એપસ્ટીન ફાઇલ્સ : અનિલ અંબાણીની ચેટ સામે આવતા ખળભળાટ: કથિત મેસેજમાં સોનેરી વાળ ધરાવતી સ્વીડિશ મહિલાનો ઉલ્લેખ
અમેરિકાના કુખ્યાત જેફરી ઇપ્સ્ટિન સાથે જોડાયેલા નવા બહાર આવેલા ઇમેઇલ-મેસેજના દસ્તાવેજોને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી ખળભળાટ મચ્યો છે. બ્લૂમબર્ગ ન્યૂઝ દ્વારા મેળવાયેલા દસ્તાવેજોના આધારે પ્રકાશિત અહેવાલમાં ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે થયેલી કથિત વાતચીતનો ઉલ્લેખ થયો છે, જોકે આ દસ્તાવેજોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને તેમાં કરાયેલા દાવાઓ અંગે સંબંધિત પક્ષોની તરફથી સત્તાવાર પ્રતિસાદ જાહેર થયો નથી.
અહેવાલ મુજબ 2017થી 2019 વચ્ચે એપ્સટિન અને અંબાણી વચ્ચે સંદેશાઓની આપલે થતી રહી હતી. એક સંદેશામાં એપ્સટિન દ્વારા “A tall Swedish blonde girl” અંગે ઉલ્લેખ કરાયો હતો અને તેના જવાબમાં અનિલ અંબાણી દ્વારા “arrange that” પ્રકારનો પ્રતિભાવ દર્શાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે. અહેવાલમાં આ વાતચીતનો અર્થ કે પરિસ્થિતિ શું હતી તે સ્પષ્ટ કરવામાં આવી નથી.
આ પણ વાંચો :લો બોલો! ફાંકા મારવામાં અવ્વલ PM શહબાઝને આવ્યું સપનું: “કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બનશે”, PoK વિધાનસભામાં આપ્યું નિવેદન
દસ્તાવેજોમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે એપ્સટિને 4 માર્ચ 2017ના રોજ અંબાણી પરિવાર વિશેની કેટલીક પુસ્તકો ઑનલાઇન મંગાવી હતી. તેમાં Ambani & Sons અને Storms in the Sea Wind: Ambani vs Ambani જેવા પુસ્તકોનો સમાવેશ થતો હોવાનું કહેવાય છે.
નવા મેસેજ બહાર આવતા અમેરિકાના વોલ સ્ટ્રીટ, વોશિંગ્ટન તથા કાનૂની વર્તુળોમાં એપ્સટિનના સંપર્કોના વ્યાપ વિશે ફરી ચર્ચા તેજ બની છે. જોકે અહેવાલમાં ઉલ્લેખિત ભારતીય ઉદ્યોગપતિ અંગે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાબિત થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો નથી અને સમગ્ર મામલો હાલ માત્ર દસ્તાવેજ આધારિત દાવાઓના સ્તરે જ છે.
