શેરબજારમાં યુદ્ધની અસર: સેન્સેક્સમાં મોટો કડાકો, 1470 પોઈન્ટ તૂટીને બંધ, રોકાણકારોના વધુ 10 લાખ કરોડ ધોવાયા
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શેરબજારમાં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો નોંધાયોહતો. સેન્સેક્સ 1470 પોઈન્ટ ઘટીને 74,563.92 પર બંધ થયો, જયારે નિફ્ટી પણ 488.05 પોઈન્ટ ઘટીને 23,151.10 પર બંધ થયો. એ નોંધવું જોઈએ કે ગુરુવારે બજારમાં પણ 1% ઘટાડો નોંધાયો હતો. બજારમાં વેચવાલીથી BSE-લિસ્ટેડ તમામ કંપનીઓના કુલ બજાર મૂડીમાંથી લગભગ ₹10 લાખ કરોડ સાફ થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી બજારમાં મોટો કડાકો બોલી રહ્યો છે.
શુક્રવારે, સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર બે શેરો વધારા સાથે લીલા રંગમાં બંધ થયા, જ્યારે બાકીના 28 શેરો નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા. તેવી જ રીતે, નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર ત્રણ શેરો વધારા સાથે લીલા રંગમાં બંધ થયા જ્યારે બાકીના 47 શેરો નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા. સેન્સેક્સના શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર સૌથી વધુ 1.15 ટકાના વધારા સાથે બંધ થયો, જ્યારે L&T સૌથી વધુ 7.38 ટકાના ઘટાડા સાથે બંધ થયો.
શેરબજારમાં મંદીથી તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ તૂટ્યા છે. જેમા સૌથી વધુ કેપિટલ ગુડ્સ 2084 પોઇન્ટ, મેટલ ઇન્ડેક્સ 1889 પોઇન્ટ, ઓટો ઇન્ડેક્સ 1820, બેંકેક્સ 1513 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1331 પોઇન્ટ તૂટ્યા છે. તો બેંક નિફ્ટી 1343 પોઇન્ટ ઘટ્યો હતો.
શેરબજારમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. શુક્રવારે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 430.00 લાખ કરોડ રૂપિયા રહી હતી, જે ગઇકાલ ગુરુવારે 440.15 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ એક જ દિવસમાં રોકાણકારોને અધધધ… 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
