાર્ડનમાં જતા પણ ડરે છે કારણ કે ત્યાં બધું જ *’ઓર્ગેનાઈઝ્ડ’ અને ફોર્મલ હોય છે. આ ગેટેડ કોમ્યુનિટીએ વૃદ્ધોને ડિપ્રેશન (હતાશા) અને ભયાનક એકલતા સિવાય બીજું કંઈ જ નથી આપ્યું.
આપણે શું ગુમાવ્યું તેનું સરવૈયું
આપણે પ્રાઈવસીના નામે એકબીજાથી દૂર ભાગવાની જે રેસ શરૂ કરી છે, તેનું પરિણામ એ આવ્યું છે કે આજે આપણા ઘરમાં કોઈ ઇમરજન્સી આવે, તો દરવાજો ખખડાવી શકાય તેવો એક પણ હકનો પાડોશી આપણી પાસે બચ્યો નથી.
દીવાલો ચણવાથી ક્યારેય સુરક્ષા નથી મળતી. સાચી સુરક્ષા એમાં હતી જ્યારે આપણે ૭ દિવસ માટે તાળું મારીને બહારગામ જતા, અને બાજુવાળા કાકી આપણા તુલસીના ક્યારામાં રોજ પાણી રેડતા અને ઘરનું ધ્યાન રાખતા! આપણે ૮૦ લાખ રૂપિયા આપીને સ્વિમિંગ પૂલ અને ક્લબ હાઉસ તો ખરીદી લીધું, પણ તેની સામે જે *’પાડોશ’ અને *’સમાજ’ વેચી માર્યો, તેનો સોદો આવનારી પેઢીઓ માટે બહુ મોંઘો સાબિત થવાનો છે.
આત્મનિરીક્ષણ: શું આપણે આપણા જ ઘરમાં કેદી બની ગયા છીએ?
> પડોશીને ઓળખો: મહિનામાં એકવાર, કોઈ પણ સ્વાર્થ વગર તમારા ફ્લોર પર કે ઉપર-નીચે રહેતા પડોશીના ઘરે જઈને માત્ર ૧૦ મિનિટ ચા પીવાની આદત પાડો. સંબંધો વોટ્સએપના મેસેજથી નહીં, આમને-સામને બેસવાથી બંધાય છે.
> બાળકોને *’અન-પ્લગ’ કરો: બાળકોને માત્ર ક્લબ હાઉસ કે પ્લે-એરિયા પૂરતા સીમિત ન રાખો. તેમને ક્યારેક શહેરના જાહેર બગીચામાં, જૂના બજારોમાં કે ખુલ્લા મેદાનોમાં લઈ જાવ, જ્યાં તેઓ સમાજની વાસ્તવિકતા અને વિવિધતાને જોઈ શકે.
> નિયમો કરતા માણસાઈને પ્રાધાન્ય આપો: સોસાયટીના મેન્ટેનન્સ અને પાર્કિંગના નિયમો જરૂરી છે, પણ તેને માણસાઈ કરતા ઉપર ન મૂકો. કોઈના ઘરે પ્રસંગ હોય કે બીમારી હોય, ત્યારે ‘રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ’ ની ચોપડી બાજુ પર મૂકીને માનવીય અભિગમ દાખવતા શીખો.
