રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
તાપમાનનો પારો ૪૨.૪ ડિગ્રીએ પહોંચ્યો: અમરેલી, સુરેન્દ્રનગર, કેશોદ પણ ધગધગ્યા: હજુ સાત દિવસ વાતાવરણ આવું જ રહેશે
છેલ્લા ઘણા દિવસથી રાજકોટમાં તાપમાનનો પારો હાલક-ડોલક થયા બાદ સોમવારે શહેરનું તાપમાન સડસડાટ ઉપર ચડી જતાં રાજકોટ ગુજરાતનું સૌથી `ગરમ’ શહેર બન્યું હતું. સોમવારે રાજકોટમાં તાપમાન ૪૨.૫ ડિગ્રીએ પહોંચી જતાં લોકો રીતસરના શેકાયા હતા. હજુ સાત દિવસ આ જ પ્રકારે વાતાવરણ રહેવાની આગાહી હવામાન ખાતા વિભાગ દ્વારા કરવામાં આવી હોય લોકોએ કામ વગર બહાર ન નીકળવું જ હિતાવહ રહેશે.
સોમવારે રાજકોટનું તાપમાન ૪૨.૪ ડિગ્રી નોંધાયું હતું જે ગુજરાતમાં સૌથી વધુ હતું. આ ઉપરાંત અમરેલીમાં ૪૧.૭ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૧.૫ ડિગ્રી, કેશોદમાં ૪૦.૬ ડિગ્રી, અમદાવાદમાં ૪૧, સુરતમાં ૩૭.૮, વડોદરામાં ૪૧.૪, ભાવનગરમાં ૩૮.૭, દ્વારકામાં ૩૧, ઓખામાં ૩૩.૧, પોરબંદરમાં ૩૮.૨, વેરાવળમાં ૩૧.૨, દિવમાં ૩૬, મહુવામાં ૩૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવાયા પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાતમાં ગરમ અને ભેજયુક્ત હવા અનુભવાશે સાથે સાથે લૂના થપાટા પણ લાગે તેવી શક્યતા છે. કચ્છમાં આજે મંગળવારે હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે.
