માતૃત્વનો અદ્રશ્ય થાક : જાપાનમાં ખુલ્યા ક્રાઈંગ કાફે!
રાતના ૩ વાગ્યા છે. આખું શહેર ગાઢ નિદ્રામાં છે, પણ એક ઘરમાં નાનકડો બલ્બ ચાલુ છે. એક યુવાન માતા હાથમાં પોતાના બે મહિનાના બાળકને લઈને રૂમમાં આંટા મારી રહી છે. બાળક સતત રડી રહ્યું છે. તેને ભૂખ નથી લાગી, તેનું પેટ પણ નથી દુખતું, છતાં તે ચૂપ નથી થતું. માતાની આંખો ઉજાગરાથી લાલ થઈ ગઈ છે, કમર ફાટી રહી છે. તે રડતા બાળકને છાતીએ વળગાડીને પોતે પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. તેના મનમાં અપરાધભાવ જન્મે છે કે, “શું હું એક ખરાબ મા છું? હું કેમ મારા બાળકને શાંત નથી કરી શકતી?”
આપણા સમાજે `માતૃત્વ’ને દેવત્વ સરીખું ને આદર્શવાદનું રૂપ આપી દીધું છે કે, કોઈ મા હિમત કરીને એવું બોલી જ નથી શકતી કે, “હું થાકી ગઈ છું, મને થોડીવાર એકલા રહેવું છે!” નવી માતાઓની આ મૂંગી અને અદ્રશ્ય પીડાને સમજવા માટે જાપાને એક અત્યંત સુંદર અને સંવેદનશીલ ઉકેલ શોધ્યો છે – `યો-નાકી કાફે’ (ઢજ્ઞ-ક્ષફસશ ઈફરયત) અથવા `નાઈટ-ટાઈમ ક્રાઇંગ કાફે’. જાપાનીઝ ભાષામાં `યો-નાકી’ નો અર્થ થાય છે `બાળકનું રાત્રે રડવું’. જાપાનના ટોક્યો જેવા મોટા શહેરોમાં રાતના ૧૦ વાગ્યાથી લઈને સવારના ૪ વાગ્યા સુધી આવા ખાસ કાફે ખુલ્લા રહે છે.જ્યારે કોઈ માતા રાત્રે પોતાના બાળકને છાનું રાખીને થાકી જાય, ત્યારે તે પોતાના બાળકને લઈને આ કાફેમાં આવી શકે છે. અહીં અંદર પ્રવેશતા જ તેને કોઈ વિચિત્ર નજરે નથી જોતું. કાફેનો સ્ટાફ (જેમાં મોટેભાગે અનુભવી વૃદ્ધ મહિલાઓ, નર્સો કે મિડવાઈફ હોય છે) હસતા મુખે બાળકને પોતાના હાથમાં લઈ લે છે. માતાને એક આરામદાયક સોફા પર બેસાડવામાં આવે છે. તેને ગરમ કેમોમાઈલ ચા કે હૂંફાળું સૂપ આપવામાં આવે છે.
જો માતા ઈચ્છે તો તે ત્યાંના બેડ પર ૨-૩ કલાક શાંતિથી ઊંઘી શકે છે, પુસ્તક વાંચી શકે છે, અથવા તો સ્ટાફના ખભા પર માથું મૂકીને પોતાના મનની ભડાશ કાઢી શકે છે. આ બે-ત્રણ કલાક દરમિયાન સ્ટાફ એ રડતા બાળકને રમાડે છે, સાચવે છે અને માતાને એવો અહેસાસ કરાવે છે કે, “ચિતા ન કર, તું બહુ જ સારું કામ કરી રહી છે. તારો થાક વ્યાજબી છે.” આટલા શબ્દો કોઈ પણ થાકેલી સ્ત્રી માટે અમૃત સમાન બની જાય છે.આફ્રિકામાં એક બહુ જ પ્રખ્યાત કહેવત છે: એક બાળકને ઉછેરવા માટે આખા ગામની જરૂર પડે છે. આજે એ `ગામ’ મરી ગયું છે. ભારત હોય કે જાપાન, શહેરીકરણના કારણે સંયુક્ત કુટુંબો તૂટી ગયા છે અને ફ્લેટ સંસ્કૃતિમાં ન્યુક્લિયર ફેમિલીઝ આવી ગયા છે. પતિ આખો દિવસ ઓફિસમાં હોય અને પત્ની આખો દિવસ ફ્લેટની ચાર દીવાલો વચ્ચે બાળક સાથે એકલી હોય. બાળક જન્મ્યા પછી સ્ત્રીના શરીરમાં હોર્મોનલ ફેરફારો થાય છે, જેને મેડિકલ ભાષામાં `પોસ્ટપાર્ટમ ડિપ્રેશન’ કહેવાય છે.
એક બાજુ શરીરની પીડા, બીજી બાજુ ઉજાગરા અને ત્રીજી બાજુ સમાજનું પ્રેશર કે “મા બની છે તો ખુશ જ દેખાવી જોઈએ!” આ ગૂંગળામણમાં નવી માતાઓ ધીમે ધીમે એકલતા અને ડિપ્રેશનનો શિકાર બને છે. જાપાનના આ કાફે માત્ર ઊંઘ નથી આપતા, પણ એ છીનવાઈ ગયેલું `ગામ’ (સપોર્ટ સિસ્ટમ) પાછું આપે છે. આપણને થશે કે ભારતમાં આવા કાફેની શું જરૂર છે? આપણી પાસે તો સગાસંબંધીઓ છે.
પહેલાના સમયમાં સ્ત્રીની સુવાવડ `પિયર’ માં થતી. ઘરમાં દાદી, નાની, કાકી કે ફોઈ હોય. બાળક રાત્રે રડે તો વડીલો વારાફરતી તેને રમાડે અને નવી માતાને પૂરતો આરામ મળે. પણ આજે નોકરી અને કરિયરના કારણે હજારો યુવા દંપતીઓ પોતાના વતનથી દૂર બેંગ્લોર, પુણે, મુંબઈ કે અમદાવાદના ફ્લેટ્સમાં એકલા રહે છે. આપણે ભારતમાં ભલે `યો-નાકી કાફે’ ન બનાવીએ, પણ આપણે આપણા ઘરમાં એક `યો-નાકી વાતાવરણ’ ચોક્કસ ઊભું કરી શકીએ છીએ.
જો તમારા ઘરમાં કોઈ નવી માતા હોય, તો તેને પૂછો કે તેને શું જોઈએ છે. રવિવારે પતિઓ પોતાના હાથમાં બાળકની જવાબદારી લઈને પત્નીને કહી શકે છે કે, “આજે તું રૂમ બંધ કરીને ૪ કલાક તૂટીને ઊંઘી લે, હું બધું સંભાળી લઈશ.” બાળકને ઉછેરવાની જવાબદારી માત્ર સ્ત્રીની નથી.માતૃત્વ એ દુનિયાની સૌથી સુંદર લાગણી છે, પણ તે થકવી નાખનારી પણ છે. એક સ્ત્રીને માતા બનવા પર અભિનંદન આપવાની સાથે સાથે, ક્યારેક તેના ખભા પર હાથ મૂકીને માત્ર એટલું કહેવાની જરૂર છે કે, “તને થાક લાગતો હશે ને? તું થોડીવાર આરામ કરી લે.” કારણ કે માતૃત્વ ભલે ઈશ્વરીય હોય, પણ મા આખરે તો એક માણસ જ છે!
