ભાજપ નેતાનો ધ્રુજારો: આ તો હાઇ કમાન્ડે સહન’ કરી લેવા કહ્યું છે બાકી હરિફો વિરુદ્ધ મસાલો’ મેં પણ તૈયાર કર્યો છે, સમયની જ રાહ જોઉં છું !
રાજકોટ મહાપાલિકાના શાસકો હવે ત્રણ દિવસ બાદ એટલે કે બુધવારે સાંજે ૬ વાગ્યાથી `ભૂતપૂર્વ’ બની જવાના છે. પાંચ વર્ષ દરમિયાન શહેર ભાજપ અને તેમાં પણ ખાસ કરીને મહાપાલિકાના પદાધિકારીઓ વચ્ચે જે પ્રકારે વાસણ ખખડ્યા છે તેનું વર્ણન કરવું અત્રે શક્ય નથી. ખાસ કરીને ભાજપ નેતાઓ દ્વારા જ એકબીજાના `દાવ’ લેવામાં આવ્યાનું પાંચ વર્ષમાં અનેક વખત બની ચૂક્યું છે. આવો જ એક `ખેલ’ થોડા સમય પહેલાં છેવાડાના વોર્ડમાં બનવા પામ્યો હતો. હરિફોએ ભાજપના આ નેતાને `પાડી’ દેવા એક બાદ એક ચાલ ચાલી હતી અને તેમને બદનામ કરવામાં એક પણ માધ્યમ બાકી રાખ્યું ન્હોતું. નેતા હોય એટલે બીજા કોઈ ગુણ હોય કે ન હોય પરંતુ `ચાલાકી’ જરૂર હોય છે ત્યારે આ ગુણ નેતામાં પણ હોય તેણે ચપટી વગાડીને બદનામ કરનાર હરિફોને શોધી કાઢ્યા હતા અને પૂરાવા એકઠા કરીને હાઈ કમાન્ડ સુધી પહોંચાડીને ખોખારો ખાતાં કહ્યું હતું કે હવે કોઈ વચ્ચે ન આવતા, હું હરિફો સાથે લડી લઈશ. જો કે હાઈ કમાન્ડે મહાપાલિકાની ચૂંટણી આવી રહી હોય અત્યારે `સહન’ કરી લ્યો તેવું કહેતાં જ નેતા થોડા ટાઢા પડ્યા હતા કેમ કે તેઓ પણ આ ચૂંટણીમાં પોતાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હોવાથી હાઈ કમાન્ડની વાત ટાળી શકવાની સ્થિતિમાં નથી પરંતુ તેમણે પોતાના લાગતા-વળગતા અને હિતેચ્છુઓને ખુલ્લેઆમ કહી દીધું હતું કે આ તો હાઈ કમાન્ડે `સહન’ કરી લેવા માટે કહ્યું છે બાકી હરિફોએ શું શું ખેલ ખેલ્યા છે તેના વીડિયો-ફોટો, રેકોર્ડિંગ સહિતનો મસાલો એટલે કે પૂરાવા મેં પણ તૈયાર કરીને રાખ્યા છે. બસ, હવે મારે સમયની જ રાહ જોવાની છે !!
ચૂંટણી આવી તો પાણીપુરી યાદ આવી કે પછી કાગને બેસવું ને ડાળને ભાંગવું ?
