7 દિવસમાં તમામ ફાઈલ ક્લિયર કરો, ઓફિસમાં નહીં ફિલ્ડમાં રહો: રાજકોટ મ્યુ.કમિશનરે તમામ શાખાના અધિકારીઓને આપ્યો આદેશ
ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ સહિત આઠેય મહાપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કર્યાના બીજા જ દિવસે એટલે કે શુક્રવારે મ્યુનિસિપલ કમિશનરે તમામ શાખાના અધિકારીઓ સાથે 45 મિનિટ સુધી કરેલી બેઠકમાં ભારપૂર્વક આદેશ આપી દીધો હતો કે સાત દિવસની અંદર કોઈ પણ વિભાગની ફાઈલ હશે તેને ક્લિયર કરવાની રહેશે. આ ઉપરાંત સાત દિવસ બાદ ફરી આ જ પ્રકારે રિવ્યુ બેઠક મળશે અને તેમાં કોણે કેવી કામગીરી કરી તેનો `હિસાબ’ કરાશે.
કમિશનર તુષાર સુમેરાએ દરેક વિભાગના અધિકારીઓને કહ્યું હતું કે લોકો દ્વારા કરાતી અરજીઓ તેમજ સેવાઓના ઝડપી અને સમયસર નિકાલ કરવા તેમજ કોઈ જાતનો વિલંબ ન કરવા તાકિદ કરી હતી. બેઠકમાં દરેક વિભાગના કામની સમીક્ષા કરવામાં આવી હતી સાથે સાથે કયા વિભાગમાં કેટલી ફાઈલ પેન્ડીંગ પડી છે અને તેનો નિકાલ કેવી રીતે થઈ શકે તેની ચર્ચા થઈ હતી. એકંદરે આ તમામ ફાઈલનો એક સપ્તાહમાં નિકાલ કરવા અધિકારીઓને જણાવી દેવાયું હતું.
આ ઉપરાંત વોર્ડ ઓફિસરોને ત્રણ દિવસમાં વોર્ડ સ્તરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી પેન્ડીંગ ફાઈલના નિકાલની જવાબદારી સોંપવામાં આવી હતી. બેઠકમાં હાજર પાંચેય નાયબ મ્યુનિસિપલ કમિશનરને એક સપ્તાહમાં પોતાના ઝોન અને ફાળવેલા વિભાગની ફાઈલ પેન્ડીંગ ન રહી જાય તેનું ધ્યાન રાખવા જણાવાયું હતું.
આ પણ વાંચો :રાજકોટ સિવિલમાં થઇ પ્રથમ એન્જિયોપ્લાસ્ટી: સૌરાષ્ટ્રવાસી અસંખ્ય દર્દીઓ માટે આશાનું કિરણ બની ડૉ. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ
આવનારા સમયમાં તમામ વિભાગના અધિકારીઓ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંકલન કરી ફાઈલનો સમયસર નિકાલ થાય તેમજ ફાઈલ ક્યાં પડેલી છે તે જાણી શકાય તે માટે ટ્રેકિંગ વ્યવસ્થા 48 કલાકની અંદર તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે દરેક અધિકારીઓને ઓફિસમાં બેસી રહેવાની જગ્યાએ ફિલ્ડમાં રહેવા તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં ખાસ ધ્યાન કેન્દ્રીત કરવા પણ કહેવાયું હતું.
