ATS અને વલસાડ SOGએ બે કિલોથી વધુના એમડી ડ્રગ્સ સાથે બે શખસો ઝડપ્યા
આરોપીઓએ પાંચ- છ મહિનાથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટફરી તૈયાર કરતાં હતા
ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની સંયુક્ત ટીમે એક મોટી કાર્યવાહી કરતા વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સરીગામ ગામમાં આવેલા એક ભંગારના ગોડાઉન પર દરોડો પાડ્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે ૨.૩૭૭ કિલોગ્રામ મેફેડ્રોન (ખઉ ડ્રગ્સ) જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિમત રૂા.૬ કરોડથી રૂા.૭ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. આ મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.
ATSના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (Dy.SP) એસ.એલ. ચૌધરીને ચોક્કસ માહિતી મળી હતી કે રાજેશ મૌર્ય અને તેના સાથીદારો અબ્દુલ કલામ તેમજ મેહુલકુમાર મકવાણા સરીગામ સ્થિત ભંગારના ગોડાઉનમાંથી પ્રતિબંધિત સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ડ્રગ્સ વિરોધી ‘ઝીરો-ટોલરન્સ’ નીતિના ભાગરૂપે આ માહિતી ૨૫ મેના રોજ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી.
એટીએસ અને વલસાડ એસઓજીની ટીમે ભંગારના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન ૨.૩૭૭ કિલોગ્રામ તૈયાર મેફેડ્રોન ઉપરાંત ૦.૬૫૮ કિલોગ્રામ શંકાસ્પદ કેમિકલ પણ મળી આવ્યું હતું. આ એ જ કેમિકલ છે જેને તાજેતરમાં ૧૧ માર્ચ, ૨૦૨૬થી NDPS એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થ (Controlled Substance) તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
ATS એસપી કે.કે. પટેલે જણાવ્યું કે, “જપ્ત કરાયેલા કાચા માલમાંથી હજુ પણ ૫૦૦ થી ૬૦૦ ગ્રામ જેટલું વધારાનું મેફેડ્રોન બનાવી શકાય તેમ હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ છેલ્લા પાંચ-છ મહિનાથી આ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા અને તાજેતરમાં જ તેમણે ઉત્પાદન શરૂ કર્યું હતું.”
પોલીસે અબ્દુલ કલામ (ઉંમર ૩૬) મૂળ ઉત્તર પ્રદેશના બલરામપુરનો વતની અને હાલ નાની દમણમાં રહેતો વેપારી અને મેહુલકુમાર મકવાણા (ઉંમર ૪૫) મૂળ સુરેન્દ્રનગરના વઢવાણનો વતની અને હાલ વાપીમાં રહેતો, બંનેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી રાજેશ મૌર્ય હાલ ફરાર છે અને તેની શોધખોળ શરૂ છે. રાજેશ અને અબ્દુલ કલામ અલગ-અલગ જગ્યાએથી કાચો માલ લાવીને પ્રોસેસ કરતા હતા. હાલ પોલીસે પકડાયેલ બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ડ્રગ્સ ક્યાંય સપ્લાય કરવામાં આવ્યું હતું કે નહીં, ગોડાઉન કોનું છે અને આ લોકોને કેમિકલ બનાવવાનું ટેકનિકલ જ્ઞાન ક્યાંથી મળ્યું તે અંગે આરોપીઓની પૂછપરછ ચાલુ છે. મુખ્ય સૂત્રધાર રાજેશ મૌર્યને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કરાયા છે.
