ITએ કરચોરોની ઠંડી ઉડાડી: અમદાવાદમાં દીપ અને કામેશ્વર ગ્રૂપ પર દરોડા, કરોડોનાં બિનહિસાબી વ્યવહારો ખૂલે તેવી શકયતા
કડકડતી ઠંડી વચ્ચે કરચોરોને નિંદરમાંથી જગાડતા અમદાવાદ આવકવેરા વિભાગે બિલ્ડર અને રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં સંકળાયેલા વ્યવસાયકારો સામે મોટું પગલું ભર્યું છે. આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદમાં બિલ્ડર અને રીયલ એસ્ટેટ ડેવલપર્સ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ મેગા સર્ચ ઓપરેશનથી રિયલ એસ્ટેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
વર્તુળમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદમાં સ્થિત દીપ બિલ્ડર્સ અને કામેશ્વર ગ્રુપ મુખ્ય નિશાન પર હતા. આ ઉપરાંત તેમની સાથે જોડાયેલા અન્ય ભાગીદારો તેમજ અમુક અંગત કર્મચારીઓના રહેણાંક અને ઓફિસ સ્થળોએ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસને વધુ વ્યાપક બનાવવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવકવેરા વિભાગની ટીમોને સોમવારે સાંજે અમદાવાદ બોલાવવામાં આવી હતી.35 જેટલા સ્થળોએ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો :ગોલ્ડન ટ્રેક: સોનું પ્રથમવાર રૂ.1.50 લાખને પાર, ચાંદી રૂ3.28 લાખની સર્વોચ્ચ સપાટીએ, ચાંદીમાં 4 ગણી કમાણી, સોનામાં 100 ટકા નફો
નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે માત્ર બે મહિનાનો સમય બાકી છે ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ આવકવેરા વિભાગે આકરું વલણ અપનાવીને મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કામેશ્વર ગ્રુપના દીપેન પટેલ, નિકુંજ પટેલ અને દિનેશ પટેલ સહિતના બિલ્ડરોની ઓફિસ અને નિવાસસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ દિવસની કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગે હિસાબી દસ્તાવેજો, બેન્ક ટ્રાન્ઝેક્શન્સ તેમજ બિનહિસાબી વ્યવહારોની તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોટા પ્રમાણમાં રોકડ વ્યવહાર, રોકાણ અને શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ અંગે મહત્વની માહિતી મળવાની સંભાવના છે.
