અતિ ઘાતક ગરમીમાંથી છૂટકારો મળશે: હવામાન ખાતાની રાહતરૂપ આગાહી
કેરળના કાંઠે ચોમાસાના ટકોરા
બે-ત્રણ દિવસમાં જ કેરળમાં દક્ષિણ પશ્ચિમ મોન્સૂનનું આગમન થવાના ઉજળા સંજોગો
દેશભરમાં ભયાનક બનેલી ગરમીને પગલે હવે દેશને ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની રાહ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા એક ખૂબ જ રાહતભરી આગાહી કરવામાં આવી છે. તાજા અહેવાલમાં એમ જાહેર કરવામાં આવ્યું છે કે મોન્સૂનની પ્રગતિ માટે અનુકૂળ સ્થિતિ બની રહી છે અને આગામી બે-ત્રણ દિવસમાં જ કેરળમાં દક્ષિણ પશ્ચિમ મોન્સૂન સત્તાવાર રીતે પ્રવેશ કરી શકે છે. હવામાન વિભાગે અહેવાલમાં એમ પણ કહ્યું છે કે પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ, દક્ષિણ ભારતમાં મૂશળધાર વરસાદ અને ઉત્તર-પશ્ચિમ તથા મધ્ય ભારતમાં બેકાબૂ આંધી-તોફાન ચાલુ રહેવાની સંભાવના સેવાઇ રહી છે. કેટલાક રાજ્યોમાં ૭૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી હવા ચાલી શકે છે. આઇએમડીના જણાવ્યા મુજબ કેરળના કાંઠે ચોમાસાના ટકોરાને પગલે પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના અનેક ક્ષેત્રોમાં વરસાદની ગતિવિધિ દેખાઇ રહી છે. મોન્સૂનના આગમન સાથે કેરળ અને લક્ષદ્વીપમાં ૧ થી ૫ જૂન વચ્ચે અધિક વરસાદ પડવાની સંભાવના છે. અરબી સમુદ્ર અને દક્ષિણ ભારતના કાંઠાળ વિસ્તારોમાં હવામાન એટલે કે ચોમાસાના આગમનની પરિસ્થિતિ મજબૂત બની ગઇ છે. ૩ થી ૭ જૂન વચ્ચે અનેક ભાગોમાં અતિભારે વરસાદની પણ સંભાવના છે.
અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના અહેવાલ મુજબ દક્ષિણ ભારત, પૂર્વોત્તર ભારત તેમજ પૂર્વ અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આંધી-તોફાન આવી શકે છે. તમિલનાડુ, પુડ્ડુચેરી, તેલંગાણા, આંધ્રના તટીય વિસ્તાર, કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં વીજળીની ગર્જના સાથે વરસાદનો દોર શરૂ થઇ શકે છે. અહીં ૪૦ થી ૫૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૩ જૂન પછી તાપમાન ઘટશે
મોન્સૂનના પ્રવેશના સંકેત સાથે જ અનેક વિસ્તારોમાં હવામાન બદલાઇ રહ્યું છે ત્યારે હવામાન ખાતાએ એવી માહિતી પણ આપી છે કે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી સપ્તાહે વરસાદની ગતિવિધિ વધી શકે છે. આ સ્થિતિમાં ગુજરાતમાં ૩ જૂન બાદ તાપમાનમાં ઘટાડાની શરૂઆત થઇ શકે છે અને મહારાષ્ટ્રમાં પણ આવી જ પરિસ્થિતિ રહેવાની સંભાવના છે.
