સ્પેસ ટેકનોલોજીમાં નવો યુગ: સાણંદના ખોરજ ખાતે આકાર લેશે દેશનો પ્રથમ ખાનગી ક્ષેત્રનો સેટેલાઈટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ
અમદાવાદના ઔદ્યોગિક હબ સાણંદ ખાતે અઝિસ્ટા સ્પેસ (Azista Space) દ્વારા ભારતની મહત્વકાંક્ષી `ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરી’નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે સંપન્ન થયું હતું. સાણંદના ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આ અત્યાધુનિક ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવશે.
આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોતાના ઉદ્બોધનમાં ગુજરાતને સ્પેસ ટેકનોલોજી અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ડો. વિક્રમ સારાભાઈના વારસાને આગળ ધપાવતા ગુજરાત હવે સ્પેસ ટેકનોલોજીનું નવું કેન્દ્ર બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશે સ્પેસ સેક્ટરને ખાનગી સાહસો માટે ખુલ્લું મૂક્યું છે, જેના પરિણામે આજે સાણંદ ખાતે દેશના પ્રથમ ઇન્ટિગ્રેટેડ પ્રાઈવેટ સેટેલાઈટ પ્લાન્ટનું સપનું સાકાર થઈ રહ્યું છે. ગુજરાત સરકારની નવી સ્પેસ ટેક પોલિસી હેઠળ રાજ્યને સ્પેસ ઈકોનોમીમાં અગે્રસર બનાવવાનું અને યુવાનો માટે મોટાપાયે રોજગારીની નવી તકો ઉભી કરવાનું અમારું લક્ષ્ય છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જેમ ગુજરાતે ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ અને સેમીક્નડક્ટર ક્ષેત્રે વિશ્વભરમાં નામના મેળવી છે, તેમ હવે નોલેજ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી અને સ્પેસ મેન્યુફેક્ચિંરગમાં પણ ગુજરાત અગે્રસર રહેશે. અઝિસ્ટા સ્પેસ દ્વારા સ્થપાનારો આ પ્લાન્ટ આત્મનિર્ભર ભારતના સંકલ્પને નવી ઊંચાઈએ લઈ જશે. અહીં એક જ છત નીચે સેટેલાઈટના ડિઝાઇિંનગથી લઈને ટેસ્ટિંગ સુધીની સંપૂર્ણ કામગીરી સ્વદેશી ટેકનોલોજીથી કરવામાં આવશે, જે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક સજ્જતામાં પાયાનું યોગદાન આપશે.

આ પણ વાંચો :“સ્વતંત્રતા કા મંત્ર: વંદે માતરમ”: 77માં પ્રજાસત્તાક દિને દિલ્હીના કર્તવ્યપથ પર ગુજરાત રજૂ કરશે આકર્ષક ઝાંખી
મંત્રીએ અઝિસ્ટા સ્પેસની ટીમને અભિનંદન પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલો સંપૂર્ણ સ્વદેશી સેટેલાઈટ ટૂંક સમયમાં અવકાશમાં જશે અને વિશ્વના સ્પેસ ઈતિહાસમાં ગુજરાતનું નામ રોશન કરશે. તેમણે વૈશ્વિક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને પણ ગુજરાતમાં રોકાણ કરવા અને સ્પેસ સેક્ટરમાં રહેલી વિપુલ તકોનો લાભ લેવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું.

અઝિસ્ટા સ્પેસના મેનેિંજગ ડાયરેક્ટર એમ. શ્રીનિવાસ રેડ્ડીએ કંપનીના વિઝન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સંશોધન (Research)એ અમારી કંપનીનો મૂળભૂત પાયો છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સફળ સંશોધનો દ્વારા લાખો લોકોના જીવ બચાવ્યા બાદ, હવે અમે એ જ સંશોધન વૃત્તિ સાથે સ્પેસ અને મટીરિયલ સાયન્સના ક્ષેત્રમાં ડગ માંડ્યા છે. અમદાવાદ એ સેટેલાઈટના હૃદય સમાન ગણાતા `પેલોડ’નું કેન્દ્ર હોવાથી, અમે આ પ્લાન્ટ માટે સાણંદની પસંદગી કરી છે. અમને ગર્વ છે કે ઇસરો (ISRO) અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)ના નિષ્ણાતો અમારા માર્ગદર્શક રહ્યા છે, જેમના સહયોગથી અમે શૂન્યમાંથી સર્જન કરી આજે આ સ્તરે પહોંચ્યા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, અઝિસ્ટા સ્પેસ લિમિટેડ દ્વારા ગુજરાત સરકાર સાથે 500 કરોડથી વધુના MoU કરવામાં આવ્યા છે, જેના અંતર્ગત સાણંદના ખોરજ ખાતે દેશનો પ્રથમ ખાનગી ક્ષેત્રનો સેટેલાઈટ મેન્યુફેક્ચિંરગ પ્લાન્ટ આકાર લેશે.
