રાજકોટના સહકારનગર મેઈન રોડ પર કુરિયર ઓફિસે જઈ યુવકને છરીના ઘા ઝીંક્યા: નામચીન શખસ અને તેના સાગરિતે મચાવ્યો આતંક
રાજકોટમાં પોલીસ દ્વારા એક બાદ એક ગુનેગારો, ટપોરીઓને કાયદાનું ભાન કરાવવા માટે ક્રાઈમ બ્રાન્ચ કચેરીના ‘ફિટનેસ સેન્ટર’માં સરભરા કરવામાં આવી રહી છે આમ છતાં અમુક તત્ત્વો હજુ પણ સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તેમ લખણ ઝળકાવવાનું બંધ કરી રહ્યા નથી. આવો જ વધુ એક બનાવ સહકારનગર મેઈન રોડ પર હસનવાડી શેરી નં.૩માં બનવા પામ્યો હતો. અહીં કુરિયરની દુકાનમાં ધસી આવી બે શખસે યુવકને છરીના ઘા ઝીકી દેતાં ગંભીર હાલતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
નોકરી કરતો અને પોપટપરામાં રહેતો અમન કાસમભાઈ ચાનીયા દુકાન પર હાજર હતો ત્યારે આ અંગે વધુમાં જાણવા મળેલી વિગત પ્રમાણે હસનવાડી શેરી નં.૩માં આવેલા નંદ કુરિયરમાં અગાઉ મારામારી સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો ગટિયો તેમજ તેનો સાગરીત ભગત સાંજના સમયે અમનના શેઠ સાથે માથાકૂટ કરીને ચાલ્યા ગયા હતા. આ પછી થોડી વારમાં બન્ને ફરી ધસી આવ્યા હતા અને માથાકૂટ શરૂ કરી હતી.
આ પછી ગટિયાએ તેની પાસે રહેલી છરીથી અમનને ઉપરાછાપરી ઘા ઝીકી દેતાં અમનને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ માથાકૂટ કયા કારણોસર થઈ અને બન્ને આરોપીને પકડવા માટે ભક્તિનગર પોલીસ મથકની ટીમે દોડધામ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા પ્રમાણે ગટિયો અને ભગત બન્ને ખંડણીના ઈરાદે કુરિયરની દુકાને આવ્યા હોવાનું લાગી રહ્યું છે આમ છતાં સાચું કારણ જાણવા પોલીસે તપાસ આરંભી છે.
