આગેવાને કહ્યું તમને અમથા ત્યાં નથી મુકાવેલા,આપણા વધુ કેમ નથી લેતા! નેતા તો ભારે પહોંચેલા,પોતાના પક્ષના નેતાઓની ‘ચોટલી’ પણ હાથમાં રાખે!
ક્યાંક ક્યાંક કે સારા ક્રીમ પોસ્ટિંગમાં પણ સામાજિક વજન કે જેકના જોરે સારી જ્યા મળી જાય છે. સમાજના મુખિયાને એવું હોય કે આપણાને બેસાડીએ એટલે આપણા વધુ રાખે કે આપણાનું સારૂ-નરસુ ગમે તેવું કામ હોય એ સરળતાથી પાર પડી શકે. પોલીસ બેડામાં આ જેકનો વધુ (સદ્) ઉપયોગ થતો રહેતો હોવાની છાપ છે. રાજકોટના છેવાડે કે આવા કોઈ સ્થળે એક બેઠક અધિકારીગણ અને સમાજના ભોમી, અગ્રણીઓની મળી હતી કે ભેગા થઈ ગયા હશે ત્યાં હાજર એક અધિકારીને ભાઈએ કહ્યું કે, તમને અમથા ત્યાં નથી મુકાવ્યા, આપણાને કેમ વધુ નથી લેતા. આવા કંઈક શબ્દો ભલે પ્રેમથક્ષ કહ્યા હશે કે કહેવાયા હોય પરંતુ એ અધિકારી તો થોડીવાર અચંબિત થઈ ગયા હશે કે ભાઈને કોણ સમજાવે કે આ કાંઈ સમાજનું સંગંન નથી કે આપણાના જ ઓર્ડર સાહેબ પાસે કરાવ્યે રાખું. મારે પણ જોવું પડે ઉપરી સાહેબને પણ જે જોઈતું હોય કે ખૂરશી છે તો આપણે પણ કામ તો બતાવવા (ઉતારવા) પડે ને અને એ માટે આપણા કરતા અન્ય બે-ત્રણ સમાજ (કાંટીયાવરણ) વધુ બજબૂત હોય છે.
તેઓ કહ્યે એ કરી આવે કે માંગીએ એટલો ટાર્ગેટ (કામનો જ હશે) પુરો કરી આપે એટલી હિંમત આપણા ન કરી શકે અને જો કામ કરવા જાય તો વધેરાય પણ જાય એવું ભાઈને કોણ સમજાવે, આ તો માથું ફોડીને લોહી કાઢવાની વાત જેવું ચે અને કામ માટે આપણાને વધુ પ્રેશર કરૂં તો પાછા ફરિયાદ પણ ભાઈ પાસે જશે કે આ તો તમે મુકાવેલ છે એ આપણાને લે તો છે પણ કામ માટે દબાવે, દબડાવે કે દોડાવે પણ એટલા છે. બીજાને કડવા વેણ કહે અને માથે હાથ પણ રહે ે તમને અમથા નથી લીધા કે મુકાવ્યા આટલું કીધું પણ નથી થાતું. રિપોર્ટ કરીને પાછા હતા ત્યાં ને ત્યાં કરવા પડશે. જો આવું આપણાને કહું તો ફરી દોડીને ભાઈ પાસે કે તેમના કાન સુધી વાત પહોંચાડે કે આપણા છે છતાં આપણાને જ દબાવે છે. ભાઈને કોણ સમજાવે કે જે કરવાનું છે તે કરાવવાનું છે એ બીજાના હાથે કરાવું અને કંઈ થાય તો એમને થઈ પડે. આમાં આપણાને હોળીનું નાળિયેર ન કરાય અને સાહેબના પણ સાચવવા તો મારે જ પડે ને. ભાઈને નજર કેમ નહીં પડતી હોય કે ભલે નાના, બીજાના લીધા મોટા કે મેઈન જગ્યાઓ પર તો આપણને જે બેસાડાવ્યા છે આવી કાનાફૂસી ચાલતી હશે !
નેતા તો ભારે પહોંચેલા: કોંગ્રેસ-આપ તો ઠીક પોતાના પક્ષના નેતાઓની `ચોટલી’ પણ હાથમાં રાખે છે !!
