આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
શનિવાર તા.28મી સૂર્યાસ્ત પછી આકાશમાં 6 ગ્રહોનો અદભૂત નજારો જોવા મળવાનો છે. રાજકોટ શહેરમાં વીજ લાઈટ- હેલોજનના કારણે દેખારો નહિ તેથી નજારો જોવા માટે નિર્જન, અંધારું હોય તેવી જગ્યા પસંદ કરી નરી આંખે અદભૂત જોઈ શકાશે. રાજ્યમાં જાથાએ ખગોળીય ઘટનાની વિસ્તૃત માહિતી આપવાના કાર્યક્રમ અમલમાં મૂક્યા છે.
જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડ્યા જણાવે છે કે ફેબ્રુઆરી 28મી સૂર્યાસ્ત પછી એક કલાકના સમયગાળામાં પશ્ચિમથી દક્ષિણ-પશ્ચિમ ક્ષિતિજ તરફ બુધ, ગુરુ, શુક્ર, શનિ, નેપ્ચ્યુન, યુરેનસ અદભૂત સીધી લીટીમાં જોવા મળશે. નેપ્ચ્યુન- યુરેનસ ટેલિસ્કોપથી જોઈ શકાશે. સાંજે આકાશમાં છ ગ્રહો એક જ લાઈનમાં જોવાની ઘટનાને પ્લેનેટરી પરેડ અથવા પ્લેનેટરી એલાઈનમેન્ટ કહેવામાં આવે છે.
આ દિવસે બુધ, શુક્ર, શનિ, નેપ્ચ્યુન, યુરેનસ અને ગુરુ એક જ આકાશીય પટ્ટામાં ગોઠવાયેલા જણાશે. સમગ્ર બ્રહ્માંડની દ્રષ્ટિએ આ ગોઠવણી સંપૂર્ણ સીધી લાઈનમાં નથી હોતી, પરંતુ પૃથ્વી પરથી જોતા તેઓ સૂર્યના ‘એકલિપ્ટિક’ માર્ગની આસપાસ ગોઠવાયેલા દેખાય છે. તમામ ગ્રહો સૂર્યની આસપાસ લગભગ એક જ સમતલ પર ભ્રમણ કરે છે. તેથી ક્યારેક એવી રીતે ગોઠવણી થાય છે કે જેથી અમુક ગ્રહો એક જ વિસ્તારમાં ભેગા દેખાય છે.
વધુમાં જ્યારે આપણા સૂર્યમંડળના ગ્રહો પૃથ્વી પરથી જોતા આકાશમાં એક જ દિશામાં કે પટ્ટામાં દેખાય, ત્યારે તેને ‘પ્લેનેટરી એલાઈનમેન્ટ’ કહેવામાં આવે છે. દરેક ગ્રહનો પરિક્રમા સમય જુદો છે. જેમ કે બુધ 88 દિવસમાં સૂર્યની પરિક્રમા કરે છે, શુક્ર લગભગ 225 દિવસમાં, પૃથ્વી 365 દિવસમાં, જ્યારે ગુરુને લગભગ 12 વર્ષ અને શનિને લગભગ 29 વર્ષ લાગે છે. તેથી તેઓ કયારેક એક સાથે દેખાય એ સ્વાભાવિક છે, પરંતુ છ ગ્રહો એકબીજા સાંધા આકાશમાં નજર આવે એ ઘટનાઓ દર વર્ષે થતી નથી. આ વર્ષે મંગળના સ્થાને બુધ આવશે, જે દેખાવમાં વધુ પડકારજનક છે. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ સૂર્યાસ્ત પછી 30થી 60 મિનિટ વચ્ચે આ નજારો જોઈ શકાશે.
