આ વખતે ચિત્રા નક્ષત્રમાં ઉજવાશે ‘હનુમાન જન્મોત્સવ’: ભાવિકો દ્વારા તડામાર તૈયારીઓ, આ રીતે પૂજા કરવાથી બજરંગ બલી થશે પ્રસન્ન
આગામી ગુરૂવાર તા. 2 એપ્રિલ ના રોજ ચૈત્ર સુદ પુનમ સાથે હનુમાન જન્મોત્સવનાં વધામણાં થશે. હનુમાનજી મહારાજનો આ દિવસે સવારે હસ્ત નક્ષત્ર સાંજે 5.37 સુધી છે. ત્યારબાદ ચિત્રા નક્ષત્ર છે. હસ્ત અને ચિત્રા બંને નક્ષત્રમાં હનુમાન જયંતિ ઉત્તમ ગણવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે હનુમાનજીનો જન્મ પણ ચિત્રા નક્ષત્રમાં થયેલ આથી આ વર્ષે પણ સાંજ થી ચિત્રા નક્ષત્ર છે. આથી હનુમાન જયંતિ વધારે ઉત્તમ ગણાશે.
હનુમાનજી દાદા સપ્તચિરંજીવીમાં એક છે. આથી પૃથ્વી ઉપર હંમેશા હાજર હોય છે. ખાસ કરીને જ્યાં રામકથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજરી આપે છે. કળિયુગમાં હનુમાનજી તેના ભક્તોની પીડા તુરંત દૂર કરે છે. હનુમાનજીની ઉપાસનાથી જીવનની બધીજ બીમારી દુર થાય છે તથા ખાસ કરીને આ ઘોર કળિયુગમાં હનુમાનજીની પુજા ઉપાસનાથી જીવનની બધીજ પીડાઓ દુર થાય છે. શનિની નાની- મોટી પનોતીની પીડા પણ દુર થાય છે. રાહુ પીડા પણ દુર થાય છે.
હનુમાનજી ને પૂજામાં એવી વિશેષતા એ છે કે જે કોઈ મનુષ્ય હનુમાનજી પાસે જાય છે તેને તે ભગવાન પાસે ભગવાનની નજીક પહોંચાડે છે અને હનુમાનજી પોતે તેની રક્ષા કરે છે …નાસે રોગ હૈરે સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા …આ હનુમાન ચાલીસા ની ચોપાઈ છે હનુમાનજીની પૂજા ઉપાસના કરવાથી હનુમાન ચાલીસા ના જપ કરવાથી બધી જ બીમારીઓ રોગ અને મુસીબત દૂર થાય છે
આ દિવસે બટુક ભોજન કરાવવાનુ પણ ખાસ મહત્વ
નાના બાળકોનુ મન એકદમ ભોળું હોય છે અને ભોળા લોકોને ભગવાન તુરંત પ્રસન્ન થાય છે આથી જ બાળકોને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે આથી આ દિવસે બટુક ભોજન કરાવવાથી હનુમાનજી તુરંત પ્રસન્ન થાય છે.
હનુમાનજીની પૂજા કેવી રીતે કરવી…?
હનુમાનજયંતિના દિવસે ભાઈઓએ બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી ઘઉંની ઢગલી કરી તેના ઉપર હનુમાનજીની છબી રાખવી. બાજુમાં સરસવના તેલનો ફૂલ વાટનો દિવો કરવો, ગણપતિ દાદા, શ્રીરામચંદ્ર ભગવાનનું નામ લઈ અને હનુમાનજીને ચંદનનો ચાંદલો કરવો. પોતે પણ ચાંદલો ચોખા કરવા. ત્યારબાદ 7, 11, 21 કે 108 હનુમાન ચાલીસાના પાઠ અથવા સુંદરકાંડનો પાઠ કરવો. ઉપરાંત ૐ નમો હનુમંતે ભયભંજનનાય સુખકુરૂ ફટ સ્વાહ મંત્રનો જાપ પણ કરી શકાય. હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ બહેનો પણ કરી શકે છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને સુખડી નૈવેદ્ય ઘરવું ઉત્તમ છે. હનુમાનજીને અડદના 21 દાણા ચડાવા, સરસવનું તેલ ચડાવવું પણ ઉત્તમ અને પીડાનાશક છે. હનુમાનજીને નિવેદ્યમાં સુખડી, લાડવા ઉપરાંત ફળફળાદી ઘરવા પણ ઉત્તમ છે. આંકડાની માળા, લવિંગ, તુલસીની માળા આ બધું હનુમાનજીને પ્રિય છે હનુમાનજીની પૂજા કરવા બેસો ત્યારે ખાસ કરીને લાલ અથવા કેસરી વસ્ત્રો પહેરવા પણ ઉત્તમ ગણાય છે
સંકલન: શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)