મહાપાલિકાની ચૂંટણીની તારીખ હજુ જાહેર થઈ નથી પરંતુ 11 માર્ચથી ચૂંટાયેલા તમામ કોર્પોરેટર `ભૂતપૂર્વ’ બની ગયા છે. અમુકે તો આગલી ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે તો અમુક વિલા મોઢે `આ વખતે આપણું ભેગું થાય એવું લાગતું નથી’ એવું પણ કહી રહ્યા છે. આ બધાની વચ્ચે ભાજપના એક નેતા કે જેઓ વારંવાર પોતે ચૂંટણી લડવા માટે ઈચ્છુક નથી અને પક્ષ કહેશે તો લડીશું તેવી વાતો કરતા થાકી રહ્યા નથી. જો કે આ નેતામાં એક `ખૂબી’ પણ રહેલી છે અને તે છે વિપક્ષ તેમજ પોતાના પક્ષની દુ:ખતી નસ પકડવાની ! આ નેતા એટલા પહોંચેલા છે કે તેની પાસે જ્યારે અન્ય નેતા કે બીજી કોઈ વ્યક્તિ જઈને બેસે અને કહે કે કોંગ્રેસના ફલાણા નેતાએ ભાજપ વિરુદ્ધ નિવેદન આપ્યું કે વિરોધ કર્યો અથવા તો આમ આદમી પાર્ટીએ ઢીકણી જગ્યાએ કોઈ કાર્યક્રમ કર્યો તો ફટાક દઈને આ નેતા વિપક્ષના લોકો અને ખાસ કરીને કાર્યક્રમમાં સામેલ થનારા નેતાઓ કાર્યકરોની `કુંડળી’ ખોલી નાખે છે અને કહે છે કે `આ લોકોએ ક્યાં ક્યાં ગેરકાયદેસર દબાણ કર્યા છે, ક્યાં ક્યાં ઓરડીઓ બનાવીને જમીન વાળી લીધી છે તે બધી મને ખબર છે, કોના શું ધંધા ચાલે છે તે હું જાણું છું.’ આ તો થઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વાત પરંતુ નેતા પોતે પોતાના પક્ષના `નડતર’ લોકોની ચોટલી પણ હાથમાં રાખે છે અને જરૂર પડ્યે તેમણે પાંચ વર્ષ દરમિયાન અનેકવાર આ ચોટલી ખેંચી પણ હોવાની `કાનાફૂસી’ રાજકારણ સાથે બહુ નજીકથી જોડાયેલા લોકોમાં સાંભળવા મળી હતી.
ગુનેગારોને નકરા માર્યા જ ન કરો, હાથ ફેરવી વિગતો પણ કઢાવો: `નવા’ અધિકારીનો સ્ટાફને `મેસેજ’: તાત્કાલિક સોફ્ટવેર પણ અપડેટ કરાવ્યા
9 માર્ચે રાજકોટના રેન્જના ડીઆઈજી તરીકે નિર્લિપ્ત રાય અને શહેરના અધિક પોલીસ કમિશનર તરીકે ચૈતન્ય માંડલિકે પોતપોતાના ચાર્જ ગ્રહણ કરી લીધા હતા. આ પછી રાબેતા મુજબ પોલીસ અધિકારીઓ સાથે બેઠકનો ધમધમાટ પણ ચાલ્યો હતો. નિર્લિપ્ત રાયે એક બાદ એક જિલ્લાની મુલાકાત લઈ ત્યાંના એસપી સહિતના સાથે બેઠક કરી હતી. જ્યારે ચૈતન્ય માંડલિકે ડીસીપી ક્રાઈમ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સહિતના સાથે રાજકોટના ક્રાઈમ મુદ્દે મહત્ત્વની ચર્ચાઓ કરી હતી. એક બેઠકમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજાનું વેચાણ, મારામારી, ચોરી, લૂંટ સહિતના ગુનાઓ આચરનારને નકરા માર્યા જ કરવાની જગ્યાએ હાથ ફેરવી તેની પાસેથી વિગતો કઢાવી મુળ સુધી પહોંચવામાં આવશે તો જ ડિટેક્શન કર્યું ગણાશે. પોલીસ શું છે તેનો અહેસાસ તો કરાવવો જ જોઈએ પરંતુ સાથે સાથે ઉંડાણપૂર્વક તપાસ પણ એટલી જરૂરી બની જતી હોવાથી તે દિશામાં પણ પૂરતું ધ્યાન કેન્દ્રીત કરજો. આ ઉપરાંત ટેક્નોસેવી ગણાતાં ચૈતન્ય માંડલિકે પોલીસ વિભાગમાં કયા કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે તેની વિગતો જાણી જરૂર હોય તે તમામ સોફ્ટવેર અપડેટ અને ચાલુ પણ કરાવ્યા હતા. આ બધાની વચ્ચે તેમણે એક અધિકારી કે જેઓ હાલ રાજકોટમાં જ કાર્યરત છે તેમની અટક સાથે સંબોધન કરી `વો કહાં હૈ’ તેવું પૂછતાં હાજર સૌ કોઈ સ્તબ્ધ પણ થઈ ગયા હતા !