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ગમે ત્યારે હવે તારીખ જાહેર થાય તેની તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડવા ઈચ્છુકો, મુરતીયાઓ આગેવાનોને રાહ હશે. મતદારોને પકડમાં રાખવા માટે આમ તો છેલ્લા ચારેક માસથી કે વધુ સમયથી વર્તમાન નગરસેવકો, સભ્યો અતિ કામઢા બની ગયા છે. વિસ્તારોમાં રાઉન્ડ લગાવવા કે પછી લાઈટ, પાણી, રસ્તા કે આવી જનસુવિધાઓ ઉપલબ્ધ રાખવા દોડતા થયા છે. બીજી રીતે પણ મતદારોની નજરોમાં જીવંત કે એક્ટિવ રહેવા નાના-મોટા જમણ કે પાર્ટીઓ પણ આવા વર્તમાન કે લડવા ઈચ્છુક મુરતીયાઓ યોજતા રહે છે. તાજેતરમાં જ રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૪માં મહિલાઓ માટે પાણીપુરીની સ્પર્ધાનું આયોજન થયું અને પાણીપુરીનું જમણ જમાડ્યું વર્તમાન નગરસેવક અને સેનિટેશન કમિટીના ચેરમેન નિલેષ જલુએ. પોતાના વોર્ડની મતદાર મહિલાઓ (પુરૂષો માટે કદાચ હવે તાવાપાર્ટી કે ખાનગી પાર્ટી જમણ થાય કે કરે તો ના ન કહેવાય) માટે ગ્રાન્ડ પાણીપુરી પાર્ટી કોર્પોરેટર જલુ દ્વારા અપાઈ હતી. મહિલાઓએ પણ પેટ ભરીને પાણીપુરીની લિજ્જત માણી પરંતુ પાણીપુરી, ગોલગપ્પા પાછળ પ્રચાર તો કદાચ જલુભાઈનો જ થયો હશે ને એવી કાનાફૂસી મહાપાલિકાના પટાંગણમાં થઈ હશે. જો કે નિલેષભાઈના કહેવા પ્રમાણે ચૂંટણી નજીક આવે છે એવું કાંઈ નહીં પરંતુ મહિલા વિશ્વ દિવસને લઈને પાણીપુરીની મહિલાઓ માટે પાર્ટી રાખી હતી. દર વર્ષે આયોજન કરીએ છીએ. નિલેષભાઈની વાત સાચી હોય કે માનવામાં આવે તો પણ તે ચૂંટણી નજીક હોવાથી આ પાણીપુરી પાર્ટી કાગને બેસવું ને ડાળને ભાંગવું જેવું થયું. જે હોય તે પણ વોર્ડ નં.૧૪ની મહિલાઓને તો મફતમાં પાણીપુરીની મિજબાની માણવા મળી એ પણ હકિકત છે.
આ પણ વાંચો :Haryana Rajya Sabha Election: ભાજપે ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી, હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક બનાવાયા
ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રીને બગાસુ ખાતા પતાસુ આવ્યુ
કોઈને અણધાર્યું પદ મળી જાય કે કોઈ મોટો અણધાર્યો લાભ મળી જાય તો એવુ કહેવાતું હોય છે કે બગાસુ ખાતા પતાસુ મોઢામાં આવી ગયુ..હમણાં યુવા ભાજપના પ્રદેશના હોદેદારોની નિમણુંક કરવામાં આવી અને તેમાં જાહેર થયેલા નામોને લઈને ઘણાને આશ્ચર્ય થયુ છે. ખાનગી સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે પ્રદેશ ભાજપે રાજકોટના અગ્રણીઓ પાસે ૩૫ વર્ષથી ઓછી વય હોય અને શિક્ષિત હોય તેવી યુવા મહિલાનું નામ માગ્યુ હતુ. હાલના રાજકોટ ભાજપના કાર્યકરોમાં આ ક્રાઈટેરિયામાં ફીટ બેસે એવું કોઈ દેખાયુ નહી..૩૫ વર્ષથી ઓછી વયની મહિલાઓ તો ઘણી છે પણ તે ખાસ શિક્ષિત નથી અને શિક્ષિત હોય તો ઝાઝી ગતાગમ પડતી નથી. આવા સંજોગોમાં ડો. દેવાંગી મૈયડનું નામ એક માત્ર યોગ્ય લાગતા તેનું નામ મોકલી દેવાયું હતુ. અહીંથી નામ મોકલનાર કે સૂચન કરનારને એવું હતું કે પ્રદેશ મંત્રી કે પછી સભ્ય તરીકે આ નામનો સમાવેશ થશે. પણ ગણતરીની કલાકોમાં સંગઠનની યાદી જાહેર થઇ અને ડો. દેવાંગી મૈયડને પ્રદેશના મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી. આ નિમણુંકથી ડો. દેવાંગી તો ઠીક ભાજપના સ્થાનિક નેતાઓને પણ આશ્ચર્ય થયુ કારણ કે પ્રદેશ મહામંત્રીનો હોદ્દો માનભર્યો કહેવાય છે. ડો. દેવાંગી મૈયડ ફીઝીયોથેરાપીસ્ટ છે સાથોસાથ યોગ ટે્રનર પણ છે. તેઓ ગીરગંગા જેવી સંસ્થા સાથે પણ સંકળાયેલા છે.
રેન્જ આઇ.જી. યાદવે સાદગી સાથે લીધી વિદાય, ઝાકઝમાળથી રહ્યા દૂર !
