વાસી સમોસા, મસાલો, કાપેલા પપૈયા ગંદકીયુક્ત જગ્યામાં રાખવામાં આવ્યા હતા: એક્સપાયર થયેલી નાનખટાઇ તેમજ ખારી સીંગનો જથ્થો પણ મળ્યો
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ૧૫૦ ફૂટ રિંગરોડ પર સદ્ગુરુ પાર્કમાં આવેલા જૈન સ્વિટ-નમકીન એન્ડ સ્નેકમાં દરોડો પાડી તપાસ કરતાં ત્યાંથી ૩૧ કિલો વાસી અને અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. સત્યસાંઈ રોડ પર રાધે ડેરી એન્ડ સ્વિટમાં તપાસ કરાતાં ત્યાંથી પણ ૩૨ કિલો એક્સપાયર્ડ જથ્થો મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરી બન્ને પેઢીને નોટિસ અપાઈ હતી.
જૈન સ્વિટ-નમકીન એન્ડ સ્નેક્સમાંથી ફરસાણ બનાવવા માટેનો વાસી લોટ, પડતર વાસી સમોસા, સમોસાનો વાસી મસાલો, કાપેલા પપૈયા ગંદકીયુક્ત જગ્યા ઉપર રાખવામાં આવ્યા હતા. અહીંથી ૩૧ કિલો અખાદ્ય જથ્થો ફેંકી દેવાયો હતો. જ્યારે રાધે ડેરી એન્ડ સ્વિટમાંથી નાનખટાઈ, ટોસ્ટ, ખારી સીંગ, ભાખરી, ચકરી, ખાખરા, ફરસાણના પેકિંગના લેબલ તપાસતા તમામ પેકિંગ ઉપર એક્સપાયરી ડેટ વીતી જવા પામી હોવાનું ધ્યાન પર આવતા આ પ્રકારનો ૩૨ કિલોના જથ્થાનો નાશ કરાયો હતો. ફૂડ શાખાએ જૈન સ્વિટમાંથી પપૈયાનો સંભારો, ભક્તિનગર સ્ટેશન પ્લોટ પર આત્મીય એન્ટરપ્રાઈઝમાંથી વાડીલાલ ચોપાટી કુલ્ફી આઈસ્ક્રીમ અને વાડીલાલ બડાભાઈટ આઈસ્ક્રીમ રેડ વેલ્વેટના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