ચૂંટણી આવે એટલે મકાન રિપેર કરવા-બનાવવાની `મુરાદ’ આ વખતે પૂરી નહીં થાય !
મહાપાલિકાની ચૂંટણીના પડઘમ ટૂંક સમયમાં વાગવાના છે ત્યારે તેમાં વિજેતા બની શાસનની ધૂરા સંભાળવા માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો કમર કસી રહ્યા છે સાથે સાથે આ ચૂંટણી જેમણે સાંગોપાંગ યોજવાની છે તે મહાપાલિકાના અધિકારીઓ ચૂંટણીની સાથે જ અન્ય વ્યક્તિગત કામ ચૂંટણી થકી પૂર્ણ કરવાની વેંતરણમાં લાગી ગયા છે. જો કે આ વખતની ચૂંટણીમાં તેમને ઝટકો જરૂર લાગશે તે પણ નિશ્ચિત છે. મહાપાલિકાની ચૂંટણી પાછળ પાંચ કરોડથી વધુ ખર્ચ થતો હોય છે અને તેનું કોઈ જ ઓડિટ પણ થતું હોતું ન હોવાથી અનેક `ચાલાક’ અધિકારી-કર્મચારીઓ એક વસ્તુ આવી હોવા છતાં કાગળ ઉપર દસ દર્શાવી દેવાની `કારીગરી’ જાણતાં હોય દર પાંચ વર્ષે આવા અધિકારીઓ-કર્મચારીઓનું મકાન રિપેર કરવા અથવા તો નવેસરથી બનાવવાનો સિલસિલો ચાલ્યો આવતો હતો. જો કે આ ચૂંટણીમાં ખર્ચની સઘળી જવાબદારી રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરના માથે નાખી દેવામાં આવી છે ત્યારે થયેલો ખર્ચ ખરેખર વાસ્તવિક્ કરવામાં આવ્યો જ છે તેનું ફિલ્ટરેશન પણ થશે સાથે સાથે આડેધડ થનારા ખર્ચ ઉપર પણ કાપ આવશે.
દબાયેલી સ્પ્રિંગ જોરદાર ઉછળવાની છે, તૈયાર રહેજો !!
11 માર્ચે મહાપાલિકાના શાસકોની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પાછલા બે વર્ષથી શાસકો દ્વારા પાણી, મિલકત સહિતના વેરા વધારવાનું ટાળ્યું હતું. 2025ના બજેટમાં શાસકોને એમ હતું કે2026ના જાન્યુઆરી માસમાં મહાપાલિકાની ચૂંટણી આવી રહી હોય જો વેરાવધારો કરવામાં આવશે તો તેની અસર ચૂંટણી ઉપર પડી શકે છે એટલા માટે એ સમયે તેમણે વેરો વધાર્યો ન્હોતો. જો કે ચૂંટણી પાછી ઠેલાઈ જતાં 2026નું બજેટ પણ રજૂ કરવું પડ્યું હતું તેમાં પણ કમિશનર દ્વારા વેરા વધારો સુચવવામાં આવ્યો હતો જેને કલમના એક ઝાટકે ફગાવી દેવાયા બાદ હવે નવી ઘોડી, નવો દાવની માફક મે મહિનામાં નવી બોડી શાસન સંભાળશે ત્યારે તેના દ્વારા આગામી વર્ષે બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે પાણી, મિલકત સહિતનો વેરો વધશે તે નિશ્ચિત બની જવા પામ્યું છે. એકંદરે બે વર્ષથી દબાયેલી સ્પ્રિંગ હવે જબરદસ્ત ઉછળવાની છે એટલા માટે રાજકોટીયન્સે પણ આ માટે તૈયાર જ રહેવું પડશે તે નિશ્ચિત બની ગયું છે. હવે આ સ્પ્રિંગ કેટલી ઉછળે છે તે તો આવનારો સમય અને શાસનધુરા સંભાળનારા શાસકો જ જણાવી શકશે પરંતુ `ડામ’ આવશે તે વાત પાક્કી છે.
