ધો.10-12 બોર્ડની ઉત્તરવહીની ચકાસણી આવતીકાલથી શરૂ: રાજકોટમાં 26 મૂલ્યાંકન કેન્દ્રો સહિત રાજ્યમાં કુલ 454 પર પેપર થશે ચેક
ધો.10-12 બોર્ડની પરીક્ષા પુરી થતાં આવતીકાલથી ઉત્તરવહી તપાસવાની કામગીરી શરૂ થશે.બોર્ડ દ્વારા રાજ્યનાં 454 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત હેઠળ ઉત્તરવહીઓ રાખવામાં આવી છે. રાજકોટમાં કુલ 26 મૂલ્યાંકન કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. રાજકોટમાં ધોરણ 10 માટે 10,ધો.12 સામાન્ય પ્રવાહ માટે 12 અને વિજ્ઞાન પ્રવાહ માટે ચાર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ફાળવ્યા છે.
મૂલ્યાંકનની કામગીરી માટે શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં 454 કરતા વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ મૂલ્યાંકન કેન્દ્રો પર 30 મુખ્ય વિષયો અને 89 માઈનોર વિષય મળી કુલ 119 વિષયોની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ માટે રાજ્યમાંથી 75821 શિક્ષકોને મૂલ્યાંકન કામગીરી માટેના ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવ્યા છે. ધો.10ની પરીક્ષા માટે રાજ્યમાં 213 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. આ મૂલ્યાંકન કેન્દ્રો પર 36962 શિક્ષકો દ્વારા 9 મુખ્ય વિષયો અને 28 માઈનોર વિષયો મળી કુલ 37 વિષયોની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવશે.
આ ઉપરાંત ધો.12 સામાન્ય પ્રવાહમાં 172 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. સામાન્ય પ્રવાહની ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાજ્યના 29804 શિક્ષકોને ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવ્યા છે. આ શિક્ષકો દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહના 15 મુખ્ય વિષય અને 48 માઈનોર વિષય મળી કુલ 63 વિષયોની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. જ્યારે ધો.12 સાયન્સમાં 69 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં રાજ્યના 9055 શિક્ષકો દ્વારા 6 મુખ્ય વિષય અને 13 માઈનોર વિષય મળી કુલ 19 વિષયોની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવશે.