બે દિવસ પૂર્વે રાજ્યના ૩૭ આઈપીએસ ઓફિસર્સની ટ્રાન્સફર થઈ તેમાં રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવનો પણ સમાવેશ થયો છે. તેઓએ તા.૨૨-૧૦-૨૦૨૨થી રાજકોટ રેન્જમાં સવાત્રણ વર્ષથી વધુ સમય સુપેરે વિતાવ્યો. હવે તેમને નવું પોસ્ટિંગ રાજ્યના સીઆઈડી (ઈન્ટેલિજન્સ)ના વડા તરીકે મળ્યું છે. સામાન્ય રીતે કે પોલીસ વિભાગમાં ચાલતા ટે્રન્ડ મુજબ જે અધિકારીની અન્યત્ર ટ્રાન્સફર થાય ત્યારે તેમને વર્તમાન સ્થળ પરથી ફેરવેલ પાર્ટી સાથે ભવ્ય વિદાય અપાતી હોય છે. અધિકારીઓ તથા સ્ટાફ સાથે ગેટ ટુ ગેધર રૂપ લંચ, ડીનર કે આવી ફેરવેલ પાર્ટી મેરેજ ફંક્શન હોલ પાર્ટી પ્લોટ કે આવા કોઈ આઉટડોર સ્પોટ પર ગોઠવાતી હોય છે. અધિકારીને તેમની સરકારી કાર સજાવીને, ઓફિસમાંથી બહાર નીકળતા હોય ત્યારે ફૂલવર્ષા, પુષ્પહાર કરીને તેમજ કાર દોરડેથી ખેંચી, બેન્ડ સુરાવલી સાથે નવા સ્થળ માટે વિદાય અપાય છે. રેન્જ આઈ.જી. યાદવ માટે શનિવારે (તા.૭-૩ના) ફેરવેલ પાર્ટી આઉટડોર ગોઠવવાની હતી પરંતુ ઓફિસના હોલમાં જ પાર્ટી થઈ, ન તો કાર સજાવી, ન દોરડે ખેંચાઈ કે ન આવું કંઈ થયું. જેને લઈને આશ્ચર્ય પામનારા ઘણાખરાને એવો જ જવાબ સાંભળવા મળ્યો કે અશોક કુમારની સાલિનતા કહો કે સાદગી, તેઓ જ આવા આયોજનની સામેથી જ ના પાડે છે. ભાવનગરથી રાજકોટ આવ્યા હતા ત્યારે ત્યાં પણ ઝાકઝમાળ વિના સાદગીથી જ વિદાય લીધી હતી અને રાજકોટમાં પણ એ જ સિલસિલો તેમણે જાળવી રાખ્યો.
પાંચ વર્ષમાં ભાજપને વિપક્ષની જરૂર જ ન પડી !
૨૦૨૧ની મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૭૨માંથી ૬૮ (હાલ બે કોર્પોરેટર પક્ષમાંથી સસ્પેન્ડ હોવાને કારણે આ સંખ્યા ૬૬ છે) બેઠક જીતી ઈતિહાસ રચી દીધો હતો. એક સાથે આટલા બધા કોર્પોરેટરો ચૂંટાઈને આવતાં સ્વાભાવિક પણે મહત્ત્વના હોદ્દા માટે તમામે પોતાની રીતે જોર લગાડ્યું જ હોવાથી ખુરશી ઓછી અને દાવેદાર વધી જવાને કારણે છૂપો અણગમો, મનમાં કચવાટ સહિતનું પણ જોવા મળ્યું જ હતું. શિસ્તબદ્ધ પાર્ટી હોવાને કારણે ખૂલીને કોઈ બોલી રહ્યું ન્હોતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વિપક્ષની જેમ જ ખુદ ભાજપના કોર્પોરેટરો એકબીજા સામે ટક્કર લઈ રહ્યા હોય તેવું વર્તન કરતાં પણ જોવા મળ્યા હતા. મહાપાલિકામાં વિપક્ષનું તો કોઈ અસ્તિત્વ જ રહ્યું ન્હોતું અને માત્ર જનરલ બોર્ડ હોય ત્યારે જ કોંગ્રેસના કોર્પોરેટરો દૃશ્યમાન થતાં હતા પરંતુ વિપક્ષનું કામ ખુદ શાસક પક્ષના કોર્પોરેટરે જ શરૂ કર્યું હોય તેમ આડકતરી રીતે હરિફ નેતા ઉપર ડાઘ લાગે તેવા કાવાદાવા પણ કર્યા હતા અને તેમાં સફળતા પણ મેળવી હતી. આ જોતાં એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે આટલી બધી બહુમતિ આવવી પણ ક્યારેક જોખમી બની જાય છે તે વાત પાંચ વર્ષ દરમિયાન થયેલા વિવાદ, કાવાદાવા, કાદવઉછાળની પ્રવૃત્તિ પરથી સાબિત થયા વગર રહેતી નથી.
