બાટલાના સંગ્રહખોરો પર તંત્રની તવાઈ! રાજકોટ, લોધીકા, મેટોડા, ગોંડલ, કોટડા સાંગાણીમાં દરોડા: 110 સિલિન્ડર કબજે
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધને કારણે ભારતમાં ગેસની સપ્લાયને અસર પહોંચ્યાના દાવા વચ્ચે લોકો દ્વારા ધડાધડ ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવામાં આવી રહ્યું હોય વેઈટિંગની સંખ્યા હજારોને પાર થવા પામી છે. બીજી બાજુ સંગ્રહખોરો દ્વારા મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરવામાં આવી રહ્યાનું ધ્યાન પર આવતાં જ જિલ્લા કલેક્ટર તંત્ર તેમજ જિલ્લા પૂરવઠા વિભાગ દ્વારા એક બાદ એક દરોડા પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રાજકોટ ઉપરાંત લોધીકા, મેટોડા, ગોંડલ શહેર-તાલુકા, કોટડા સાંગાણી, ઉપલેટા, ધોરાજી, જેતપુર સહિતના સ્થળે દરોડા પાડી ગેરકાયદેસર રીતે રાખેલા 110 સિલિન્ડર કબજે કરી સીઝ કરવામાં આવ્યા હતા.

ગોંડલના બિલિયાળામાં 15 નંગ ભરેલા અને 10 નંગ ખાલી સિલિન્ડર તો ગોંડલ શહેરમાં 38 સિલિન્ડર કબજે કરવામાં આવ્યા હતા. આ જ પ્રમાણે મેટોડાના પરિશ્રમ રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવતાં 10 નંગ સિલિન્ડર મળી આવતાં તેને સીઝ કરવામાં આવ્યા હતા. જ્યારે કોટડા સાંગાણીના પડવલા ગામે 1 નંગ, રામોદ ગામે ઘરમાંથી 31 નંગ ઘરેલુ સિલિન્ડર મળી આવ્યા હતા.

બીજી બાજુ એજન્સી દ્વારા પણ કોઈ પ્રકારની ગેરરીતિ આચરવામાં ન આવે તે માટે ત્યાં પણ ચેકિંગ કરી પોલીસ, મામલતદાર સહિતનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એકંદરે જિલ્લા કલેક્ટર દ્વારા મામલતદારની આગેવાનીમાં 50 ટીમ બનાવી એક સાથે ચેકિંગ કરવા આદેશ અપાતાં જ ઠેર-ઠેર ટીમ ત્રાટકી હતી.
